વેપારીઓ સાવધાન:અમદાવાદમાં કરિયાણાની દુકાનેથી સામાન ખરીદી PayTMથી પેમેન્ટનો નકલી મેસેજ બતાવી છેતરતા ગઠીયા ઝડપાયા

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ પકડેલા આરોપીઓની તસવીર - Divya Bhaskar
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ પકડેલા આરોપીઓની તસવીર
  • વેપારીઓના એકાઉન્ટમાં રૂપિયા જમા થયા હોવાનું કહી પેમેન્ટનો ડુપ્લીકેટ મેસેજ બતાવતા
  • આરોપીઓએ 6 મહિનામાં છેતરપિંડીના 20 જેટલા ગુનાઓ આચર્યા

પેટીએમથી પેમેન્ટ કરવાનો ડોળ કરવાનો અને બાદમાં બેન્કમાંથી આવતા મેસેજ જેવો મેસેજ કરવાનો, આવું શક્ય છે ખરું? આમ તો આવું શક્ય નથી પણ એવા બે આરોપીઓ છે જેઓએ આ અશક્ય કામને શક્ય બનાવી વેપારીઓને છેતર્યા છે. લોકો સાથે ઠગાઈ કરતા ભેજાબાજ ઠગની ઝોન-2 એલસીબી દ્વારા ધરપકડ કરાઈ છે. આરોપીઓ અનાજ અને કરિયાણાની દુકાનના વેપારીઓને ડીજીટલ ટ્રાન્જેક્શનના ખોટા મેસેજો આપીને કરિયાણાની ચીજ-વસ્તુઓ ખરીદી કરતા હતા.

6 મહિનાથી ગઠિયા કરિયાણાના વેપારીઓને નિશાન બનાવતા
છેલ્લા ઘણા સમયથી અનાજ-કરિયાણાના વેપારીઓને બે શખસોએ માથું ખંજવાળતા કરી નાખ્યા હતા. આ બે શખશો દુકાને જતા અને બાદમાં માલ ખરીદી પેટીએમથી પેમેન્ટ કર્યું હોવાનું કહી બેન્કમાંથી આવતા મેસેજ જેવો જ મેસેજ કરી દેતા હતા. વેપારીઓ એકાઉન્ટ ચેક કરે ત્યારે છેતરાયા હોવાની જાણ થતી હતી. છેલ્લા 6 મહિનાથી બન્ને યુવકો કરિયાણાના વેપારીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવતા હતા. તેલના ડબ્બા અને અન્ય અનાજની ચીજ વસ્તુઓની ખરીદી કરી આ શખશો ઠગાઈ આચરતા હતા. જેને લઈને ઝોન-2 ડીસીપીની એલસીબીએ તપાસ કરી આસિફ અનવર શેખ અને રિઝવાન ઉર્ફે કાંટા ઈમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે.

PayTMથી પેમેન્ટનો ખોટો મેસેજ બતાવી છેતરપિંડી કરતા
આ બંને માસ્ટરમાઈન્ડ અનાજ અને કરિયાણાની દુકાનના વેપારીઓ પાસે માલની ખરીદી કરતા હતા. ત્યારબાદ તેનું જે પેમેન્ટ હોય તે PayTM એપ્લિકેશન થકી ચૂકવતા હોવાનું વેપારીઓને જણાવતા હતા. પરંતુ આ પેમેન્ટનો મેસેજ ડુપ્લીકેટ બનાવીને વેપારીને બતાવતા હતા કે તમારા એકાઉન્ટમાં રૂપિયા જમા થઈ ગયા છે. આવી રીતે ભળતો ડુપ્લીકેટ મેસેજ બનાવીને આ બંને આરોપીઓએ અંદાજિત કુલ 14 હજાર રૂપિયાની છેતરપિંડી આચરી ચૂક્યા હોવાનું ઝોન-2 ડીસીપી વિજય પટેલે જણાવ્યું છે.

20 જેટલા છેતરપિંડીના ગુના આચર્યા
સરકાર દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને એક તરફ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલાક ઠગ લોકો ડિજિટલ ટ્રાન્જેક્શન ઓથા હેઠળ પોતાની મેલી મુરાદો પાર પાડતા હોય છે. ઝોન-2 એલસીબી દ્વારા ઝડપાયેલા બંને આરોપીઓએ પોલીસ સમક્ષ તેઓએ કરેલા ગુનાની તો કબૂલાત કરી છે. સાથો સાથ અન્ય 20 જેટલા આવા ગુના છેલ્લા 6 મહિનામાં અંજામ આપી ચૂક્યા છે તેવી પણ કેફીયત પોલીસ સમક્ષ કબૂલી છે.

પોલીસે અન્ય લોકોને પણ છેતરપિંડીથી બચવા અપીલ કરી
​​​​​​​
બીજી તરફ પોલીસે પણ પ્રજાને જાગૃત રહેવાની સલાહ આપી છે કે આ પ્રકારે કોઈ પણ મળતા મેસેજ પર વિશ્વાસ ન કરવો અને કોઈપણ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના મેસેજ આવે તો પોતાનું બેંક એકાઉન્ટ પણ એક વખત ચોક્કસથી ચેક કરી લેવું જોઈએ. જેથી કરીને આવી છેતરપિંડીનો ભોગ બનતા અટકાવી શકાય. આ સહિત પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ હોય તો તે ઝોન-2 સ્ક્વોડ એટલે કે કારંજ પોલીસ સ્ટેશનની ઉપર આવેલી ઓફિસનો સંપર્ક કરી શકે છે. હાલ તો કારંજ, માધુપુરા અને શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે.