અરજી:મોરબી પુલ હોનારત સામે હાઈકોર્ટમાં જાહેરહિતની વધુ એક અરજીમાં કરવામાં આવેલી દલીલ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની અનેક દુર્ઘટનામાં જવાબદાર સામે પગલાં નહીં
  • ઘડિયાળ, કેલ્ક્યુલેટર અને હોમ એપ્લાયન્સ બનાવતી કંપનીને બ્રિજ રિપેરિંગનું કામ સોંપવા સામે તપાસની માગણી કરાઈ

મોરબીની મચ્છુ નદી પરનાે ઝૂલતાે પુલ તૂટી પડવાની ઘટનામાં હાઇકોર્ટમાં વધુ એક જાહેરહિતની અરજી કરાઈ છે. અરજીમાં રજૂઆત કરાઇ છે કે, ઝૂલતો પુલ રિપેર કરનાર ઓરેવા કંપની પાસે બ્રિજ રિપેર કરવાનો અનુભવ ઓછો હોવા છતાં નગરપાલિકાએ તેમને કોન્ટ્રાકટ આપ્યો છે. અજન્ટા મેન્યુફેકચરિંગ કંપની ઘડિયાળ, કેલ્કયુલેટર, અને હોમ એપ્લાયન્સની ચીજવસ્તુ બનાવતી કંપનીને સરકારે બ્રિજ રિપેરિંગનું કામ કેમ સોંપ્યું? તેની તપાસ થવી જોઇએ. રાજ્યમાં અનેક દુર્ઘટના બની છે એક પણ દુર્ઘટનામાં સરકારે જવાબદારો સામે પગલાં લીધા નથી.

કાંકરિયામાં રાઇડ તૂટવાની , સુરતમાં અઠવાલાઇન બ્રિજ તૂટવાની, સુરતમાં તક્ષશિલા આર્કેડમાં આગનો બનાવ, ભુજોડી ઓવર બ્રીજ, સાઉથ બોપલનો બ્રિજ તૂટવા જેવી અનેક ઘટનાઓ બની છે. જેમા સરકારે ઉચ્ચ સ્તરીય કમિટિઓ બનાવી દીધી છે પરતું કોઇ વ્યકિત સામે પગલા લેવાયા નથી.

સંજીવ ઇઝાવા નામના અરજદાર વતી એડવોકેટ ખેમચંદ કોષ્ઠીએ અરજીમાં રજૂઆત કરી છે કે, મોરબી નગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર અજન્ટા કંપનીને પુલ બનાવવાનો કોન્ટ્રાકટ આપી દીધો હતો. કંપનીએ મોરબી નપાના ચીફ ઓફિસર પાસેથી ઝૂલતા પુલની સ્ટ્રકચરલ ડિઝાઈન મેળવી નથી. આઇઆઇટી અને એનઆઇટી જેવી કંપની પાસેથી પુલની ગુણવત્તાની પણ કોઇ ચકાસણી કરાઇ નથી.

તપાસ સમિતિ રદ કરવા માગણી
ભૂતકાળનાં અનુભવોને ધ્યાને રાખીને સરકારે બનાવેલી કમિટિને રદ કરીને તેની જગ્યાએ મેજિસ્ટ્રેટને તપાસ આપવા અથવા આઇઆઇટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના નિષ્ણાતોની અધ્યક્ષતામાં તપાસ સોંપવા દાદ માગવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...