જાડેજાની તસવીરનો વિવાદ:રીવાબાએ ચૂંટણી પ્રચારમાં જડ્ડુની ભારતીય ક્રિકેટ ટીમના ટી-શર્ટ સાથે રોડ શોની તસવીર શેર કરી, યુઝર્સ પણ નારાજ

અમદાવાદ10 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ અન બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા વિવાદમાં આવ્યા છે. તેમના પત્ની રીવાબા જાડેજા ઉત્તર જામનગર બેઠક પરથી વિધાનસભાના ઉમેદવાર છે. જ્યારે તેમના પ્રચાર માટે રવિન્દ્ર જાડેજાની તસવીર સાથે રીવાબાએ તેમના સોશિયલ મીડિયા ટ્વિટર એકાઉન્ટમાં તસવીર શેર કરી છે. જેમાં ભારતીય ટીમના ટી-શર્ટમાં સજ્જ રવિન્દ્ર જાડેજા છે. ત્યારે ટ્વિટર પર શેર કરાયેલી તસવીરથી વિવાદ સર્જાયો છે. એટલું જ નહીં, કેટલાક યુઝર્સ ભારતીય ક્રિકેટ ટીમના ટી-શર્ટવાળી રવિન્દ્રની તસવીર શેર ન કરવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, બીસીસીઆઈ આવી રીતે પોલિટિકલ પાર્ટીનો પ્રચાર કરવાની છૂટે આપે છે... તેવા સવાલ પણ કર્યા હતા. તો કેટલાકે તો ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવા માગ કરી હતી. રીવાબાએ સોશિયલ મીડિયા પર એમની એક પોસ્ટમાં લખ્યું હતું કે 'તમે પણ ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર @imjadejaના રોડ શોમાં સામેલ થઈ શકો છો.' જો કે તસવીર સાથે આ ટ્વિટ બાદ ટ્વિટર યુઝર્સે સીધા જ રવિન્દ્ર જાડેજાને ટાર્ગેટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉમેદવાર રીવાબા તેમના નણંદ નયનાબા જાડેજાના સતત નિશાને રહે છે.

વડાપ્રધાન મોદીની સભામાં અજાણ્યું ડ્રોન દેખાયું
વિધાનસભાની ચૂંટણીઓને હવે આગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા હતી. વડાપ્રધાને પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળામાં જાહેર સભા ગજવી હતી. જ્યારે બાવળામાં સભા દરમિયાન વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક રહી ગયાનું બહાર આવ્યું છે. બાવળા ખાતે મોદીની સભામાં અજાણ્યું ડ્રોન દેખાયું હતું. આ ડ્રોન ઉડાનાર ત્રણ શખ્સ અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય શખ્સની ધરપકડ કરી તેમની પાસેથી ડ્રોન કબ્જે કર્યું છે. પોલીસ તપાસમાં ત્રણેય શખ્સ ડ્રોન કેમેરાથી વીડિયો રેકોર્ડ કરતા હતા.

ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો રીવાબા માટે ધૂમ પ્રચાર
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા હજુ સુધી ઘૂંટણની ઈજામાંથી બહાર નથી આવ્યા અને તેઓ બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. તેમને ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામેની આગામી ત્રણ મેચની ODI શ્રેણી માટે પસંદ કરવામાં નથી આવ્યા, પરંતુ બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમની પત્ની રીવાબા જામનગરથી ભાજપનાં ઉમેદવાર છે, જેથી હાલ તો રવીન્દ્ર જાડેજા ચૂંટણીપ્રચારમાં બિલકુલ ફિટ દેખાઈ રહ્યા છે. તેઓ પત્નીને જિતાડવા માટે ઠેર-ઠેર ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.

રઘુ શર્માએ કેજરીવાલને ગુજરાતીમાં આપી ચેલેન્જ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય પક્ષો દ્વારા જોરશોરમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એક પક્ષ બીજા પક્ષ પર આક્ષેપો કરી રહ્યા છે અને પોતાના પક્ષનો જંગી બહુમતીથી વિજય થવાની ધારણા કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગુજરાતીમાં વીડિયો બનાવી અરવિંદ કેજરીવાલને ચેલેન્જ આપી છે કે, ગુજરાતમાં તમારી એક પણ સીટ નહીં આવે. તમે BJPની બી ટીમ છો, છો અને છો... કેજરીવાલજી આપણું ગુજરાતમાં ખાતું જ નહિ ખુલે.

