બાબા બાગેશ્વર સુરતમાં:માતા કિરણ પટેલે દીકરા ધીરેન્દ્રનું આરતી ઉતારી સ્વાગત કર્યું, અ'વાદમાં બાબાએ કહ્યું- સંતોને હેરાન કરનારાઓની ઠાઠડી બાંધીશું

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાતમાં 10 દિવસના દિવ્ય દરબારોના કાર્યક્રમો માટે આવી પહોંચ્યા છે. ત્યારે આજે બપોરે બાગેશ્વર બાબા ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ સીધા એક ભક્તના ઘરે ગયા હતા. તે દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ કારમાંથી બહાર નીકળી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ તેઓ વટવા રામકથા મેદાનમાં દેવકીનંદન ઠાકુર સાથે આવી પહોંચ્યા હતા. જ્યાં બાબાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. જોકે, ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદથી સુરત રવાના થયા હતા. ત્યારે બાબના આગમનને લઇ સુરતમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી હતી.

ધીરેન્દ્ર શાસ્ત્રીનું આરતી ઉતારી સ્વાગત
ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત માટે આરતીની થાળી સાથે સુરતી માતા કિરણ પટેલ અને ધારાસભ્ય સંગીતા પાટીલ સુરત એરપોર્ટ પહોંચી ગયા હતા. જોકે, બાબા બાગેશ્વર ચાર્ટર્ડ પ્લેનમાં સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યારબાદ માતા કિરણ પેટલ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીનું આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ બહાર આવ્યા હતા. સુરત એરપોર્ટ બહાર આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે આવતીકાલે દિવ્ય દરબાર અને 27 તારીખે કથા અને ભભૂતી વિતરણ કરાશે. ત્યારે સુરત એરપોર્ટથી બાબા અબરામા ખાતે રવાના થયા હતા. જ્યાં ધીરેન્દ્ર શાસ્ત્રી ગોપીન ફાર્મમાં રાત્રિ રોકાણ કરશે.

સુરતી માતા કિરણ પટેલ દીકરાના સ્વાગત માટે આરતીની થાળી લઈ એરપોર્ટ પહોંચ્યા
સુરતી માતા કિરણ પટેલ દીકરાના સ્વાગત માટે આરતીની થાળી લઈ એરપોર્ટ પહોંચ્યા

ગુજરાતના પાગલો, તમે કેમ છો? કહી સંબોધન શરૂ કર્યું
વટવા રામકથા મેદાને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ સભાસ્થળે જોવા મળ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને લઇને વટવા રામકથા મેદાને ભવ્ય તૈયારી કરવામાં આવી હતી. બાબા માટે ખાસ આસન લગાવવામાં આવ્યું હતું. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી સ્ટેજ પર આવી પહોંચતા ભક્તો દ્વારા તેમનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. સભાસ્થળ પર ડોમ ભક્તોથી હાઉસફુલ થઇ ગયો હતો. ત્યારે બાગેશ્વરબાબાએ સ્ટેજ પર આસન ગ્રહણ કર્યું. બાગેશ્વરધામના ધીરેન્દ્ર સાસ્ત્રીએ ગુજરાતના પાગલો, તમે કેમ છો? કહી સંબોધન શરૂ કર્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભક્તીનો પ્રદેશ ગુજરાત છે. ગુજરાત સીતારામ ચરણને આગળ કરી રહ્યું છે.

ગુજરાતના લોકોને ચૂપ કરાવવા ઘણા મુશ્કેલ: બાબા બાગેશ્વર
હનુમાનજીનું સ્વરૂપ લઇ ભગવાન શંકર પ્રગટ થયા. ભગવાન શંકર હનુમાનજી બન્યા તો માતા પાર્વતી હનુમાનજીની પૂછ બન્યાં હતાં, જેથી ભગવાન રામનાં દર્શન થયાં હતાં. ગુજરાતના માણસ ખતરનાક હોય છે. ગુજરાતના માણસ હોશિયાર હોય છે. ગુજરાતના લોકોને ચૂપ કરાવવા ઘણા મુશ્કેલ છે. હું પણ ગુજરાત પ્રથમ વખત આવ્યો છું. ગુજરાતના અમદાવાદમાં આજે અમે આવ્યા છીએ. આવા આ ભક્તીના પ્રદેશ ગુજરાતની ધરતીને વારંવાર પ્રણામ કરું છું. આવનારા 10 દિવસ ગુજરાતમાં રહીશ. 29 તારીખે સનાતન ધર્મની વાત કરીશું. અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે.

પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ હાર પહેરાવી બાબાનું સ્વાગત કર્યું
પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ હાર પહેરાવી બાબાનું સ્વાગત કર્યું

સનાતન ધર્મ માટે લડનારાઓનો સાથ આપો: ધીરેન્દ્ર શાસ્ત્રી
ભારતમાં હિન્દુ રાષ્ટ્ર અને ભગવાન કૃષ્ણને સ્થાપિત કરવાનો સમય આવી ગયો છે. મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર કૃષ્ણને સ્થાપિત કરવાના છે. ભગવાન કૃષ્ણ અને સનાતન હિન્દુ માટે જાગવાનો સમય છે. મારું કામ માત્ર તમને જગાડવાનું છે. જે હવે જાગશે નહીં તે કાયર છે. જીવન દર વખતે નહીં મળે. હવે જાગીશું નહીં તો બહુ મોડું થઇ જશે. આવનારી પેઢીમાં રામકથા નહીં થાય. સનાતન ધર્મ માટે લડનારાઓનો સાથ આપો. બાગેશ્વરધામ તમારું જ છે, તમે લોકો ત્યાં આવતા રહો. તમામ સનાતની હિન્દુ એક થઈ જાઓ. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા કોણ કોણ તૈયાર છે. ભારતને હિન્દુ બનાવવા કોણ રાજી છે અને સંતોને હેરાન કરનારાઓની ઠાઠડી બાંધીશું.

લોકોએ ફૂલનો હાર પહેરાવવા પડાપડી કરી
જોકે બાગેશ્વર બાબા અમદાવાદ એરપોર્ટથી યજમાન અમરાઇવાડીના પૂર્વ કોર્પોરેટર અરવિંદ ચૌહાણના ભાઈ જુગનીભાઈના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભોજન કર્યા બાદ વટવા રામકથા મેદાને રવાના થયા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી કારમાં સવાર હતા ત્યારે લોકોએ તેમને ફૂલનો હાર પહેરાવવા પડાપડી કરી હતી તેમજ મોમેન્ટો અને બુકે પણ લોકો આપતા નજરે પડ્યા હતા. અસહ્ય ગરમી હોવા છતાં પણ બાગેશ્વરબાબાના અનુયાયીઓ ઊમટી પડ્યા હતા.

લોકોનું અભિવાદન ઝીલતા બાબા બાગેશ્વર.
લોકોનું અભિવાદન ઝીલતા બાબા બાગેશ્વર.

ઠાકુર દેવકીનંદનના નિવાસસ્થાને પહોંચ્યા
ત્યાર પછી વટવા ખાતે ઠાકુર દેવકીનંદનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઠાકુર દેવકીનંદન સાથે બપોરે ભોજન બાદ તેઓ ત્રણ વાગ્યે કથામાં હાજરી આપશે. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા શક્તિચોક ખાતે 29 અને 30 મે એમ બે દિવસ દિવ્ય દરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે જે મેદાન છે, ત્યાં કેટલીક જગ્યાએ રોડ-રસ્તા સરખા કરવાની જરૂરિયાત છે. એના પર પેચ વર્કની કામગીરી કરવામાં આવી હતી.

ઠાકુર દેવકીનંદનની કથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઊમટ્યા છે.
ઠાકુર દેવકીનંદનની કથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઊમટ્યા છે.

AMC દ્વારા પણ કામગીરી કરવામાં આવે છે
ગોતા વોર્ડના સ્થાનિક કોર્પોરેટર અજય શંભુભાઈ દેસાઈએ કાર્યક્રમ સ્થળ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ કામગીરી કરવામાં આવી રહી છે એ અંગેની જાણકારી મેળવી હતી. જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં કામગીરી કરવા માટે સૂચના આપી હતી. કાર્યક્રમ સ્થળ પર સાફસફાઈ તેમજ વિસ્તારમાં લાઈટો અને રોડ યોગ્ય રીતે બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.