રસીકરણનો રેકોર્ડ:ગુજરાતમાં ત્રણ કોર્પોરેશન અને ચાર જિલ્લાઓમાં 100 ટકા રસીકરણ થયું, રાજ્યમાં 6.76 કરોડથી વઘુ કોરોનાની રસીના ડોઝ અપાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત, જૂનાગઢ, ગાંધીનગર,અમદાવાદ,મહિસાગર અને તાપી જિલ્લામાં 100 ટકા વેક્સિનેશન થયું
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદી અને દેશવાસીઓનો આભાર માન્યો

કોરોના સામે રક્ષણ માટે દેશમાં રસીકરણ હેઠળ આપવામાં આવેલા ડોઝની સંખ્યા 100 કરોડ પાર થઈ ગઈ છે.આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં રસીકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આરોગ્યકર્મીઓનું મોં મીઠું કરાવ્યું હતું. ગુજરાતમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં તમામ જૂથોના 4 કરોડ 41 લાખ 65 હજાર 347 લાભાર્થીઓને પ્રથમ તથા 2 કરોડ 35 લાખ 6 હજાર 129 લાભાર્થીઓને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. એટલે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 6.76 કરોડથી વઘુ રસીના ડોઝ આપી દેવાયા છે. સમગ્ર દેશમાં રસીકરણમાં ગુજરાતનો ફાળો 6.7 ટકાથી વધારે છે.ગુજરાતમાં ત્રણ કોર્પોરેશન અને ચાર જિલ્લાઓમાં 100 ટકા રસીકરણ થયું છે. તે ઉપરાંત સુરત, જૂનાગઢ, ગાંધીનગર,અમદાવાદ,મહિસાગર અને તાપી જિલ્લામાં 100 ટકા વેક્સિનેશન થયું

રાજ્યમાં 15 હજાર ગામડાઓમાં રસીકરણ પૂર્ણ
રાજયમાં પ્રતિ 10 લાખ બે ડોઝના લાભાર્થીએ 6 લાખ 86 હજાર 191 રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. રાજ્યમાં કુલ 15 હજાર 436 ગામડાઓ, 491 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 30 શહેરી આરોગ્ય કેન્દ્ર તથા 53 તાલુકાઓમાં 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી 100 ટકા કવરેજ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ગુજરાતને રાજ્ય દ્વારા શ્રેષ્ઠ રસીકરણ અભિયાનના વિજેતા જાહેર કરી એવોર્ડ એનાયત કરાયો છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારે આટલી સંખ્યામાં વેક્સિન ખરીદી
કોવિડ 19 રસીકરણ માટે હાલમાં ભારત સરકાર દ્વારા કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક 3 રસીને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કોવિશિલ્ડ વેક્સિનના કુલ 26 લાખ 25 હજાર 270 ડોઝ અને કોવેક્સિનના કુલ 2 લાખ 49 હજાર 240 ડોઝની ખરીદી કરવામાં આવી છે. ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ વિભાગ દ્વારા કોવિશિલ્ડ વેક્સિનની ખરીદી માટે કુલ 82.69 કરોડ તેમજ કોવેક્સિન વેક્સિનની ખરીદી માટે કુલ 10.46 કરોડ કરોડ અનુક્રમે સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને ચૂકવવામાં આવ્યા છે. ભારત સરકાર તરફથી 20 ઓક્ટોબર સુધીમાં ગુજરાત રાજ્યને કુલ 5 કરોડ 75 લાખ 80 હજાર 180 ડોઝ કોવિશિલ્ડ અને 76 લાખ 39 હજાર 940 ડોઝ કોવેકસીન મળીને કુલ 6 કરોડ 52 લાખ 20 હજાર 120 ડોઝ રસીના મળેલ છે.

રસીનો સંગ્રહ કરવા કુલ 2250 સ્ટોર ઉપલબ્ધ
રાજ્યમાં કોરોનાની રસીનો સંગ્રહ કરવા કુલ 2250 સ્ટોર ઉપલબ્ધ છે. આ તમામ સ્ટોર ખાતે આ વેક્સિનનો સંગ્રહ 2°C થી 8°C તાપમાને કરવામાં આવે છે. રાજ્યમાં કોવિડ વેક્સિનનો સંગ્રહ કરવા માટે 11 વોલ્ક-ઈન-કુલર (WIC), 03 વોલ્ક-ઈન-ફ્રિઝર (WIF), 2599 આઈસ લાઇન્ડ રેફ્રિજરેટર (ILR), 2467 ડિપ ફ્રિઝર (DF), 84 હજાર 933 વેક્સિન કેરિયર અને 4034 કોલ્ડ બોક્સ જેવા કોલ્ડ ચેઇનના સાધનો ઉપલબ્ધ છે. રાજ્યના તમામ 2250 રસીના સ્ટોર ખાતે વાસ્તવિક સમયે ઉપલબ્ધ વેક્સિનના જથ્થા અને રસીનું નિયત તાપમાને સંગ્રહ અંગેની માહિતી ઉપલબ્ધ થાય તે માટે eVIN પરિયોજના રાજ્યમાં 2016થી કાર્યરત છે.

