લોકડાઉનમાં છૂટછાટ:છેલ્લા એક અઠવાડિયામાં તમામ નિયમોના પાલન સાથે 2.63 લાખ જેટલા લોકોએ બસમાં મુસાફરી કરી

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાઈરસની સ્થિતીમાં કોરોના સાથે, કોરોના સામે જુસ્સાપૂર્વક જંગ લડીને રાજ્યમાં આર્થિક અને વ્યાવસાયિક પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક જનજીવન ફરીથી બેઠું કરવા માટે 19મી મેથી વિવિધ છૂટછાટ સાથે લોકડાઉન 4ની તબક્કાવાર રીતે જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ રાજ્યમાં નાગરિકોને જાહેર પરિવહન સેવા સરળતાથી મળી રહે તે માટે રાજ્યભરમાં કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં શક્ય હોય તેટલી વધુ ટ્રીપનું સંચાલન કરવાના આદેશ આપ્યાં હતા. 

મોટી સંખ્યામાં લોકોએ એસટીનો લાભ લીધો
આ આદેશ અંતર્ગત 20મી મેથી 26મી મે દરમિયાન છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યભરમાંથી 2.63 લાખ જેટલા મુસાફરો ફરજિયાત માસ્ક પહેરવા સહિત સોસિયલ ડિસ્ટન્સિંગ રાખીને મુસાફરી સેવાનો લાભ લીધો હતો. આ ઉપરાંત ગુજરાત એસ.ટી. નિગમે લોકડાઉન 3 પછી સામાન્ય મુસાફરો માટે ફરીથી શરૂ કરવામાં આવેલી પરિવહન સેવામાં 20મી મેએ 23,069 જેટલા લોકોએ આ સેવાનો લાભ લીધો હતો. તેમાં ઉત્તરોત્તર વધારો થતાં તા. 21મી મેએ 25,023 લોકોએ, 22મી મેએ 34,825 લોકોએ, 23મી મે એ 40,818 લોકોએ, 24મી મે એ 35,064 લોકોએ, 25મી મે એ 54,825 લોકોએ અને 26મી મે એ 58,505 લોકો મળીને કુલ 2.63 લાખ જેટલા લોકોએ એસટી સેવાનો લાભ લીધો છે.

દર ટ્રિપ પછી બસને સેનેટાઇઝ કરવામાં આવે છે
હાલ તમામ મુસાફરો ઓનલાઇન ટિકિટ બુક કરે તે વધારે સારું છે. તેમ છતાં મુસાફરોનો અગવડ ન પડે તે માટે કંડક્ટર સહિત બસ સ્ટેન્ડ પર પણ સોશિયલ ડિસ્ટન્ડિંગ સાથે ટિકિટ બુક કરાવવા માટે કાઉન્ટર રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત મુસાફરે બસ ઉપડતા પહેલાં ઓછામાં ઓછા 30 મિનીટ પહેલા બસ સ્ટેન્ડ પર પહોંચવાનું રહેશે. બસની ક્ષમતાના 60 ટકા મુસાફરો સાથે સંચાલન કરવામાં આવે છે. દરેક બસ ટ્રીપ પૂર્ણ થયા પછી સેનેટાઈઝ કરીને બીજી ટ્રીપમાં ઓપરેટ કરવામાં આવી રહી છે.

માસ્ક હોય તો જ બસ સ્ટેન્ડમાં એન્ટ્રી
મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ હતું કે, માસ્ક પહેર્યું હોય તેવા લોકોને જ બસ સ્ટેન્ડમાં એન્ટ્રી આપવામાં આવતી હતી. આ ઉપરાંત મુસાફરોના ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવતા હતા. જેમાં કોરોના વાઇરસના લક્ષણ ન હોય તેવા મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવતો હતો. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. બસમાં બેસતા તમામ મુસાફરોને સેનેટાઇઝરથી હાથ સાફ કરી બસની અંદર પ્રવેશ આપવામાં આવે છે. તેમજ બસમાં મુસાફરોને બેસતા અને ઉતરતા સમયે પણ સોશિયલ ડિસન્ટસીંગનું પાલન કહેવામાં આવે છે.

પાંચ ઝોનમાં બસ ચલાવવામાં આવે છે
આ સિવાય તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ તો સમગ્ર અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં એસ.ટી. નિગમ બસનું સંચાલન કરી રહ્યું છે. જ્યારે ગાંધીનગરથી પણ અમદાવાદ શહેર વચ્ચેનો તમામ વાહનવ્યવ્હાર હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. હાલ રાજયના પાંચ ઝોનમાં એસ.ટી. નિગમ દ્વારા તબક્કાવાર કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ઝોનમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મધ્ય ઝોનમાં ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, દાહોદ, આંણદ, છોટાઉદેપુર, દક્ષિણ ઝોનમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ, મોરબી, જુનાગઢ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છ ઝોનમાં ભુજથી ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય શહેરોને બસ દ્વારા જોડીને સંચાલન કરવામાં આવી રહ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...