ડબલ એન્જિન સરકારમાં 8 વર્ષમાં મોંઘવારી 2-3-4 ગણી થઈ: રાઘવ ચઢ્ઢા
આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્ય સભાના સાંસદ અને ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ આજે જણાવ્યું હતું કે ચૂંટણીમાં ભાજપનો એક જ મુદ્દો છે કે ડબલ એન્જિન સરકાર બનાવો. 2014માં ડબલ એન્જિન સરકાર બની. 2014થી 2022 સુધી મોંઘવારી વધી છે. ચૂંટણીનો મુખ્ય મુદ્દો મોંઘવારી છે. ભાજપની ડબલ એન્જિન સરકારની 8 વર્ષમાં ડબલ અને ટ્રિપલ મોંઘવારી વધી છે. ભારત દેશમાં 35થી 40 વર્ષમાં મોંઘવારી અને બેરોજગારી સૌથી વધુ છે. મોંઘવારીમાંથી છુટકારો મેળવવા લોકો પાસે એક જ વિકલ્પ છે, આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટીની સરકાર બને તો 30,000 પ્રતિ મહિના ફાયદો થશે. દરેક જગ્યા અને સર્વેમાં સ્પષ્ટ છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સ્પર્ધા છે. કોંગ્રેસ ક્યાંય નથી. માત્ર 5 સીટ કોંગ્રેસની આવશે. કોંગ્રેસના મતદારો આમ આદમી પાર્ટીને મત આપે છે. હવે પરિવર્તન આંધી આવી રહી છે.

આપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા.
આપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા.

વિધાનસભા ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારોનો ADRએ રિપોર્ટ જાહેર કર્યો
ADR દ્વારા આજે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 2017 કરતાં 2022માં ગંભીર ગુનાઓ ધરાવતા ઉમેદવારોની સંખ્યા વધુ છે. 2022માં પ્રથમ તબક્કાની 89 બેઠક પર 100 ઉમેદવાર ગંભીર ગુનાઓ ધરાવે છે, જ્યારે 788 ઉમેદવારમાંથી 167 ઉમેદવાર ગુનાઓ ધરાવે છે. આ ઉપરાંત રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે 2017માં પ્રથમ તબક્કામાં ઊભા રહેલા 923 ઉમેદવારમાંથી 137 ઉમેદવાર (15 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. પક્ષ પ્રમાણે જોઈએ તો AAPના 88 ઉમેદવારમાંથી 32, કોંગ્રેસના 31 અને ભાજપના 4 ઉમેદવાર સામે ગુના દાખલ થયા છે.

પ્રથમ તબક્કામાં 211 ઉમેદવાર કરોડપતિ
પ્રથમ તબક્કામાં 89 બેઠક પર કુલ 211 ઉમેદવાર કરોડપતિ છે. જામનગરમાં રીવાબા પાસે કુલ 97 કરોડની મિલકત છે. દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેક પાસે 115 કરોડની કુલ મિલકત છે. પારડીના ભાજપ ઉમેદવાર કનુ દેસાઈ પાસે 10 કરોડથી વધુ, રાજકોટ દક્ષિણના ભાજપના રમેશ ટીલાળા પાસે કુલ 175 કરોડ, કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે 162 કરોડ તથા જામનગર જિલ્લાની માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાની 130 કરોડની મિલકત છે. એ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના તાપીના રાકેશ ગામીત પાસે કુલ મિલકત 1000 રૂપિયાની છે. ભાવનગરનાં અપક્ષ ઉમેદવાર જયા બોરિચા પાસે 3000 રૂપિયા મિલકત છે.

આજે ADR દ્વારા પ્રથમ તબક્કાની 89 બેઠક માટેનું એનાલિસિસ રજૂ કરાયું હતું.
આજે ADR દ્વારા પ્રથમ તબક્કાની 89 બેઠક માટેનું એનાલિસિસ રજૂ કરાયું હતું.

