મોડી રાતે દારૂની મહેફિલ માણીને નીકળેલા 5 નબીરાઓની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી. જેમાંથી રાજપથ કલબ નજીકથી દારૂ પીને કારમાં જઈ રહેલા 4 મિત્રોની ધરપકડ કરી હતી, જ્યારે દારુ પીને થલતેજ ગુરુદ્વારા પાસેથી પસાર થઇ રહેલા યુવાનની પોલીસે ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ મંગળવારે મોડી રાતે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા આ દરમિયાનમાં રાતે 1.45 વાગ્યે પોલીસની ટીમ રાજપથ કલબ રોડ ઉપર આવેલા એસ.કે.ફાર્મ ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહી હતી આ સમયે બોપલ બાજુથી એક કાર પૂરઝડપમાં આવી રહી હોવાથી પોલીસને શંકા જતા કાર રોકી હતી.
પોલીસે કાર ચાલક અને તેમાં બેઠેલા 3 યુવાનોની વારા ફરથી પૂછપરછ કરતા ચારેય દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી તેમની પૂછપરછ કરતા તેમના નામ પ્રતિકભાઈ દિલિપભાઈ કુલકર્ણી(35)(યજ્ઞપુરુષ રો હાઉસ, ઘાટલોડિયા), હિરેનભાઈ ભરતભાઈ ગોહિલ(27)(સમન્વય એપાર્ટમેન્ટ, ગુરુકુલ), શુભમ સંજય સિંઘ(26)(જલધારા એપાર્ટમેન્ટ, ગુરુકૃપા સ્કુલ પાસે, ઈસનપુર) અને ગૌરવ સુરેન્દ્રભાઈ ત્રિવેદી(24)(એસ.એન.હાઉસ, જોધપુર ગામ, સેટેલાઈટ) હોવાનું જાણવા મળ્યું હતુ. આ અંગે પોલીસ કર્મચારી મોન્ટુભાઈ ગોવિંદભાઈએ ચારેય વિરુધ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી આગળની કાર્યવાહ હાથ ધરી હતી.
આ ઉપરાંત વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના અન્ય પોલીસ કર્મચારીઓ થલતેજ ગુરુદ્વારા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રાતે 12.30 વાગ્યે ત્યાંથી એક કાર સર્પાકારમાં પસાર ગફલત ભરી રીતે પસાર થઇ રહી હતી. આ સમયે પોલીસ કર્મચારીઓને શંકા જતાં તેમણે કાર ચાલકને રોકી તેની તપાસ લીધી હતી. પોલીસે કાર ચાલકની પૂછપરછ કરતા તેનું નામ હેમલ કિશોરચંદ્ર ભાગડીયા(42)(શ્રી જી વિહાર બંગલોઝ, કબીર એન્કલવ, બોપલ) હોવાનું જાણવા મળ્યું હતુ. અને હેમલ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હોવાથી પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.