લિકર કેસ બાદ કેજરીવાલનું ટ્વીટ:'પેપર લીક મામલે ઈસુદાને અવાજ ઉઠાવ્યો તો ખોટા આરોપમાં ફસાવ્યા, ભાજપ 27 વર્ષથી ગંદી રાજનીતિ કરે છે'

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપની મહિલા કાર્યકરે ઇસુદાન પર નશાની હાલતમાં છેડતી કરી હોવાનો આરોપ મુક્યો હતો
  • ઇસુદાનનો લિકર રિપોર્ટ પોઝિટિવ આવતા IPC 66(1)B, 85 (1) મુજબ ગુનો દાખલ થયો છે

પેપરલીક કાંડ મામલે AAPના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જેમા ઘર્ષણ બાદ ભાજપની મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન ગઢવી પર નશાની હાલતમાં છેડતી કરી હોવાનો આરોપ મુક્યો હતો. જે બાદ ઇસુદાનનો મેડિકલ ટેસ્ટ થયો હતો અને ગઈકાલે તેમનો લિકર રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ મામલે આજે આપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી ભાજપ પર ગંદી રાજનીતિ કરી હોવાના આક્ષેપ કર્યા છે.

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી જણાવ્યું કે, ગુજરાતમાં વારંવાર પેપર લીક કરી યુવાનોના ભવિષ્ય સાથે ચેંડા થયા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ આની સામે અવાજ ઉઠાવ્યો તો AAPના નેતા ઈસુદાન ગઢવી ઉપર ખોટા આરોપ લગાવી દીધા. 27 વર્ષથી સત્તા પર બેસેલી ભાજપ યુવાનોને રોજગાર આપવાની જગ્યાએ ગંદી રાજનીતિ કરી રહી છે. નોંધનીય છે કે, ઈસુદાન પર લાગેલા છેડતીના આરોપ બાદ તેમનો ગાંધીનગર ખાતે મેડિકલ ટેસ્ટ કરાયો હતો જેમા નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ હતો પરંતુ ગઈકાલે બ્લડ રિપોર્ટમાં લિકર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગોળી મારશો તો પણ જનતા માટે મરી જવા તૈયાર: ઈસુદાન
રિપોર્ટ આવ્યા બાદ ઈસુદાને મીડિયાને જણાવ્યું હતું કે, ભાજપ નિન્મકક્ષાની રાજનીતી કરે છે. મેં મારી જિંદગીમાં ક્યારેય દારૂ નથી પીધો, ઈશ્વરના સોગંધ ખાઉ છું કે મેં ક્યારે દારૂ પીધો નથી અને પીવાનો પણ નથી. મને ગોળી મારશો તો પણ જનતા માટે મરી જવા તૈયાર છું.

ઈસુદાનનો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો તો બીજો પોઝિટિવ કેવી રીતે આવ્યો?: સવાણી
જ્યારે આપના નેતા મહેશ સવાણીએ ઈસુદાનના લિકર રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં સવાણીએ જણાવ્યું હતું કે ઈસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો તો બીજો રિપોર્ટ પોઝિટિવ કેવી રીતે આવ્યો? ઘટનાના 12 દિવસ પછી રિપોર્ટ કેમ આવ્યો? આ ઉપરાંત ઘટનાના સીસીટીવી ફૂટેજ હજી કેમ બહાર આવ્યા નથી?

AAPના નેતાઓ સામે 18 કલમ હેઠળ ગુના નોંધાયા હતા
કમલમમાં વિરોધપ્રદર્શન બાદ AAPના નેતાઓ સહિત 500ના ટોળા સામે છેડતી સહિતની 18 કલમ હેઠળ ગુના નોંધાયા હતા. ત્યારબાદ પોલીસે 93 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી 28 મહિલા અને 65 પુરુષને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. એમાંથી મહિલાઓને શરતી જામીન આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 65 કાર્યકરોમાંથી 10ને જામીન આપ્યા હતા. બાકી રહેલા કાર્યકરોની જામીન અરજી સેશન્સ કોર્ટે 30 નવેમ્બરે મંજૂર કરી હતી. જોકે બે દિવસ પહેલા જ જામીન પર છૂટ્યા બાદ આજે ઈસુદાન ગઢવીનો લિકર રિપોર્ટ પોઝિટિવ આવતા આપના નેતાઓ દોડતા થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...