નવરાત્રિ, દશેરા અને દિવાળીના તહેવારોમાં લોકો સારા મુહૂર્તમાં વાહનોની વધુ ખરીદી કરતા હોય છે. એક મહિનામાં 23098 જેટલા વાહનોની ખરીદી કરી છે. જેને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વ્હીકલ ટેક્સની રૂપિયા 20 કરોડની એક જ મહિનામાં આવક થઈ છે. જેમાં 86 ઇલેક્ટ્રિક વ્હીકલ સહિત 7084 જેટલા ફોર વ્હીલરની ખરીદી થઈ છે. તહેવારોમાં મોટી પ્રમાણમાં વાહનોની ખરીદી થતા કોર્પોરેશનને સારી એવી આવક થઈ છે.
ટેક્સ વિભાગને વ્હીકલ ટેક્સની આવક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગને તા. 28 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2022 દરમિયાન વ્હીકલ ટેકસની રૂપિયા 20.04 કરોડની આવક થઈ છે. નવરાત્રિ, દશેરા અને દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકો કુલ 23098 નવા વ્હીકલ ખરીદવાને લીધે મ્યુનિ. ટેક્સ વિભાગને વ્હીકલ ટેક્સની આવક થઈ છે. શહેરીજનોએ અંદાજે 86 ઈલેક્ટ્રીક વ્હીકલ ખરીદ્યા છે.
ફોર વ્હીલર માટે 5 ટકાનો ટેક્સ વસૂલ કરાય છે
વાહનોની ખરીદી કરનાર પાસેથી મહત્તમ 5 ટકા વ્હીકલ ટેક્સ વસૂલ કરાય છે. જોકે, વિકલાંગો માટેના ઈલેક્ટ્રીક વ્હીકલ પર કોઈ ટેક્સ વસૂલાતો નથી. રૂપિયા 3,99,999ની કિંમતના ફોર વ્હીલર માટે 2 ટકાથી લઈને રૂપિયા 50 લાખ સુધીના ફોર વ્હીલર માટે 5 ટકાનો ટેક્સ વસૂલ કરાય છે. રૂપિયા 4 લાખથી રૂપિયા 7,99,999 સુધીના 4156 વ્હીકલ, રૂપિયા 8 લાખથી રૂપિયા 14,99,999 સુધીની કિંમતના 2180 ફોર વ્હીલરનું વેચાણ થયું છે.
મ્યુનિ. ટેક્સ વિભાગને 20 કરોડની આવક
જ્યારે રૂપિયા 50 લાખ કે તેનાથી વધુની કિંમતના ફક્ત 25 ફોર વ્હીલરનું વેચાણ થયું છે. 28 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધીના સમયગાળામાં 14651 મોટર સાયકલ, 7084 મોટર કાર, 715 ઓટો રીક્ષા, 495 મિની બસ, મેટાડોર અને લોડીંગ રીક્ષા તથા અન્ય 153 વાહનોની ખરીદી થઈ છે. જેના લીધે મ્યુનિ. ટેક્સ વિભાગને રૂપિયા 20.04 કરોડની આવક થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.