મુખ્યમંત્રીએ આરોગ્યકર્મીઓનું મોં મીઠું કરાવ્યું
મુખ્યમંત્રીએ આરોગ્યકર્મીઓનું મોં મીઠું કરાવ્યું

મુખ્યમંત્રીએ વડાપ્રધાનનો આભાર માન્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, માત્ર 278 દિવસમાં કોવીડ રસીકરણના 100 કરોડ ડોઝ વિનામૂલ્યે અને સમયબધ્ધ આપી દેશવાસીઓને કોરોના સામે કવચ પૂરું પાડવા બદલ વડાપ્રધાન મોદીનો હ્દયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.આ સીમાચિન્હ પાર કરવા બદલ આરોગ્યકર્મીઓ,ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને સૌ દેશવાસીઓને અભિનંદન.વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતે કોરોના રસીકરણમાં 100 કરોડનો લક્ષ્ય પાર કરતાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં સેકટર 2ના અર્બન હેલ્થ સેન્ટર પહોંચ્યા હતા અને રસીકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ સિધ્ધિ મેળવવામાં પોતાનું યોગદાન આપનારા આરોગ્ય સેવા કર્મીઓનું મોં મીઠું કરાવી સફળતાની શુભેચ્છા આપી હતી. ભૂપેન્દ્ર પટેલે આ આરોગ્ય કેન્દ્રમાં રસીનો ડોઝ લેવા આવેલા નાગરિકો સાથે સંવાદ પણ કર્યો હતો.

દક્ષિણ ગુજરાતના મહત્તમ જિલ્લા 100 ટકા રસીકરણ તરફ આગળ વધ્યાં ( ફાઈલ ફોટો)
દક્ષિણ ગુજરાતના મહત્તમ જિલ્લા 100 ટકા રસીકરણ તરફ આગળ વધ્યાં ( ફાઈલ ફોટો)

દક્ષિણ ગુજરાતના મહત્તમ જિલ્લા 100 ટકા રસીકરણ તરફ આગળ વધ્યાં
દક્ષિણ ગુજરાતના મહત્તમ જિલ્લા પણ 100 ટકા રસીકરણ ભણી આગળ વધી રહ્યાં છે. દ.ગુજરાતના પાંચ જિલ્લામાં સરેરાશ 74 ટકા ગામોમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ થઈ ગયું છે, જેમાં સૌથી વધુ આદિવાસી બહુસંખ્યક તાપી જિલ્લામાં 92 ટકા ગામોમાં તો આદિવાસી બહુસંખ્યક જ એવા ડાંગ જિલ્લામાં સૌથી ઓછુ 25 ટકા ગામોમાં જ 100 ટકા રસીકરણ થયું છે. ઓગસ્ટ બાદ રસીકરણ ઝડપી બન્યું છે, જેમાં વડાપ્રધાનના જન્મદિને પ્રથમ મેગા ડ્રાઈવ અને 10 ઓકટોબરે બીજી મેગા ડ્રાઈવ ‘ગેમ ચેન્જર’ સાબિત થઈ છે. તેજ ગતિએ રસીકરણને કારણે ભયનો માહોલ દૂર થયો છે.

સુરત જિલ્લાનાં 696 ગામોમાંથી 562 ગામમાં 100% પ્રથમ ડોઝ ( પ્રતિકાત્મક તસવીર)
સુરત જિલ્લાનાં 696 ગામોમાંથી 562 ગામમાં 100% પ્રથમ ડોઝ ( પ્રતિકાત્મક તસવીર)

સુરત જિલ્લાનાં 696 ગામોમાંથી 562 ગામમાં 100% પ્રથમ ડોઝ
સુરત જિલ્લામાં 89 ટકા વેક્સિનેશન થઈ ગયું છે. સુરત જિલ્લામાં 9 તાલુકાના 696 ગામડા છે. જેમાં 562 ગામોમાં 100 ટકા વેક્સિનશન થઈ ગયું છે. જિલ્લાના મુખ્ય તાલુકા મથક સમાન બારડોલીમાં પણ 92 ટકા વેક્સિન થઈ ચૂક્યું છે. કોરોનાનો ડર લોકોમાંથી ગાયબ થઈ રહ્યો છે કારણ પહેલા માસ્ક વગરના ભાગ્યે જ જોવા મળતા હતા. બારડોલીનું બાબેન ગામ 100 ટકા રસીકરણ ધરાવનાર પ્રથમ ગામ છે. જિલ્લામાં માત્ર 11 ટકા લોકોની રસી બાકી છે. હવે રોજ કોરોનાના માંડ 2-3 કેસ નોંધાય છે.