તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેસ્ટ એડિટરની કલમે:એક સમાજ તરીકે આપણે સમાનતા માટે તૈયાર છીએ?: અદિતિ દેસાઈ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગેસ્ટ એડિટર - અદિતિ દેસાઈ, નાટ્ય દિગ્દર્શક - Divya Bhaskar
ગેસ્ટ એડિટર - અદિતિ દેસાઈ, નાટ્ય દિગ્દર્શક

નાનપણમાં વાંચેલી વાર્તામાં સવાલ આવતો કે- ‘આપ કમાઈ કે બાપ કમાઈ?’ મને વારંવાર વિચાર આવે કે ‘મા કમાઈ’ કેમ નહીં? મારી માતા- ભારતી વજુભાઇ શુક્લ. જે પછી ભારતી જશવંત ઠાકર બની. તેમના પિતા વજુભાઇ શુક્લ કે જે એ જમાનામા કોમ્યૂનિસ્ટ હતા. તેમને રાજકોટ જેલમાં સંદેશો ગભરાયા વગર ચિઠ્ઠી સંતાડીને મારી મા પહોંચાડતી. મારી માતા ડોક્ટર હતી. તે કમાઈ, તો અમે ત્રણ ભાઈ બેન ભણ્યાં.

બીજા મા-બાપની જેમ મારા પિતા બેગ લઇને સવારે કામ પર ના જતા. જશવંત ઠાકર મારા પિતા તો નાટકનો જીવ. ગાંધીબાપુ પાસે અપરિગ્રહનું વ્રત લઇ, એમણે તો ‘સંગ્રહ કરવા માટે કમાવું નહીં’ એમ નક્કી કરી લીધેલું. સમાજના ઉત્કર્ષ માટે તેઓ નાટકના માધ્યમનો ઉપયોગ કરતા. આ નિર્ણય મારી માતાની સંમતિથી લેવાયેલો, એટલે આજીવન અમારો ઘર ખર્ચ મારી માતાએ પૂરો કર્યો. માતા-પિતાએ પોતે જીવી અને અમને એ શીખવ્યું કે કોણ શું કામ કરશે દાંપત્યજીવનમાં એ તમારી જેન્ડર કયારેય નક્કી ના કરે.

મેં સમજેલી આ વાતને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસના એક ભાગ રૂપે ગુજરાતના અને રાજસ્થાનના લગભગ 75 ગામડાઓમાં 10 વર્ષ સુધી દિવસ રાત મેં નાટકની મદદથી લોકોમાં સમાનતા અને સ્વતંત્રતાના બીજ ઉગાડવાનો પ્રયત્ન કર્યો છે.

આપણે સમાજમાં જરાક કઈ રૂઢિથી અલગ દેખાય તો મહેણાં ટોણાં અને મજાક કરી નાખીએ છીએ. કદાચ સમાજ તરીકે આપણે હજી સમાનતા માટે તૈયાર જ નથી. અહીં સવાલ થાય કે, આ કામ સ્ત્રીનું જ ને આ કામ પુરુષનું જ એવા જેન્ડર રુલ્સ ક્યાંથી આવ્યા? કામ કે તક એ જાતિ, રંગ, વર્ણના આધારે મળવી જોઈએ કે પાત્રતાના આધારે? કોણે આપ્યું આ શિક્ષણ? આપણે કેમ હોંશે હોંશે લીધું આ શિક્ષણ? કેમ એના પર કે એની સામે સવાલો ના ઉઠાવ્યા? કેમ, કોઈ ટેક્નોલોજીએ આપણને ઊંઘમાંથી ઢંઢોળ્યા નહિ? ઈતિહાસ સાક્ષી છે, આપણે સૌ જાણીએ છીએ કે સ્વતંત્રતાની ચળવળ વખતે ગાંધીજીની હાકલથી, સ્ત્રીઓ પોતાની બીબાંઢાળ- ‘મા’ ની, કે બાળકો સાચવનારી કે ઘરરખ્ખુની ભૂમિકા છોડી ખભેખભા મિલાવી અને આઝાદીની લડતમાં ભાગીદાર બની હતી.

માત્ર ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં આવું થયું છે. જયારે જયારે યુદ્ધ ખેલાયું છે અને સ્ત્રીઓએ એમાં પોતાની ભાગીદારી આપી છે ત્યારે સ્ત્રીઓએ ચકિત કરી દેતાં પરિણામો અને કુશળતા બતાવી છે. ઘરમાં કુટુંબમાં અને બાળકોથી ઘેરાયેલી સહુની દોડી દોડીને સંભાળ લેતી આ સ્ત્રીઓને આ આવડ્યું ક્યારે, શીખવ્યું કોણે? એને શીખવાનો સમય મળ્યો ક્યારે? છતાં સમય આવે તેણે કરી બતાવ્યું. તો આ વાતો સમાજના મનમાંથી કેમ ભૂંસાઈ રહી છે? કેમ આ દરેક વાતો પેઢી દર પેઢી નથી કહેવાતી ?

આ પ્રશ્નો ખાલી ગ્રામ્ય વિસ્તારના પછાત, અભણ કે ગરીબ સમાજ માટે જ નથી. આપણા ભદ્ર શહેરી સમાજ માટે પણ છે. આશા રાખું છું કે આ સવાલોને સહુ માત્ર નારીવાદી, ઝંડા ઉપાડવાવાળી પ્રવૃત્તિ ન ગણી સામાજિક માનસિકતાને બદલી અને સમાનતા લાવવાની તક તરીકે વિચારશે.

અન્ય સમાચારો પણ છે...