શિક્ષકોની મજબૂરી:અમદાવાદમાં નવસર્જન સ્કૂલના શિક્ષકોએ રોડ પર બેસીને વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવા પડ્યા, BU પરમિશન ન હોવાથી સ્કૂલ સીલ કરાઈ છે

અમદાવાદ6 મહિનો પહેલા
શિક્ષક રોડ પર બેસીને વિદ્યાર્થીઓને ભણાવવા મજબૂર
  • સ્કૂલ સીલ હોવાને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવામાં પણ મુશ્કેલી થશે.
  • છેલ્લા એક સપ્તાહમાં એસ્ટેટ વિભાગે 48 સ્કૂલોના 593 રૂમો સીલ કરી દીધાં.
  • રાણીપમાં વેપારીઓએ સિલિંગ કાર્યવાહીને કારણે હાથમાં વાટકા લઈને વિરોધ પ્રદર્શન કર્યું.

અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી AMCના એસ્ટેટ વિભાગ દ્વારા BU વિના ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ, સ્કૂલ, ઈન્ડસ્ટ્રીય યુનિટોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્ષોથી BU પરમિશન વિના ચાલતી સ્કૂલો, કોમર્શિયલ કોમ્પલેક્સોને સીલ મારી દેતાં લોકો હેરાન થઈ રહ્યાં છે. ત્યારે શહેરના રાણીપ વિસ્તારમાં નવસર્જન સ્કૂલ સીલ થતાં શિક્ષકોએ સ્કૂલની બહાર બેસીને ઓનલાઈન ક્લાસ શરુ કર્યાં હતાં.

સાતમી જૂનથી સ્કૂલોમાં નવુ સત્ર શરૂ થયું
હાઈકોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ AMCએ BU વિનાના યુનિટો પર કાર્યવાહી શરુ કરી છે. ગત સાતમી જૂનથી સ્કૂલોમાં નવા સત્રની શરુઆત થઈ છે. સત્રની શરુઆતથી જ સ્કૂલોને સીલ મારવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થાય છે. નવસર્જન સ્કૂલને BU નહીં હોવાથી સીલ કરવામાં આવતાં શિક્ષકોએ સ્કૂલની બહાર બેસીને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપ્યું હતું.

નવસર્જન સ્કૂલના આચાર્ય જય પ્રકાશ પટેલે દિવ્યભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે BU પરમિશનના નિયમ પહેલા શાળાનું નિર્માણ થયું હતું અને અત્યારે ઇમ્પેક્ટ ફી ભરવા માટે અમને જાણ નહોતી પરંતુ એમને સમય આપવામાં આવશે તો અમે પ્રક્રિયા પૂર્ણ કરવા તૈયાર છીએ. વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટે અમે આજે રોડ પર બેસીને ભણાવ્યા છે અને હજુ પણ ભણવવા તૈયાર છીએ. સ્કૂલ સીલ હોવાને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવામાં પણ મુશ્કેલી થશે.

ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવામાં પણ મુશ્કેલી થશે
ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવામાં પણ મુશ્કેલી થશે

રાણીપમાં વેપારીઓ પર પરેશાન
રાણીપ વિસ્તારમાં મારુતિ કોમ્પલેક્સમાં આવેલી 150 જેટલી દુકાનો સીલ કરી દેવામા આવતા વેપારીઓના રોજગાર ધંધા બંધ થઈ જતાં ફરી તેઓ બેરોજગાર બન્યાં છે. તેમણે દુકાનોના સીલ ખોલવા માટે અનોખો વિરોધ કર્યો હતો. વેપારીઓએ હાથમાં વાટકા લઈને તેમણે ભીખ માંગીને દુકાનોના સીલ ખોલવાની માંગ કરી હતી. AMCએ ગત 31મી મેથી સીલિંગ કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં અત્યાર સુધીમાં 2200થી વધુ યુનિટ સીલ કરાયાં છે.

48 સ્કૂલના 593 રૂમ સીલ કરવામાં આવ્યા
AMCના એસ્ટેટ વિભાગે ગત 31 મેના રોજ સિલિંગ કાર્યવાહી શરુ કરી હતી. છેલ્લા એક સપ્તાહમાં એસ્ટેટ વિભાગે 48 સ્કૂલોના 593 રૂમો સીલ કરી દીધાં છે. તે ઉપરાંત શહેરમાં સૌથી વધુ સ્કૂલો પશ્ચિમ ઝોનમાં સીલ કરવામાં આવી છે. નવા સત્રની શરુઆતથી જ સ્કૂલોને સીલ કરાઈ છે. ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ કેવી રીતે કરાવાશે અને ધોરણ 10નું પરિણામ પણ કેવી રીતે તૈયાર થશે. આવા અનેક સવાલો ઉભા થયાં છે.

શિક્ષકોએ સ્કૂલની બહાર બેસીને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપ્યું
શિક્ષકોએ સ્કૂલની બહાર બેસીને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપ્યું

6 દિવસમાં 2245 યુનિટ સીલ કરાયા
મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા 31મી મેથી 4 જૂન સુધીમાં કોમર્શીયલ વપરાશકર્તાઓની 1158 દુકાનો/ઓફિસ/ક્લાસીસ, હોટલના 568 રૂમો, રેસ્ટોરાંના 82 યુનિટો, 48 સ્કૂલના 593 રૂમ અને 1 ઈન્ડસ્ટ્રીયલ એકમ થઈને કુલ 2405 યુનિટ સીલ કરવામાં આવેલા છે. આગામી દિવસોમાં પણ આ સીલિંગની કાર્યવાહીની ઝૂંબેશ ચાલુ રહેશે. દક્ષિણ ઝોનના મક્તમપુરા વોર્ડમાં અલીઝા કોમ્પલેક્સ હાજીબાવાની દરગાહ પાસે જુહાપુરામાં પ્રથમ અને બીજા માળના કોમર્શિયલ 18 યુનિટનું બાંધકામ દુર કરવામાં આવ્યું છે.