અમદાવાદ શહેરમાં સફાઈ મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાતે રાઉન્ડ લઇ અને રોડ પર સફાઈ રહે તે માટે અધિકારીઓને સૂચના આપી હતી અને જાહેર રોડ પર કચરો ફેકનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં સોનીની ચાલી પાસે હોટલના કિચન વેસ્ટનો કચરો નાખનાર હોટલના માલિક સામે દંડ અને તેની દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ફ્લાઈંગ સ્કવોડની ટીમે હોટલ માલિકનો પીછો કર્યો
વિરાટનગર ચાર રસ્તા પાસે આવેલી આઈશ્રી ખોડીયાર ફાસ્ટ ફૂડ નામની દુકાનના સંચાલક રાત્રે એક્ટિવા પર ડ્રમ ભરી અને કિચન વેસ્ટ સોનીની ચાલી પાસે જાહેર રોડ પર ફેંકવા ગયા હતા. ત્યારે કોર્પોરેશનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ફ્લાઈંગ સ્કવોડની ટીમે તેઓનો પીછો કર્યો હતો. સોનીની ચાલી પાસે સંચાલક નંદબહાદુર રાજપૂત દ્વારા રોડ પર કચરો ફેંક્યો ત્યાં જ તેઓ પાસે ફરી કચરો ભરાવડાવી અને સફાઈ કરાવવામાં આવી હતી અને તેમની સામે દંડની કાર્યવાહી કરી હતી અને ત્રણ દુકાનોને સીલ કરી છે.
કચરો ડોર ટુ ડોર આવતી ગાડીમાં જ આપે તેવી અપીલ
મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા મુજબ હોટલો અને ખાણીપીણીના એકમો દ્વારા મોડી રાતે કિચન વેસ્ટ જાહેર રોડ પર ફેંકી અને ગંદકી કરવામાં આવે છે જેને અટકાવવા માટે ફ્લાઇગ સ્કવોડની રચના કરવામાં આવી છે. જે ટીમ રાત્રે શહેરમાં ફરશે અને જે પણ આવા જાહેર રોડ પર કચરો ફેંકશે તેઓની સામે કડક કાર્યવાહી કરશે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ કચરો ડોર ટુ ડોર આવતી ગાડીમાં જ આપે જાહેર રોડ પર કચરો ફેંકી અને ગંદકી ન કરવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.