હોમિયોપેથીની ડિગ્રી ધરાવતા ડોક્ટરે બોપલના લપકામણ ગામમાં એલોપેથી દવાખાનું શરૂ કરી 1 વર્ષથી ગામ લોકોની શરદી, ઉધરસ, તાવ, ઝાડા, ઊલટી જેવી બીમારીની સારવાર કરતો હતો. એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડતા ડોક્ટરનો ભાંડો ફૂટતા તેની ધરપકડ કરી દવાઓ અને મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બોપલના લપકામણ ગામના બસ સ્ટેન્ડ પાસે પ્રમુખ ક્લિનિક નામથી એલોપેથી દવાખાનું ધરાવતા ડોક્ટર રવિન્દ્ર માણેકલાલ વિઠલપરાએ ડિગ્રી વગર જ દવાખાનું ચાલુ કરી દીધું હોવાની માહિતી અમદાવાદ જિલ્લા એસઓજીને મળતાં પીઆઈ ડી.એન.પટેલે દરોડો પાડી ડોક્ટર રવિન્દ્ર પૂછપરછ કરતાં શરૂઆતમાં તો તેઓ પોલીસની વાત માનવા તૈયાર ન હતા.
આથી પોલીસે તેમનું સર્ટિફિકેટ-માર્કશીટ માગતા ભાંગી પડ્યા હતા અને તેઓ હોમિયોપેથી ડોક્ટર હોવાનું જણાવ્યું હતું. ડોક્ટર નહીં હોવા છતાં તેમણે 1 વર્ષ પહેલા ભાડાની દુકાન રાખીને એલોપેથી દવાખાનું શરૂ કર્યું હતું. પોલીસે રવિન્દ્ર માણેકલાલ વિઠલપરા (ઉં.38, (સિમંધરનગર, ઘાટલોડિયા) વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે જ્યારે દરોડો પાડયો ત્યારે ત્યાંથી એલોપેથી દવા અને મેડિકલ સાધનો મળીને રૂ.19,551ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પીઆઈ પટેલે જણાવ્યું હતું કે રવિન્દ્ર વિઠલપરા દવાખાનામાં હોમિયોપેથી-એલોપેથી બંનેની સારવાર કરતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.