ADR દ્વારા કરવામાં આવેલી ભલામણ
ADR દ્વારા એવી પણ ભલામણ કરવામાં આવી છે કે જે ઉમેદવારો પર મહિલા સામેના મર્ડર, બળાત્કાર અને અપહરણ જેવા ગુના દાખલ થયા હોય તેમને ચૂંટણી લડવા પર પ્રતિબંધ કરવો જોઈએ. એ ઉપરાંત ગંભીર ગુના અને ચાર્જ ફ્રેમ હોય તેમની પર પાંચ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જે પાર્ટી ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપે તેનું IT કાયદા અંતર્ગત મળેલ છૂટછાટ પાછી ખેંચી લેવી જોઈએ. રાજકીય પક્ષોને RTI હેઠળ પારદર્શી અને જવાબદેહી બનાવવા જોઈએ. જાણીજોઈને ટિકિટ આપતા પક્ષોનું રજિસ્ટ્રેશન રદ કરવું જોઈએ.

હાર્દિકના 1500 સાથી ભાજપમાં જોડાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓનો પક્ષપલટો પણ વધી રહ્યો છે. કોંગ્રેસથી નારાજ થયેલા હાર્દિક પટેલના પાસના 1500 જેટલા સાથીઓ હવે કોંગ્રેસ છોડીને આજે ભાજપમાં જોડાઈ ગયા છે. બીજી બાજુ ભાજપથી જ નારાજ હતા તે કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત પણ કમલમમમાં આજે કેસરિયો ખેસ ધારણ કરશે.

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ
વડાપ્રધાન મોદીનો આજે ગુજરાત પ્રવાસની બીજો દિવસ છે. આજે તેઓ ચાર જિલ્લામાં ચૂંટણીપ્રચાર કરશે. PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, આજે પણ 4 જિલ્લામાં કરશે ચૂંટણીપ્રચાર, પાલનપુર, અરવલ્લીનું મોડાસા, દહેગામ અને અમદાવાદના બાવળામાં જંગી જનસભા સંબોધશે.

અર્બુદાસેનાના આગેવાનો અમિત શાહને મળ્યા
જેલમાં બંધ વિપુલ ચોધરીની અર્બુદા સેનાના આગેવાનોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત પરથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આંજણા ચૌધરી સમાજ લક્ષી કામગીરી માટે જમીન ફાળવવા કરી સહિતની અનેક રજૂઆત કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વધુમાં શિક્ષણ અને રોજગારલક્ષી કૌશલ્ય શિક્ષણ માટે પણ જમીનની માગ કરાઇ છે. મહત્ત્વનું છે કે અગાઉ અર્બુદા સેનાએ સત્તાધારી પક્ષના આગેવાનો સામે લડાઈ શરૂ કરી હતી. જોકે હજુ પણ તે નારાજ છે ત્યારે મતદાન પહેલાં અર્બુદા સેનાને મનાવી લેવામાં આવે તો ઉત્તર ગુજરાતની 32 સીટ પર ભાજપને ફાયદો થઇ શકે તેમ છે.

વિપુલ ચોધરીની અર્બુદાસેના આ વખતે કોની બાજુ રહેશે? ( ફાઈલ ફોટો)
વિપુલ ચોધરીની અર્બુદાસેના આ વખતે કોની બાજુ રહેશે? ( ફાઈલ ફોટો)

ગુજરાતની ચૂંટણીમાં 70 પક્ષ અને અપક્ષ મળીને 1,621 ઉમેદવાર
ગુજરાત ચૂંટણીને લઇને રાજ્યમાં ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે બન્ને તબક્કાના ચૂંટણી કાર્યક્રમને લઇને 70 રાજકીય પક્ષના તથા અપક્ષ મળીને 1,621 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે, જેમા પ્રથમ તબક્કામાં 718 પુરુષ અને 30 મહિલા તેમજ બીજા તબક્કામાં 764 પુરુષ અને 69 મહિલા ઉમેદવાર સામે છે. મહત્ત્વનું છે કે રાજ્યમાં 1 અને 5મી ડિસેમ્બરે બે તબક્કામાં 182 બેઠક માટે મતદાન યોજાશે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાજપ પર પ્રહાર( ફાઈલ ફોટો)
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાજપ પર પ્રહાર( ફાઈલ ફોટો)

હારની બીકે ભાજપે કેન્દ્રની આખી ફોજ ઉતારી: જગદીશ ઠાકોર
બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અમરતજી ઠાકોર માટે તેમના મોટા ભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આસેડા ગામે જાહેરસભા યોજી હતી, જેમાં તેમણે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના પદની ગરિમા જાળવી રાખવા જણાવ્યું હતું. જાહેર સભામાં ઉમેદવાર સ્ટેજ પર બેસવાની જગ્યાએ પબ્લિકની વચ્ચે નીચે બેસી જતા ભારે કુતૂહલ સર્જાયું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ કાંઈ નથી તો પછી વડાપ્રધાનથી લઈ ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ કેન્દ્રની આખી ફોજને ગુજરાતમાં કેમ પ્રચાર અર્થે ઊતરવું પડે છે.

