રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની ગરમી જામતી જાય છે ત્યારે આ ચૂંટણીથી વિદેશમાં વસતાં ગુજરાતીઓ પણ રોમાંચિત છે. અહેવાલ અનુસાર આશરે 25 હજાર એનઆરજી (નૉન રેસિડન્ટ ગુજરાતી) પ્રચારમાં સામેલ થવા માટે ગુજરાત આવી રહ્યા છે. ફોરેન કોન્ટેક્ટ વિભાગના કન્વીનર દિગંત સોમપુરાના જણાવ્યા પ્રમાણે જ્યારે પણ ચૂંટણી યોજાય છે ત્યારે મોટી સંખ્યામાં ભારતીયો સ્વદેશ આવતા જ હોય છે. પીએમ મોદીના ગુજરાત કનેક્શનના કારણે આ વખતે પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ સ્વદેશ આવી રહ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હોવાથી ચૂંટણીના પરિણામોને લઈને વધુ રોમાંચ સર્જાયો છે. સોમપુરાએ જણાવ્યું હતું કે વિદેશમાં વસતાં ગુજરાતીઓ પોતાના વતનમાં સ્કૂલ, લાઇબ્રેરીના બાંધકામ સહિતના કામો માટે મોટા પ્રમાણમાં નાણાકીય સહાય મોકલતા રહેતા હોય છે.
એટલે તેઓ માત્ર ચૂંટણી દરમિયાન જ વતનની ચિંતા કરે છે એવું નથી. પોતાના વતનમાં સુવિધાઓ વધારવા માટે કરેલા કામોને કારણે એનઆરજીનું વતનમાં વિશેષ માન હોય છે. આ સન્માનને કારણે જ તેઓ પોતાના વતનમાં ભાજપનો પ્રચાર કરવા માટે આવતા હોય છે. સોમપુરાના જણાવ્યા પ્રમાણે હાલ અમેરિકામાં 20 લાખ ભારતીયો વસે છે. જેમાંથી 11-12 લાખ જેટલી સંખ્યા ગુજરાતીઓની છે. આ તમામ ગુજરાતીઓનું પોતાના હૉમ સ્ટેટ સાથે ખાસ કનેક્શન છે. અમેરિકામાં બીજેપીના સંગઠન મંત્રી ડૉ.વાસુદેવ પટેલે પીએમ મોદીને દૂરંદેશી નેતા જણાવતા કહ્યું હતું કે પીએમ મોદી સત્તાનું મહત્ત્વ સારી રીતે સમજે છે તેઓ હંમેશા એનઆરઆઇની પડખે રહ્યા છે. ન્યૂઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયા તથા અન્ય દેશોમાંથી ગુજરાતીઓ પ્રચારમાં સામેલ થવા માટે આવી ગયા છે.
આગામી દિવસોમાં ફિજી, કેનેડા, અમેરિકા તથા અન્ય દેશોમાંથી વધુ ગુજરાતીઓ સ્વદેશ પહોંચશે. વિદેશનું નાગરિકત્વ હોવાથી એનઆરઆઇ ભારતમાં મતદાન કરી શકતા નથી પણ વતન પ્રત્યેની લાગણીને કારણે તેઓ ચૂંટણી સહિતના પ્રસંગોએ સ્વદેશ આવે છે. જો કે એવા પણ ઘણા ગુજરાતીઓ છે જેમણે હજુ પોતાના દેશની નાગરિકતા ત્યજી નથી. તેથી તેઓ પણ મતદાન કરવા માટે ગુજરાત આવે છે. વાસુદેવ પટેલે કહ્યું હતું કે વિદેશમાં વસતાં ગુજરાતીઓ બે સ્ટ્રેટેજીથી પ્રચાર કરે છે. એકમાં તેઓ વતનમાં પહોંચીને ગામેગામ ફરીને ગ્રાઉન્ડ પર પ્રચારમાં જોડાય છે તો અન્ય સ્ટ્રેટેજીમાં તેઓ સોશિયલ મીડિયા સહિતના માધ્યમોથી ઑનલાઇન પ્રચાર કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.