ધાર્મિક પ્રવાસ યોજના:AMTS માત્ર રૂ.60માં અમદાવાદ અને ગાંધીનગરનાં 23 મંદિરનાં દર્શન કરાવશે, મુસાફરોને ઘરેથી લઈ જશે અને પરત મૂકી જશે

અમદાવાદ13 દિવસ પહેલા

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ શિવ મંદિરોમાં લોકો દર્શન કરવા માટે જતા હોય છે. અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળો પર પવિત્ર શ્રાવણ માસમાં લોકો દર્શન કરે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી AMTS બસની ધાર્મિક બસ પ્રવાસ યોજનાની ટિકિટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે પ્રવાસીઓ શ્રાવણમાસ દરમિયાન અમદાવાદ તથા આસપાસના શિવમંદિરોમાં દર્શનાર્થે સરળતાથી જઈ શકશે.

ટિકિટના ભાવ આ પ્રકારે રાખવામાં આવ્યા
AMTSમાં સામાન્ય દિવસોમાં ધાર્મિક બસ પ્રવાસ યોજનામાં પુખ્ત વયના લોકોની 90 અને બાળકોની 45 રૂપિયા ટિકિટ હોય છે. જેને ઘટાડી પુખ્ત વયના લોકો માટે 60 અને બાળકો માટે 30 રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત રક્ષાબંધનના દિવસે પણ મહિલાઓ માટે મનપસંદ ટિકિટ યોજનામાં માત્ર 10 રૂપિયામાં મહિલાઓ મુસાફરી કરી શકશે. બાળકોની પાંચ રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે.

AMC દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના શરૂ કરવામાં આવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરના કુલ 23 જેટલા અલગ-અલગ મંદિરોમાં પ્રવાસીઓને દર્શન કરાવવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે ત્યારે શ્રાવણ માસમાં લોકો મંદિરોમાં દર્શનનો લાભ વધુ લેતા હોય છે. નાગરિકો સસ્તા દરે શ્રાવણ માસમાં વિવિધ મંદિરોમાં દર્શન કરી શકે તેના માટે AMTS સત્તાધીશો દ્વારા ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ધાર્મિક બસ પ્રવાસ યોજના માટે ઓછામાં ઓછા 40 પ્રવાસીઓ હોવા જરૂરી છે. સવારે 8.15થી ઉપડી વિવિધ 23 મંદિરે ફરી સાંજે 4.15 વાગ્યે પરત લાવે છે.

AMTSએ આ પોસ્ટરમાં 5 ધાર્મિક સ્થળ દર્શાવ્યા નથી.
AMTSએ આ પોસ્ટરમાં 5 ધાર્મિક સ્થળ દર્શાવ્યા નથી.

દર્શનનો લાભ લઈ શકાય એ રીતે મંદિરો નક્કી કરવાં પડશે
આઠ કલાકના સમયમાં દર્શનનો લાભ લઈ શકાય તે રીતે મંદિરો નક્કી કરવાના રહેશે. આ યોજનાનો લાભ લેનાર લોકો જે સ્થળે નિશ્ચિત કરે ત્યાં બસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. લાલદરવાજા, મણિનગર, સારંગપુર અને વાડજ ટર્મિનસથી બસ ઉપલબ્ધ થાય છે. ધાર્મિક બસ પ્રવાસ યોજના માટે લોકોને પાંચ રૂટના ઓપ્શન આપવામાં આવ્યા છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મંદિરોના રૂટ અલગ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પુર્વમાં બે અને પશ્ચિમમાં બે તેમજ એક જનરલ રૂટ છે. જે પણ રૂટ ઉપર પ્રવાસીઓ નક્કી કરે તે રૂટ પર દર્શનનો લાભ તેમને આપવામાં આવશે.