રાજકારણ:હકુભાની મુશ્કેલીઓ વધતા રિવાબાનો માર્ગ મોકળો થયો

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરના MLA વિરુદ્ધનો કેસ ખેંચવાનો HCનો ઈનકાર
  • અમે મૂકપ્રેક્ષક બનીને બેસી નહીં રહીએ: બેન્ચની ટકોર

ખંભાળિયામાં એસ્સાર કંપનીની બહાર દેખાવો અને પથ્થરમારાના કેસમાં હાલ જામનગર ઉત્તરના ધારાસભ્ય હકુભા જાડેજા સામેનો કેસ પાછો ખેંચવા હાઇકોર્ટમાં કરેલી અરજી જસ્ટિસ નિરલ મહેતાએ ફગાવી દઇ કેસ પાછો ખેંચવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે, ધારાસભ્ય માટે ખાસ નિમાયેલા આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર વિવેકાધીન સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. એટલું જ નહીં ન્યાયના માર્ગમાં ગેરકાયદે દખલગીરી કરી રહ્યા છે. આ કોર્ટ મૂકપ્રેક્ષક બનીને બેસી નહી રહે. કોર્ટે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર કમલેશ દવેની ભૂમિકા સામે નારાજગી વ્યકત કરી.

21 ડિસેમ્બર 2020ના રોજ ખંભાળિયાની એસ્સાર કંપનીની બહાર 200-300ના ટોળાંમાં ખેડૂતો પણ હતા. જેમણે એસ્સારની સ્ટાફ બસ પથ્થરમારો કરી બસમાં બેઠેલા કર્મચારીઓને ઇજા પહોંચાડી હતી. આ કેસમાં ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજા સહિત 46 જણાં સામે પોલીસ ફરિયાદ થઇ હતી.

ખંભાળિયાના ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સમક્ષ કેસની સુનાવણી થતા આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરે તમામ 46 આરોપીઓ સામેનો કેસ પાછો ખેંચવા અરજી કરી હતી. કોર્ટે આ અરજી ફગાવી હતી. ધારાસભ્યો અને સાંસદોના કેસ માટે ખાસ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરાઇ હતી. જેમાં કમલેશ દવેની દેવભૂમિ દ્વારકા માટે નિમણૂક કરી હતી. તેમણે હાઇકોર્ટને બદલે સીધા સુપ્રીમકોર્ટમાં કેસ પાછો ખેંચવાની અરજી કરી હતી. હકુભાની મુશ્કેલી વધતાં જામનગર ઉત્તરની બેઠક પર રિવાબા જાડેજાને ટિકિટની સંભાવના વધી છે.

અન્ય સમાચારો પણ છે...