રાજકારણ:ભાજપના સંગઠન મંત્રી રત્નાકરના 'ગાંધી ટોપી' ટ્વીટ મુદ્દે કોંગ્રેસ આક્રમક, અર્જુન મોઢવાડિયાએ ગુજરાતીઓની માફી માગવા માંગણી કરી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અર્જુન મોઢવાડિયાની ફાઈલ તસવીર - Divya Bhaskar
અર્જુન મોઢવાડિયાની ફાઈલ તસવીર
  • 'ગાંધી ટોપી' મહારાષ્ટ્ર અને ગુજરાતના અમારા પૂર્વજોની ઓળખ છે, તેનું અપમાન કરવાનો અધિકાર ગુજરાત બહારનાઓને કોણે આપ્યો? :મોઢવાડિયા

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં કહ્યું છે કે ગાંધીજીએ ક્યારેય સફેદ ટોપી પહેરી નથી. તેમના આ વિવાદિત નિવેદન બાદ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ભાજપના પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરએ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પહેરાતી સફેદ 'ગાંધી ટોપી' પર ટ્વીટ કરતા વિવાદ છેડાયો છે. કોંગ્રેસ દ્વારા આ ટ્વીટને ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનું અપમાન બતાવાયું છે. આ અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગાંધી ટોપી મહારાષ્ટ્ર અને ગુજરાતના અમારા પૂર્વજોની ઓળખ છે, તેનું અપમાન કરવાનો અધિકાર ગુજરાત બહારનાઓને કોણે આપ્યો?

ગુજરાત ભાજપનાં નવનિયુક્ત સંગઠન મહામંત્રી રત્નાકરે સોશિયલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટને કારણે વિવાદ સર્જાયો છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, “કોંગ્રેસ લોકોને દરેક વાતમાં ટોપી પહેરાવે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે સફેદ ટોપી પહેરાય છે, તે ગાંધીજીએ ક્યારેય પહેરી જ નથી. જ્યારે આ બંને રાજ્યો સાથે કોઇ પૈતૃક સંબંધ ન ધરાવતાં નહેરુએ તે હંમેશા પહેરી હતી.” આ પોસ્ટને પગલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.

'ગાંધી ટોપી સ્વતંત્રતા સેનાનીઓના મસ્તકની શાન હતી'
અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, 'ગાંધી ટોપી' ભારતના મહાન સ્વતંત્રા સંગ્રામની ઓળખ હતી. હજારો લોકોએ આ જ ગાંધી ટોપી પહેરીને દેશની આઝાદી માટે હસતે મોઢે શહિદી વ્હોરી હતી. લાખો લોકોએ આ ટોપી પહેરીને દેશની સ્વતંત્રતા માટે અગણીત યાતનાઓ સહન કરી હતી. આ ગાંધી ટોપી જ એ તમામ સ્વતંત્રતા સેનાનીઓના મસ્તકની શાન હતી. પરંતુ સ્વતંત્રતા સંગ્રામના મહત્વ અને સ્વતંત્રા સંગ્રામના પ્રતિકો અંગે અંગ્રેજોના સમર્થકોને માહિતી ના હોય તે સ્વાભાવીક જ છે.

કોંગ્રેસનાં પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે, કાળી ટોપી પહેરીને દેશની આઝાદીમાં ક્યારેય ન જોડાનારા સંઘીઓને સફેદ ટોપીનું મહત્વ કેવી રીતે ખબર હોય. ઇતિહાસમાં શૂન્ય એવા ભાજપનાં આયાતી નેતા કોંગ્રેસ ભવન આવીને ગાંધીજી વિશે જ્ઞાન લઇ શકે છે. રત્નાકરનું ગુજરાતમાં સ્વાગત છે પરંતુ પહેલાં અહીંની સંસ્કૃતિ વિશે જાણે. ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠનાં પૂર્વ વાઇસ ચાન્સેલર અને ટ્રસ્ટી ડો. સુદર્શન આયંગરે કહ્યું હતું કે, ગાંધીજીએ સફેદ ટોપી ઇન્ટ્રોડ્યુસ કરી હતી. તેમને પગલે જ આઝાદીનાં આદોલનમાં કાર્યકરોએ પણ સફેદ ટોપી પહેરી. બહેનોએ પણ આ ગાંધી ટોપી મોટી સંખ્યામાં પહેરી છે.

ગુજરાતની જનતાની માફી માંગવા કોંગ્રેસની માંગ
તેમણે આગળ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કૃતી અને સત્યથી અજાણ લોકો માત્ર કોંગ્રેસને ગાળો ભાંડવાની પોતાના પક્ષની સંસ્કૃતિને આગળ ધપાવી પોતાના આકાઓના વ્હાલા થવાની લાયમાં ગુજરાતની અસ્મિતા, ઓળખ અને સંસ્કૃતિનું અપમાન કરે તે ગુજરાતની જનતા ક્યારેય સહન કરશે નહીં. આવા લોકોએ તાત્કાલીક ધોરણે ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ. નહીં તો ગુજરાતની જનતાના અપમાનના પરિણામ આખી ભારતીય જનતા પાર્ટીએ ભોગવવા પડશે.

રત્નાકરએ શું ટ્વીટ કર્યું હતું?
નોંધનીય છે કે, ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરએ ગઈકાલે ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પહેરાતી 'સફેદ ટોપી' જેને ક્યારેય ગાંધીજીએ નહોતી પહેરી, પરંતુ જેનો ગુજરાત અથવા મહારાષ્ટ્ર સાથે કોઈ પૈતૃક સંબંધ પણ નથી રહ્યો, એવા નહેરૂજીએ હંમેશા આ ટોપી પહેરી, પરંતુ કહેવાઈ 'ગાંધી ટોપી.'

આજે પણ ગુજરાત વિદ્યાપીઠનાં સ્થાપના દિવસે તેમજ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ધ્વજવંદન વખતે તમામ સેવકો સફેદ ટોપી પહેરે છે. ગાંધીજીએ 22 સપ્ટેમ્બર 1921માં મદુરાઇમાં પોતાનાં શરીર પર માત્ર પોતડી અને એક કપડું જ પહેરવાનું નક્કી કર્યું. ત્યારથી તેમણે ટોપી ત્યજી કેમ કે દેશનાં ગરીબ માણસને પોષાય તેટલા જ કપડાં પહેરવાનું તેમણે નક્કી કર્યું હતું. આ વિવાદ બાદ ભાસ્કરે આ વિશે રત્નાકરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.