સાયબર ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી:યુ.એન.મહેતાના RMO ડો.કૌશિક બારોટની ધરપકડ બાદ પરિવારજનોએ કહ્યું, 'તેમને માનસિક રીતે ત્રાસ અપાયો, નોકરી પરથી હટાવવાનું ષડયંત્ર'

અમદાવાદએક મહિનો પહેલા
  • સોશિયલ મીડિયામાં હોસ્પિટલને બદનામ કરવાના આરોપમાં ડો.કૌશિક બારોટની ધરપકડ
  • હોસ્પિટલના ડાયરેક્ટર આરકે પટેલે સાયબર ક્રાઇમ બ્રાંચને જાણ કરી

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલમાં RMO તરીકે ફરજ બજાવતા ડોક્ટર કૌશિક બારોટની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. કૌશિક બારોટ સામે આરોપ છે કે તેઓ અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને હોસ્પિટલ અને અન્ય લોકોની બદનામી કરતા હતા. ઘણા સમયથી સોશિયલ મીડિયામાં આ પ્રકારે પોસ્ટ કરતા હોવાથી હોસ્પિટલના ડાયરેક્ટર આરકે પટેલ આ અંગેની જાણ અમદાવાદ સાયબર ક્રાઇમને કરતાં ક્રાઈમ બ્રાંચે ડૉકટર કૌશિક બરોટની ધરપકડ કરી છે.

મારા પતિને હટાવવા માટે ષડયંત્ર કરવામાં આવ્યું: પત્ની
ડો.કૌશિક બારોટની સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કર્યા બાદ તેમના પરિવારજનોના નિવેદન સામે આવ્યા છે. જેમાં તેમના પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિ યુ.એન.મહેતામાં નોકરી સારી રીતે કરે છે અને તેમને ત્યાંથી હટાવવા માટે આ ષડયંત્ર કરવામાં આવ્યું છે. તેમને દિવસ-રાત ગરીબ હોય કે અમીર હોય કોઈ પણ સમાજ હોય તેમની સેવા કરી છે. તેમને નોકરીમાંથી હટાવવા માટેના ષડયંત્ર કરવામાં આવ્યું છે.

મારા દીકરાએ ઘણા લોકોની સેવા કરી છે: માતા
તેમની માતાએ જણાવ્યું હતું કે મારા દીકરાએ ઘણા લોકોની સેવા કરી છે કોરોના માં ઘણા લોકો ની દિવસ-રાત સેવા કરી છે. તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. દિવસની ચાર-ચાર ગોળીઓ તેઓ લેતા હતા અને ત્યાં તેમને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો છે.

આરોપી RMO બીજાના નામે સિમકાર્ડ રાખતા હતા
અમદાવાદ સાયબર ક્રાઇમના DCP અમિત વસાવાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ડોકટર કૌશિક બારોટે યુ. એન. મહેતા હોસ્પિટલમાં RMO તરીકે ફરજ બજાવે છે. તેઓ ઘણા સમયથી યુ. એન. મહેતા હોસ્પિટલ વિશે ખરાબ લખાણ લખતા હતા તેમજ અહીં ટ્રીટમેન્ટ કરવી સારી નથી એવું લખતા હતા. તેમની ધરપકડ બાદ માલૂમ પડ્યું કે તેઓ બીજાના નામે સિમકાર્ડ રાખતા હતા.

મોબાઈલમાં એક ખાસ પ્રકારની એપ્લિકેશન હતી
DCP અમિત વસાવાએ જણાવ્યું હતું કે એ ઉપરાંત તેઓ મોબાઈલમાં એવી એપ્લિકેશન રાખતા હતા કે જેમાં સામેવાળી વ્યક્તિને ફોન કરો તો મોબાઈલ નંબર ન દેખાય અને પોતાની જગ્યાએ યુવતીનો આવાજ જાય, જેનાથી કોઈ બીજાની બદનામી થઈ શકે. આ બાબત અમારી સામે આવી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવમાં આવી છે.

સાયબર ક્રાઇમની ટીમે વધુ તપાસ હાથ ધરી
યુ એન મહેતા હોસ્પિટલના RMO કૌશિક બારોટ સામે એવો આરોપ છે કે તેઓ અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને હોસ્પિટલ તેમજ અન્ય લોકોની બદનામી કરતા હતા. હોસ્પિટલને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો પ્રયાસ કરતા RMO વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જો કે, આ મામલે સાયબર ક્રાઇમની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

એક વર્ષ પહેલાં જ આ પ્રકારનો વિવાદ થયો હતો
એક વર્ષ પહેલાં જ યુ.એન. મહેતા હોસ્પિટલ ના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી ‘હોસ્પિટલ ટૂંક સમયમાં બંધ થાય છે અને હૃદયરોગના દર્દીઓની સારવાર થશે નહીં, હોસ્પિટલ હવે એપ્રિલ-2022માં કાર્યરત થશે. તકલીફ બદલ અમે દિલગીરી છીએ’; આ પ્રકારની પોસ્ટ બી.જે મેડિકલ કોલેજના જ સ્ટુડન્ટ અને આસિસ્ટન્ટ પ્રોફેસર રહી ચૂકેલા ડૉક્ટર રોનક શાહે મૂકી હતી.આ મામલે યુ. એન. મહેતા હોસ્પિટલમાં નેટર્વક એન્જિનિયર તરીકે ફરજ બજાવતા દેવાંગ પટેલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી.18 ઓક્ટોબર 2021 રોજ તેમણે હોસ્પિટલના પ્રોગ્રામની અપડેટ જોવા માટે ફેસબુકનું પેજ ખોલતા હોસ્પિટલ જેવું જ બીજું પેજ ખૂલ્યું હતું.યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ફેક એકાઉન્ટમાં હોસ્પિટલના તમામ ફોટા પોસ્ટ કરવામાં આવ્યા હતા અને નીચે પરમેનેન્ટરી ક્લોઝ એવું લખાણ લખવામાં આવ્યું હતું.