તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિપીટર્સનો શું વાંક?:શું અમે કોરોના પ્રૂફ છીએ? રેગ્યુલર વિદ્યાર્થીઓને જ કોરોના થશે, રિપીટર્સને નહિં થાય!, એક વર્ષ તો બગડ્યું બીજું પણ બગડશે

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: આનંદ મોદી
  • કૉપી લિંક
  • ધોરણ 10-12ના રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા વિદ્યાર્થી,શિક્ષક અને વાલીઓની માંગ
  • ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32,400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર રિપીટર્સ

કોરોના મહામારી આર્થિક, શારીરિક અને માનસિક અવદશા કરવાની સાથે સાથે શિક્ષણની પણ દશા બગાડી નાંખી છે. રાજ્યમાં સવા વર્ષથી ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. માત્ર એટલું જ નહીં, આ વખતે તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપવું પડ્યું છે. જો કે ગુજરાત બોર્ડે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને જ માસ પ્રમોશન આપતા રિપીટર વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે, જો રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવતું હોય તો રીપીટરોને કેમ નહીં? શું રીપીટર વિદ્યાર્થીઓને કોરોના નહીં થાય?

માસ પ્રમોશન ન આપતો અન્ય વિકલ્પ આપવા માંગ
રિપીટર્સને માસ પ્રમોશન ન આપવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે. આ સ્થિતિમાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવતું હોય તો રિપીટર વિદ્યાર્થીઓ માટે પણ સરકારે વિચારણા કરવી જોઈએ. રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ, ખાનગી શિક્ષકો અને વાલીઓ દ્વારા કરવામાં આવી છે.વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં ન આપવામાં આવે અન્ય વિકલ્પ આપવો જોઈએ.

રિપીટર્સ માટે કેમ નિર્ણય કર્યો નથીઃ વિદ્યાર્થી
આ અંગે ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થી ચિરાગ ચૌધરીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12ના તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તો રિપીટર વિદ્યાર્થીઓ માટે શા માટે નિર્ણય લેવામાં આવ્યો નથી? રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજી હોત તો અમારી પરીક્ષા પણ યોજવી જોઈએ. પરંતુ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તો અમને પણ માસ પ્રમોશન આપવું જોઈએ.

રિપીટર વિદ્યાર્થીઓનો શું વાંક છે: વિદ્યાર્થી
જ્યારે અન્ય રિપીટર વિદ્યાર્થી એવા ઉર્વેશ સોલંકીએ જણાવ્યું હતું કે સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપ્યું છે, તો રિપીટર વિદ્યાર્થીઓનો શું વાંક છે? સરકાર માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓના આરોગ્ય અંગે જ ચિંતા કરે છે અમારા રિપીટર વિદ્યાર્થીઓના આરોગ્યનું શું? શું રેગ્યુલર વિદ્યાર્થીઓને જ કોરોના થશે? પરીક્ષા આપતા અમને કોરોના નહિં થાય?. સરકારે તમામ વિદ્યાર્થીઓનું વિચારીને નિર્ણય લેવો જોઈએ.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

બધી જગ્યાઓ ભરાઈ જશે, બીજું વર્ષ બગડશેઃ વાલી
સુનિતા સિસોદીયા નામના વાલીએ જણાવ્યું હતું કે મારી દીકરી ધોરણ 10ની રીપીટર વિદ્યાર્થિની છે. આ વર્ષે કોરોનાને કારણે સારી રીતે તૈયારી ના કરી શકી પરંતુ પરીક્ષા આપવા તૈયાર થઇ હતી. સરકાર દ્વારા જ્યારે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું તો રિપીટરને પણ આપવું જોઈએ જેથી એડમિશન પ્રક્રિયા શરુ થતા અમારા બાળકનું પણ એડમિશન થઇ શકે નહિં, તો બધી જગ્યાઓ ભરાઈ જશે અને રિપીટરનું પરિણામ પણ મોડું આવશે તેથી બીજું વર્ષ પણ બગડશે.

સરકારે વર્ષ ના બગડે તે અંગે વિચારી નિર્ણય કરવો જોઈએ
સતિશ પ્રજાપતિ નામના ખાનગી શિક્ષકે જણાવ્યું હતું કે જે પ્રમાણે ધોરણ 10 અને 12ની રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ થઇ છે તે જ પ્રમાણે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવું જોઈએ. હાલની પરિસ્થિતિમાં રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા ના યોજાઈ શકે તો રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શા માટે યોજવી જોઈએ. વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે તે અંગે વિચારીને સરકારે નિર્ણય કરવો જોઈએ.

4.91 લાખ રિપીટર્સ વિદ્યાર્થીઓની માંગ
બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા. સરકારે ધોરણ 10માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતાં કરી હતી. પરંતુ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાના નિર્ણયમાં એવી કોઈ સ્પષ્ટતાં કરાઈ નથી કે, માત્ર રેગ્યુલર વિદ્યાર્થીની જ પરીક્ષા રદ થશે કે રિપીટર્સ સહિતના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાશે. શિક્ષણમંત્રીએ આ અંગે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, રિપીટર્સ વિદ્યાર્થીઓ માટે હજી કોઈ પણ નિર્ણય લેવાયો નથી. જે આગામી સમયમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન આધારે લેવાશે.

અન્ય સમાચારો પણ છે...