જામનગરમાં સથવારા સમાજના આગેવાન ટિકિટ કપાતાં નારાજ થયા.
જામનગરમાં સથવારા સમાજના આગેવાન ટિકિટ કપાતાં નારાજ થયા.

સથવારા સમાજના પ્રમુખે ભાજપમાંથી રાજીનામું આપ્યું
જામનગર જિલ્લામાં ભાજપ કે કોંગ્રેસ કોઈપણ પાર્ટી તરફથી સથવારા સમાજને ટિકિટ આપવામાં ના આવતાં નારાજગીના સૂર ઊઠ્યા છે. છેલ્લાં 44 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા અને હાલ જામનગર સથવારા સમાજના પ્રમુખ ભનુભાઈ ચૌહાણે જામનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું છે. આજે મળેલી બેઠકમાં ખૂલીને ભાજપ અને કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વાએ સમાન નાગરિક સંહિતાનો મુદ્દો છેડ્યો( ફાઈલ ફોટો).
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વાએ સમાન નાગરિક સંહિતાનો મુદ્દો છેડ્યો( ફાઈલ ફોટો).

આસામના મુખ્યમંત્રી બિસ્વાએ સમાન નાગરિક ધારાનો મુદ્દો છેડયો
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ ગુજરાતમાં એક રેલીમાં સમાન નાગરિક સંહિતાનો મુદ્દો છેડ્યો હતો અને કહ્યું હતું કે જો હિન્દુ એક લગ્ન કરે તો બીજા ધર્મના લોકોએ પણ એક જ લગ્ન કરવા પડશે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં સમાન નાગરિક સંહિતા કાયદો બનવો જ જોઈએ. ઉલ્લેખનીય છે કે ભાજપે ઉત્તરાખંડની જેમ હિમાચલપ્રદેશ અને ગુજરાત બન્ને રાજ્યોના પોતાના ઘોષણાપત્રમાં સમાન નાગરિક સંહિતાને લાગુ કરવાની વાત કરી છે. ઉત્તરાખંડની ચૂંટણીઓમાં આ એક મોટો મુદ્દો બની ગયો હતો. આસામના મુખ્યમંત્રીએ લવ-જેહાદ સામે પણ કાયદો બનાવવાની માગ કરી હતી. ગુજરાતની ચૂંટણીમાં શ્રદ્ધા મર્ડરને જોડીને કહ્યું હતું કે જો દેશમાં તાકાતવાર નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે.

તાપીમાં ભગવંત માનનો રોડ શો યોજાયો હતો.
તાપીમાં ભગવંત માનનો રોડ શો યોજાયો હતો.

AAPની રેલીમાં ફરી ‘મોદી-મોદી’ના નારા લાગ્યા
તાપીના વ્યારામાં તેઓ ચૂંટણીપ્રચાર માટે પહોંચ્યા હતા. આ દરમિયાન રોડ શો વખતે તેમની સામે કેટલાક યુવાનોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો કાફલો રોડ પરથી નીકળતાં જ કેટલાક યુવાનોએ મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. જોકે ભગવંત માન આ યુવાનોની સામે હાથ જોડે છે. રોડ શોમાં પ્રેસ સાથેની ચર્ચામાં આ મુદ્દે માને જણાવ્યું હતું કે મેં કહ્યું, આ લોકો માટે તાળીઓ પાડો, કદાચ આ લોકોના ખાતામાં 15 લાખ જમા થઈ ગયા હશે અને દર વર્ષે જે 2 કરોડ નોકરી આપવાની હતી એમાંથી તેમને નોકરી પણ મળી ગઈ હશે. જ્યારે ચૂંટણીમાં AAPને કેટલી સીટ આવશે એ સવાલના જવાબમાં તેમણે કહ્યું, AAP સર્વેમાં નથી આવતી, AAP સીધી સરકાર બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...