કોંગ્રેસનો આક્ષેપ:અર્જુન મોઢવાડિયાએ કહ્યું- ડભોઈ પાલિકામાં સફાઈ કામદારોની જગ્યા પર ભાજપના સભ્યોના સગાંઓની ભરતી કરી દેવાઈ

અમદાવાદ24 દિવસ પહેલા

વડોદરા જીલ્લાની ભાજપ શાસિત ડભોઈ નગરપાલિકામાં રાજ્ય સરકારે મંજુર કરેલા 32 સફાઈ કામદારોની મહેકમ ભરતીમાં રૂ.3થી 7 લાખ ઉઘરાવીને તથા ભાજપના હોદ્દેદારો તથા ચુંટાયેલા પ્રતિનિધિઓના સગાંઓની ‘વિનામુલ્યે’ ભરતી કરી હોવાનો તથા પરંપરાગત રીતે સફાઈ કરતા વાલ્મિકી સમાજ તથા નગરપાલિકાના રોજમદારોનો છેદ ઉડાડી નાખવા બાબતે ઉઘરાણું કરતા ઓડીયો તથા દસ્તાવેજી પુરાવાઓ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ સણસણતો આક્ષેપ કર્યો હતો.

27 પૈકી 9 ભાજપના ચુંટાયેલા સદસ્યો
અર્જુનભાઈ મોઢવાડિયાએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે સફાઈ કામદારો તરીકે ભરતી થયેલા ઉમેદવારોનો ભાજપના આગેવાનો સાથેના સંબંધો તથા પસંદગી સમિતિના સભ્ય તથા નગરપાલિકાના નેતા બિરેન શાહના પસંદ થયેલા ઉમેદવાર મયુર અભેસીંગ ચુનારા પાસે રૂ. 1.75 લાખની ઉઘરાણી કરતી ટેલીફોનિક ઓડીયોની કલીપ પણ રજુ કરી હતી. દસ્તાવેજી પુરાવાઓ પ્રમાણે 32માંથી 27 જગ્યાઓ ઉપર ઉમેદવારોની પસંદગી કરીને નિમણુંકના હુકમો આપી દેવામાં આવેલ છે. તથા પાંચ ઉમેદવારોને પ્રતિક્ષા યાદીમાં મુકવામાં આવ્યા છે. પસંદગી પામેલા 27 પૈકી 9 ભાજપના ચુંટાયેલા સદસ્યો અને ભાજપના મુખ્ય હોદ્દેદારોના પરિવારજનો છે.

ઉઘરાણું થયું હોવાની ઓડીયો ક્લિપ બહાર આવી
ભાજપના આગેવાનોના સંતાનો કે સગાઓને "વિનામૂલ્યે" "સફાઈ કામદાર" તરીકે નિમણુંકના ઓર્ડર આપેલા છે. જ્યારે બાકીના 18 સફાઈ કામદારોના હુકમો મેળવનાર પાસેથી રૂ. 3થી 7 લાખ સુધીનું ઉઘરાણું થયું હોવાની ઓડીયો કલીપો બહાર આવી છે. આ ઓડીયો કલીપમાં રૂ. બે લાખ એડવાન્સ અપાયાનું સ્વીકારીને બાકીની રકમ તાકીદે ચુકવી આપવા નહીં તો આપેલો હુકમ રદ કરવાની ધમકી આપતો ફોન ભાજપ નગરપાલિકા પક્ષના નેતા તથા પસંદગી સમિતિના સભ્ય બિરેન શાંતિલાલ શાહને નિમણુંક આપનાર ચુનારા મયુરભાઈ અભેસિંહ કરી રહ્યાં છે.

ઓડિયો ક્લીપમાં સંભળાતી વાતચીત

ઉમેદવારઃ બિરેન કાકા મયુર બોલું, મંગળ-બુધવારે તમારુ સેટિંગ થઈ જશે પૈસાનું, પાક્કું

ભાજપ આગેવાન બિરેનભાઈઃ અરે ભઈ, હવે તો તું જીગર જોડે ફાઈનલ કરી લે બધું, કાલ પરમદાડે તને ઓર્ડર આપીશું

ઉમેદવારઃ અરે પણ પાક્કું, બિરેન કાકા પાક્કુ, મંગળવાર, બુધવારે ફાઈનલ તમારે, જીગાભાઈના હાથમાં જ આપી દઈશ

ભાજપ આગેવાન બિરેન શાહ: એવું મંગળવાર કીધું તું તેને ચાર-પાંચ દિવસ થઈ ગયા, શનિવાર, શુક્રવાર આવી ગયો

​​​​​​​​​​​​​​ઉમેદવાર: હવે મંગળ, બુધવારનો ચેક આયેલો છે, ચેક વટાવીને તમને આપીશ, એટલે કહું છું

ભાજપ આગેવાન બિરેન શાહઃ એ બધું તારે જોવાનું. મારે નહીં જોવાનું યાર, તું ચેક લાવે કે કેશ લાવે કે ડીડી લાવે

​​​​​​​​​​​​​​ઉમેદવાર: તમને કેશ જ આપવાની છે

બિરેનભાઈઃ હા ભાઈ એ તારે જોવાનું બકા​​​​​​​​​​​​​​

ઉમેદવારઃ કયારે જોઈએ છે તમને, કાલે જોઈએ તમને પૈસા

બિરેનભાઈઃ હા મને કાલે જોઈએ તો કાલે આલ, રવિવારે તો રવિવારે આલ, બરાબર છે, તું હજુ બી પાંચ દિવસ કે

