તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કૂલોમાં શિક્ષણ શરૂ:ધોરણ 12ની સ્કૂલો શરૂ થતાં જ વિદ્યાર્થીઓએ કહ્યું, ઓનલાઈન મળતા મિત્રો હવે ઓફલાઈન મળ્યાં તેની ખુશી છે

અમદાવાદ2 મહિનો પહેલા
નારણપુરાની વિજયનગર સ્કૂલમાં આજથી વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું
  • વિદ્યાર્થીઓ કહે છે કે ઓનલાઈન કરતાં ઓફલાઈન અભ્યાસમાં વધુ સમજણ પડે છે.

કોરોનાની બીજી લહેરની શરૂઆત થતાં જ સંપૂર્ણ શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું હતું. ઘાતક નીવડેલી બીજી લહેર બાદ હવે કોરોનાના કેસોમાં ભારે ઘટાડો નોંધાયો છે અને આજથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ પણ થઈ ગયું છે. આજથી ધોરણ 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. સ્કૂલોએ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિ મેળવી છે. વિદ્યાર્થીઓમાં પણ ઓફલાઈન અભ્યાસને લઈને ખુશી દેખાઈ રહી છે.

સંમતિ પત્ર ધરાવતા વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાયો
અમદાવાદમાં નારણપુરામાં આવેલી વિજયનગર સ્કૂલમાં આજથી વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. પહેલા જ દિવસે 50 ટકા કેપેસીટી સાથે વિદ્યાર્થીઓ હાજર રહ્યાં છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે બેસાડવામાં આવ્યાં હતાં. સ્કૂલમાં પ્રવેશતા જ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનીંગ અને હાથ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા.વાલીઓ પાસેથી સંમતિ પત્રક મેળવીને જ વિદ્યાર્થીઓને વર્ગમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. બોર્ડની પરીક્ષા હોવાને કારણે વિદ્યાર્થીઓને સવારે 2 પિરિયડ જ ભણાવવામાં આવ્યા હતા. જે પરીક્ષા પૂર્ણ થતાં સંપૂર્ણ સમય ભણાવવામાં આવશે.

વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણમાં વધુ સમજણ પડે છે
વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણમાં વધુ સમજણ પડે છે

50 ટકા કેપેસીટીમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરાઈ
વિજયનગર સ્કૂલના આચાર્ય ધવલ પાઠકે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજથી સ્કૂલ ચાલુ થઈ છે. જેથી 50 ટકા વિદ્યાર્થીઓની કેપેસિટી સાથે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવ્યું છે.અગાઉથી વર્ગ ખંડ પણ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિ પત્ર મેળવવામાં આવ્યું હતું જે વિદ્યાર્થીઓના સંમતિ પત્ર હતા તેમને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

50 ટકા કેપેસીટી સાથે વિદ્યાર્થીઓને વર્ગમાં બેસાડવામાં આવ્યા
50 ટકા કેપેસીટી સાથે વિદ્યાર્થીઓને વર્ગમાં બેસાડવામાં આવ્યા

સ્કૂલ શરૂ થતાં હવે મિત્રો ઓફલાઈન મળશે
સૂરજ ચૌધરી નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે ઓનલાઇન અભ્યાસ કરતા ઓફ્લાઈન અભ્યાસમાં વધુ સમજણ પડે છે. લાંબા સમય બાદ સ્કૂલ શરૂ થતાં સ્કૂલ આવવાનો આનંદ છે. મિત્રો મળ્યા અને મિત્રો સાથે વાતચીત કરી તે વાતની પણ ખુશી છે.કેસ ઘટયા છે તો હવે આ રીતે જ ભણાવવામાં આવે તેવી આશા છે. શ્રુતિ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે ઓનલાઇન કરતા ઓફ્લાઈન અભ્યાસમાં મજા આવે છે. મિત્રો પણ ઓનલાઇન મળતા હતા હવે ઓફ્લાઈન મળ્યા છે જેની ખુશી છે. ઓનલાઇન અભ્યાસમાં એટલો રસ નહોતો પડતો જેટલો ઓફ્લાઈનમાં પડી રહ્યો છે. જેથી હવે સ્કૂલમાં ઓફ્લાઈન જ ભણીશું.