તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:યુનિવર્સિટી પાસે પોલીસ સહિત 6ને છરી મારી આંતક ફેલાવતાં યુવકની ધરપકડ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીની તસવીર - Divya Bhaskar
આરોપીની તસવીર
  • ભરબપોરે વેપારીઓને છરી મારી ખિસ્સામાંથી પૈસા લૂંટી ભયનો માહોલ સર્જ્યો
  • અગાઉ નવરંગપુરામાં પણ વેપારી પર હુમલો કર્યો હતો, દારૂનો પણ એક કેસ છે

વિજય ચાર રસ્તાથી દાદા સાહેબનાં પગલાં સુધીના રોડ પર શનિવારે બપોરે હાથમાં છરી લઈ નીકળેલા યુવકે આતંક મચાવી દીધો હતો. ચાર વેપારી, સસ્પેન્ડેડ તલાટી પર છરી વડે હુમલો કરીને પૈસા લૂંટી લેતા વેપારીઓ તેમ જ રાહદારીઓમાં ભય ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં યુનિર્વસિટી પોલીસ પહોંચી તો હુમલાખોરે એક પોલીસ કર્મચારી પર પણ છરી વડે હુમલો કર્યો હતો.

ગોતામાં રહેતા પ્રવીણદાન ગઢવી શનિવારે બપોરે 4 વાગ્યે દાદા સાહેબનાં પગલાં પાસેની જિતુભાઈની ચાની કીટલી પાસે હતા ત્યારે એક યુવક હાથમાં છરી લઈને આવ્યો હતો અને પ્રવીણદાનના ખિસ્સામાં હાથ નાખી પૈસા લૂંટી લીધા હતા. જો કે પ્રવીણદાને પ્રતિકાર કરતા તેણે છરીથી હુમલો કર્યો હતો. આથી આ અંગેની ફરિયાદ કરવા પ્રવીણદાન યુનિ. પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે ત્યાં તેમને જાણવા મળ્યું હતું કે, તેમના પર છરી વડે હુમલો કરીને પૈસા લૂંટી લેનાર ગુંડાએ વિજય ચાર રસ્તા પાસે આવેલા સાગર પાન પાર્લરના માલિક ગૌતમ ગળચર પર હુમલો કરી પૈસા લૂંટી લીધા હતા. જ્યારે આ સમયે ગલ્લા પર હાજર 2 ગ્રાહક રામ ગળચર અને જયેશ ગળચર પર પણ હુમલો કરીને ધમકી આપીને પૈસા લૂંટી લીધા હતા.

ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હુમલાખોરને પકડવા ત્યાં પહોંચ્યા ત્યારે તેણે પોલીસ કર્મચારી પ્રભાતસિંહ શાંતુભા પર પણ છરી વડે હુમલો કર્યો હતો, જેથી ત્યાં હાજર અન્ય પોલીસ કર્મચારીઓએ હુમલાખોરને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરતા તે મોહન દેસાઈ (ઉં.24, વસુધા એપાર્ટમેન્ટ, સીજી રોડ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પ્રવીણદાનની ફરિયાદને આધારે મોહન વિરુદ્ધ હુમલો, ધાકધમકી, ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

અગાઉ મોહનને પાસા હેઠળ જેલમાં ધકેલાયો હતો
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ વી. જે. જાડેજાએ જણાવ્યું કે, વેપારી પર હુમલો કરી પૈસા લૂંટવા બાબતે મોહન વિરુદ્ધ નવરંગપુરામાં પણ ગુનો નોંધાયો છે. મોહન વિરુદ્ધ દારૂનો પણ એક કેસ નોંધાયો હતો, જેમાં પોલીસે 2019માં મોહનની પાસા હેઠળ ધરપકડ કરી તેને સુરતની જેલમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...