તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્સિસ માટે ખુશ ખબર:રાજ્યમાં તાત્કાલિક ધોરણે 2019 જેટલી નર્સિસની જગ્યાઓ સીધી ભરતીથી ભરાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નર્સિસના પ્રદર્શનની તસવીર. - Divya Bhaskar
નર્સિસના પ્રદર્શનની તસવીર.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીએ રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ માનવબળ વધુ સુદ્રઢ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોર કમિટિના આ નિર્ણય અનુસાર રાજ્યમાં 2019 જેટલી હાલ ખાલી પડેલી નર્સિસની જગ્યાઓ સીધી ભરતીથી તાત્કાલિક ધોરણે ભરવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ હાથ ધરશે.

દર્દીઓની સારવાર સેવામાં વધુ ગતિ આવશે
રાજ્યમાં કોરોના સંક્રમિતોની સારવાર-સુશ્રૃષા સહિત અન્ય આરોગ્યલક્ષી સેવાઓમાં મહત્વપૂર્ણ ફરજ નિભાવતી નર્સિસની આ ભરતીને પરિણામે રાજ્યમાં આરોગ્ય સેવાકર્મીઓમાં વધુ માનવબળ જોડાતાં દર્દીઓની સારવાર સેવામાં વધુ ગતિ આવશે.

આ કમિટીની બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહ-રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવો પંકજકુમાર, એમ.કે.દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવી અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

12મી મેના રોજ 4000 જગ્યા ભરવા નર્સિસે પ્રદર્શન કર્યું હતું
12મી મે એટલે, વિશ્વભરમાં નર્સિંગ ડેના દિવસે જ સિવિલ હોસ્પિટલની નર્સોએ બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યમાં નર્સિસની ખાલી પડેલી લગભગ 4000 જગ્યા તાત્કાલિક ધોરણે ભરીને હાલની અછત દૂર કરાય. નર્સોને છેલ્લા એક વર્ષથી આજદિન સુધી ન મળેલી રજાઓનું વળતર અપાય અથવા જમા કરવાનો હુકમ થાય.

રાજ્યમાં 10 હજાર 742 નવા કેસ
24 કલાકમાં રાજ્યમાં 10 હજાર 742 નવા કેસ નોંધાયા છે. તેમજ સતત નવમા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે અને અમદાવાદના 7 હજારથી વધારે મળીને રેકોર્ડબ્રેક 15 હજાર 269 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં 109 દર્દીના મોત થયા છે. છેલ્લા 14 દિવસથી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી રહ્યા છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 81.85 ટકા થયો છે.

1 લાખ 22 હજાર 847 એક્ટિવ કેસ અને 804 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લાખ 25 હજાર 353ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 8 હજાર 840 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 5 લાખ 93 હજાર 666 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 22 હજાર 847 એક્ટિવ કેસ છે, જેમાંથી 796 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 22 હજાર 51 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય સમાચારો પણ છે...