રોડના ખાડે રાજકારણ:અમદાવાદના S P રિંગ રોડના વટવા રેલવે ઓવરબ્રીજ પર જાણે યમરાજને હાજર રાખ્યા હોય તેમ લોખંડના સળિયા અને સિલિંગ બહાર નીકળીને ગયા: અર્જુન મોઢવાડિયા

અમદાવાદએક મહિનો પહેલા
વટવા રેલવે ઓવરબ્રીજ પરના ખાડા
  • ખાડા અને સળિયા બહાર હોવાથી અનેક ટુ-વ્હીલર ચાલકો સ્લીપ ખાઈને નીચે પટકાય છે
  • ઔડા અને સરકારના પાપે વટવા રેલવે ઓવરબ્રીજ ઉપરથી પસાર થતા રોજના હજારો વાહન ચાલકો ઉપર તોળાતો મોતનો ખતરો
  • રોડના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે, જેના કારણે નવા જ બનેલા રોડ પણ માંડ ત્રણ-ચાર મહિનામાં તૂટી જાય છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ અમદાવાદના એસ.પી.રિંગ રોડની તસ્વીરો અને વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, જો તમે અમદાવાદના એસ.પી.રિંગ રોડ પરથી પસાર થતા હોય તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. અર્જુન મોઢવાડિયાએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, AUDA (અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)અને રાજ્યની ભાજપ સરકારે મળીને વટવા રેલવે ઓવરબ્રીજ ઉપર મોટા ખાડાઓ અને લોખંડના સળિયારૂપી યમરાજ હાજર રાખેલ છે. બ્રીજના સળિયા તો ઠીક સિલિંગ પણ ખુલ્લી કરી દેવામાં આવેલી છે. જેથી અકસ્માતથી મોતની સંખ્યા વધારી યમરાજનો ટાર્ગેટ પૂરો કરી શકાય.

નજીવા વરસાદમાં પણ રોડ ધોવાઈ જાય છે
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, દર વખતે નજીવો વરસાદ પડે તે સાથે જ શહેરોના રોડ ધોવાઈ જવાથી ખાડાઓ પડી ગયેલા નજરે પડે છે. જેના કારણે જાહેરમાર્ગો બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી સાથે વાહનોમાં નુકસાન વેઠવું પડી રહ્યું છે. અનેક ટુ વ્હીલર ચાલકો વાહનો સ્લીપ થઈ જતા અકસ્માતનો ભોગ બને છે. કેટલાક જીવ પણ ગુમાવે છે.

રોડ પરના ખાડાને લઈને અર્જુન મોઢવાડિયાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે
રોડ પરના ખાડાને લઈને અર્જુન મોઢવાડિયાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 558 અકસ્માત સર્જાયા
મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, એક સમયે ગુજરાતના રોડ આખા દેશમાં મોડલ સ્વરૂપ ગણાતા, પરંતુ ભાજપ સરકારે છેલ્લા 26 વર્ષમાં એવુ ગુજરાત મોડલ તૈયાર કર્યું છે, જેમાં દર વર્ષે રોડના ખાડાઓના કારણે અકસ્માતનો ભોગ બની 3,000થી વધુ લોકોનાં મોત થાય છે. તાજેતરમાં જ સામે આવેલા કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન વિભાગના રિપોર્ટ મુજબ માત્ર રાજ્યના નેશનલ હાઈવે ઉપર તૂટેલા નેશનલ હાઈવેના કારણે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 558 અકસ્માત સર્જાયા છે. જેમાં 234 લોકોનાં મોત થયા છે. આ વાત તો થઈ નેશનલ હાઈવેની! હવે તમે જ વિચારો રાજ્યના અન્ય કેટલા રોડ ઉપર કેટલા અકસ્માત સર્જાતા હશે અને તેમાં કેટલા લોકોનાં મોત થતા હશે?

રોડના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો આરોપ
મોઢવાડિયા ઉમેર્યું હતું કે, રોડના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે, જેના કારણે નવા જ બનેલા રોડ પણ માંડ ત્રણ-ચાર મહિનામાં તૂટી જાય છે. ખાસ કરીને રાજ્યના મહાનગરોમાં જે નવા વિસ્તારો ભળ્યા છે, તેમાં વિકાસ કાર્યોના નામે માત્ર ભ્રષ્ટાચાર થયા છે, કામ તો લોટ, પાણી અને લાકડા જેવા જ થાય છે. જેથી લોકોની હાલાકી ત્યાંની ત્યાં જ રહેશે. સ્માર્ટ સિટીના નામે ફળવાયેલા અબજો રૂપિયાની ગ્રાંટનો ઉપયોગ ક્યાં કરાયો તેનો કોઈ હિસાબ નથી! એટલે વાસ્તવમાં ગુજરાત માટે આ રોડ જ નહીં, આ રોડના નામે ભ્રષ્ટાચારનું મોડલ વિકસાવનાર ભાજપ સરકાર જ ખતરા સ્વરૂપ છે.