ઉમેદવારઃ મંગળ-બુધવારનો ચેક આપેલો છે મને એમને, તમે કો એવું કરું

​​​​​​​​​​​​​​​​​​​​​બિરેન શાહ: બીજા પાસેથી ઉછીના લઈ લે, કરીને આપી દે, મંગળ-બુધના વાયદે એ તો એમ જ કરીએ કાલ પરમ દિવસે થાય એવું કરીને મને એક દિવસ કે જે

27માંથી 7 જ વાલ્મીકી સમાજના ઉમેદવારોની પસંદગી થઈ
વાલ્મીકી સમાજના ઉમેવારોનો તો પસંદગીમાંથી લગભગ એકડો જ કાઢી નાંખવામાં આવ્યો છે. કુલ 27માંથી માત્ર 7 જ વાલ્મીકી સમાજના ઉમેદવારોની પસંદગી થઈ છે તે પણ પૈસા લઈને જાહેરાતમાં દર્શાવ્યા મુજબ સફાઈ કામદારની શૈક્ષણીક લાયકાત માત્ર લખતાં-વાંચતાં આવડતું હોવું જોઈએ તેટલું જ હોવા છતાં ધો.10-12 કે ગ્રેજ્યુએટ થયેલા ઉચ્ચ વર્ણના ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. નિયમ મુજબ હાલમાં રોજમદાર મસ્ટર ઉપરના કામદારોને પ્રથમ પસંદગી આપવાની હોવા છતાં આ નિયમનું ઉલ્લંઘન થયેલ છે. "સફાઈ કામદાર" તરીકે ભરતી થયેલા આ ભાજપના સગાઓ કે લાખો રૂપિયા આપીને સફાઈ કામદાર તરીકે નિમણુંક પામેલ ઉચ્ચ વર્ગના ઉમેદવારો શહેરની સફાઈ કરવાને બદલે પ્રજાના ટેક્ષથી ચાલતી નગરપાલિકાના તિજોરીની જ સફાઈ કરશે.

સફાઈ કામદારની ભરતી કરવા માટેની અરજીઓ મંગાવી
ભરતી પ્રક્રિયાની વિગતો આપતાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે તા 17-9-2017ના પત્રથી ગુજરાત સરકારે ડભોઈ નગરપાલિકામાં કુલ 32 સફાઈ કામદારોની કાયમી ભરતી કરવાની મંજુરી આપી હતી. ડભોઈ નગરપાલિકાએ ઠરાવ કરીને પસંદગી સમિતિની રચના કરી હતી. નગરપાલિકાએ તા.17-02-2022ના વર્તમાનપત્રોમાં જાહેરાત આપીને સફાઈ કામદારની ભરતી કરવા માટેની અરજીઓ મંગાવી હતી. કુલ 415 અરજીઓમાંથી 386 અરજીઓ માન્ય રાખવામાં આવી હતી. તા.16-06-2022ના રોજ નગરપાલિકાની ભરતી સમિતિ જેમાં પ્રમુખ કાજલબેન દુલાણી, કારોબારી ચેરમેન વિશાલ શાહ, વધારાના નગરપાલિકાના સદસ્ય બિરેન શાહ, પ્રાદેશીક કમિશ્નરના પ્રતિનિધિ અધિકારી સંજય બી. પટેલ તથા ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફીસર એ. એચ. સિંહાની સમિતિએ 27 ઉમેદવારોની તથા 5 પ્રતિક્ષા યાદી પરના ઉમેદવારોની પસંદગી કરી હતી.386 ઉમેદવારોના એક જ દિવસમાં માત્ર પાંચ કલાકમાં જ “ગોઠવણ” મુજબ ઈન્ટરવ્યુ પુરા કરવામાં આવ્યા હતા. ચીફ ઓફિસર તો માત્ર સહી કરવા જ આવ્યા હતા.

વડોદરાના અધિકારી તથા ચીફ ઓફિસર પણ સંડોવાયેલા
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાના કાનુન મુજબ નગરપાલિકાના ચુંટાયેલા સભ્યોના સગાઓની કર્મચારી તરીકે નિમણુંક કરાય તો ચુંટાયેલા સભ્ય સભ્યપદેથી ગેરલાયક ઠરે છે અને ઉમેદારો પાસેથી રૂ.3થી 7 લાખ સુધીનું ઉઘરાણું કરીને નિમણુંક કરેલ હોય લાંચ-રૂશ્વત ધારા હેઠળ ગુનો બને છે. આ બાબતે પ્રાદેશિક નગરપાલિકા નિયામક, વડોદરાના અધિકારી તથા ચીફ ઓફિસર પણ સંડોવાયેલા છે. આ ઉપરાંત પરંપરાગત રીતે સફાઈની કામગીરી કરતા વાલ્મીકી સમાજનો હક્ક ઝુંટવીને જે લોકો સફાઈ કામગીરી કયારેય કરી નથી કે કરવાના પણ નથી તેવા વોર્ડના ઉમેદવારોને નિમણુંક આપીને ડભોઈ શહેરના પ્રજાજનોનો પણ દ્રોહ કર્યો છે. ઉધરાવેલાં નાણાંમાંથી કેટલાં નાણાં વડોદરા, અમદાવાદ કે ગાંધીનગરના “કમલમ્”માં પહોંચ્યા છે તે પણ એક તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...