તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંભીર બેદરકારી:અર્જુન મોઢવાડિયાનો સરકાર પર આક્ષેપ, તાઉ-તે વાવાઝોડામાં સાણંદના ગોડાઉનમાં રાખેલી 96 હજાર ડાંગરની બોરીઓ પલળીને સડી ગઈ

અમદાવાદ25 દિવસ પહેલા
અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરેલી તસવીર
  • કોંગ્રેસ નેતાએ ટ્વીટ કરીને પલળીને સડી ગયેલી બોરીઓનો ફોટો પોસ્ટ કર્યો
  • આ બેદરકારી મામલે ઉચ્ચસ્તરીય તપાસની માગણી કરી

રાજ્યમાં ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડા દરમિયાદ સાણંદ નજીક ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદીને રાખવામાં આવેલ ડાંગરની 96 હજાર જેટલી બોરીઓ પલડી ગઈ હોવાનો કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે, સરકારી તંત્રએ કોઈ દરકાર ના લેતા આ ડાંગર સડી ગઈ.

'વાવાઝોડામાં 57.60 લાખ કિલો ડાંગર પલળી ગઈ'
કોંગ્રેસ નેતાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ કરીને આ વાત કહી છે. જેમાં તેમણે MSPથી ખરીદેયાલા 57.60 લાખ કિલો ડાંગર પલળી ગઈ. વાવાઝોડાની આગાહી કરાઈ હોવા છતાં કોઈ વ્યવસ્થા ન કરવામાં આવી. દોઢ મહિના સુધી ભાજપ સરકારે તેની દરકાર પણ ન લીધી. ડાંગર એવી રીતે સડી ગયા છે, જેવી રીતે ભાજપ સરકારમાં સિસ્ટમ સડી ગઈ છે.

'100 ટકા સજ્જ હોવાના માત્ર દાવા કરવામાં સરકાર વ્યસ્ત'
આ અંગે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર અને મુખ્યમંત્રી જનતાને જણાવે કે હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી આપવામાં આવેલી હતી. તંત્ર 100% સજ્જ હોવાના દાવા કરાયા હતા, તો પછી પુરવઠા વિભાગે અને રાજ્ય સરકારે આ ડાંગરના જથ્થાની સલામતીની કોઈ વ્યવસ્થા કેમ ના કરી? શું સરકાર માત્ર દાવાઓ કરવામાં જ વ્યસ્ત હતી?

બેદરકારીની ઉચ્ચસ્તરીય તપાસની માંગણી
કોંગ્રેસ નેતાએ વધુમાં ઉમેર્યું હતું કે, આ ડાંગર હજારો ગરીબ પરિવારોને કોરોના મહામારીના વિકટ સમયમાં કામ આવી શકી હોત, તેની જગ્યાએ ડાંગરને દોઢ મહિના સુધી એવી રીતે જ સડવા મુકી રખાઈ, જે રીતે ભાજપ સરકારમાં સમગ્ર સિસ્ટમ સડી ચુકી છે. આ એક ગુનાહિત બેદરકારી છે. તેની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ અને બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લઈ નુકશાનની ભરપાઈ કરવી જોઈએ.