તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રકૃતિ સાથે મિલન:અમદાવાદમાં બાગ-બગીચા ખૂલતાં જ વહેલી સવારથી કસરત, વોકિંગ અને યોગા કરવા લોકો ઊમટ્યા

અમદાવાદ8 દિવસ પહેલા
ગાર્ડન ખૂલતાંની સાથે જ લોકોએ વ્યાયામની શરૂઆત કરી.
  • ગાર્ડનમાં આવેલા લોકોને શુદ્ધ હવા અને હરિયાળી જોઈને મનને શાંતિ મળી
  • ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે બ્રિથિંગ એક્સર્સાઇઝ અને યોગા તરફ લોકો વળ્યા

રાજ્યમાં ઘણા લાંબા સમય બાદ આજે બાગ-બગીચા, જિમ,મંદિરો અને હોટલ 50 ટકાની ક્ષમતા સાથે ખૂલવા જઈ રહ્યાં છે. ત્યારે શહેરમાં બાગ-બગીચાને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરનાં અલગ અલગ ગાર્ડનમાં લોકો વહેલી સવારથી જ વોકિંગ અને એક્સર્સાઈઝ કરવા માટે ઊમટયા હતા. લોકો હવે પોતાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે અનેક પ્રકારની કસરત અને યોગા કરી રહ્યા હતા. નાના બાળકથી માંડીને વૃદ્ધ એમ તમામ વયના લોકો વહેલી સવારે ગાર્ડનમાં નજરે પડ્યાં હતાં.

આજે કાશ્મીર જેવો અનુભવ થયોઃ નાનુભાઈ
શહેરમાં લૉ ગાર્ડનમાં કસરત કરવા માટે આવેલા નાનુભાઈએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ દોઢ વર્ષ બાદ આજે ગાર્ડનમાં આવ્યા છે. ગાર્ડનમાં આવ્યો તો આજે કાશ્મીર જેવો અનુભવ થયો. અહીંની હરિયાળી, શુદ્ધ ઓક્સિજન અને લોકોના મુખ પર સ્મિત જોઈને જે આનંદ થયો છે એની વાત જ કંઈક અલગ છે. હું ઘણાં વર્ષોથી અહીં આવું છું. હું રેગ્યુલર સાઇકલ ચલાવું છું, સ્વિમિંગ કરું છું. કસરત સાથે મિત્રો સાથેની મુલાકાતમાં જ અનેરો આનંદ મળે છે. આજે અદ્ભુત આનંદનો અનુભવ થયો છે.

બાગ-બગીચામાં આજથી લોકોએ મોર્નિંગ વોકિંગ શરૂ કર્યું.
બાગ-બગીચામાં આજથી લોકોએ મોર્નિંગ વોકિંગ શરૂ કર્યું.

ગાર્ડનમાં લોકોનું પ્રકૃતિ સાથે મિલન થાય છેઃ અરવિંદ ચૌહાણ
છેલ્લાં 6 વર્ષથી ગાર્ડનમાં મિત્રો સાથે કસરત માટે આવનારા અરવિંદભાઈ ચૌહાણે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું એક પોલીસકર્મી છું. છેલ્લાં 6 વર્ષથી આ ગાર્ડનમાં આવું છું. અહીં લોકોનું પ્રકૃતિ સાથે મિલન થાય છે, એટલે તમે સામાન્ય લાઇફસ્ટાઇલનો સ્ટ્રેસ અહીં દૂર કરી શકો છો. દિવસની ભાગદોડ વચ્ચે તમે 10 મિનિટમાં પણ ગાર્ડનમાં બેસો તો તમારું મન પ્રફુલ્લિત રહે છે. અમે હવે બ્રિથિંગ એક્સર્સાઈઝ, વોકિંગ અને યોગા કરીએ છીએ, જેથી ફેફસાંમાં વાયુની અવરજવર થાય અને કોઈને ઓક્સિજનની સમસ્યા ન થાય, સાથે બ્રિથિંગ એક્સર્સાઈઝમાં પર અમે વધુ ધ્યાન આપીએ છે.

લોકોએ કહ્યું, તમામ લોકો એક્સર્સાઈઝ કરે તો તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.
લોકોએ કહ્યું, તમામ લોકો એક્સર્સાઈઝ કરે તો તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.

કસરત કરી તો શરીરમાં ઘણો ચેન્જ જોવા મળ્યોઃ ડૉ જાવેદ વકીલ
લૉ ગાર્ડનમાં રેગ્યુલર કસરત કરવા માટે આવતા ડો જાવેદ વકીલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું છેલ્લાં 15 વર્ષથી રેગ્યુલર અહીં આવું છું. કોરોના મહામારીમાં ગાર્ડન બંધ થયાં, મારી કસરતનું રેગ્યુલર શિડયૂલ ન જળવાયું, જેથી મને ઘણી તકલીફ થઇ હતી. જોકે હવે આજે કસરત કરી તો શરીરમાં ઘણો ચેન્જ જોવા મળ્યો. કોવિડ મહામારી જે લોકો રેગ્યુલર એક્સર્સાઇઝ કરતા હતા તેમને ગંભીર સમસ્યા નથી થઈ, તેઓ જલદી રિકવર થયા છે, એવું મેં જોયું છે, જેથી તમામ લોકો એક્સર્સાઈઝ કરે તો તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.