કાર્યવાહી:અમદાવાદ સહિત 4 જિલ્લામાં આતંક મચાવનારી ફ્રેક્ચર ગેંગના 5ની ધરપકડ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુંડા એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી - Divya Bhaskar
ગુંડા એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી
  • અમદાવાદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં 10 વર્ષમાં 50 ગુના આચર્યાં
  • વરરાજાનું અપહરણ, પોલીસ પર હુમલા કરનારી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

અમદાવાદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા તેમજ બનાસકાંઠા જિલ્લાઓમાં 50 કરતાં વધારે ગુના આચરનારી કુખ્યાત ફ્રેકચર ગેંગ વિરુદ્ધ અમદાવાદ જિલ્લા પોલીસે ગુજસીટોક(નવા ગુંડાધારા) હેઠળ ગુનો નોંધ્યો છે. ફ્રેકચર ગેંગે લૂંટ, અપહરણ, ખંડણી, ધાક-ધમકી આપીને પૈસા ઉઘરાવવા સહિતના ગુના આચર્યા હતા. જેમાં પોલીસ ઉપર હુમલો તેમજ લગ્નના મંડપમાંથી વરરાજાનું અપહરણ કરવા સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે. ગેંગના 5 સભ્યોની પોલીસે ધરપકડ કરી છે. વિરમગામમાં રહેતા મહંમદસફી કુરેશીએ કેટલાક સાગરિતો સાથે મળીને અમદાવાદ જિલ્લામાં ચોરી, ધાડ-લૂંટ, ખંડણી અને અપહરણ સહિતના ગુના આચરવાનું શરૂ કર્યું હતું અને પોતાની ગેંગને ફ્રેકચર ગેંગ નામ આપ્યું હતું.

ગેંગે 10 વર્ષમાં 50 જેટલા ગુના આચર્યાં હતા. વિરમગામ પીઆઈ એમ.એ.વાઘેલાએ ફ્રેકચર ગેંગ વિરુદ્ધના ગુનાની માહિતી એકત્રિત કરી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્ર યાદવની સૂચના અનુસાર ગેંગ વિરુદ્ધ ગુંડા ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી હતી. જેમાં જહીર કુરેશી, અસ્લમ ખાનજાદા, કાસમ સીપાઈ, દિલાવર સિપાઈ અને બટાકો યાકુબભાઈ મંડલી(તમામ રહે.વિરમગામ) નો સમાવેશ થાય છે. ગેંગના લીડર મંહમદસફી કુરેશી, વસીમ ઉર્ફે બાપુ ઉર્ફે બાડો મુસ્તુફા દિવાન, મોહસીન ઉર્ફે બાટલો આબિદભાઈ સિપાઈ અને વસીમ ઉર્ફે બોડો યુસુફભાઇ સિપાઈને પકડવાના બાકી હોવાથી પોલીસે તપાસ શરૂ કરી છે.

ડીસામાં મંડપમાંથી વરરાજાનું અપહરણ કર્યું હતું
ફ્રેકચર ગેંગે 2014માં ડીસામાં લગ્ન મંડપમાંથી વરરાજાનું અપહરણ કર્યું હતંુ. જોકે આ અપહરણ પૈસા માટે નહીં પરંતુ અંગત અદાવતમાં કરવામાં આવ્યું હતંુ. જ્યારે 2012 માં સુરેન્દ્રનગરના લખતરમાં પોલીસ ઉપર હુમલો કરીને ભાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...