ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાને પગલે છેલ્લા પાંચેક દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ છે. આવામાં અરબ સાગરમાં શાહીન વાવાઝોડું સક્રિય થયું છે અને એને લીધે વધુ પાંચેક દિવસ વરસાદ પડી શકે છે. જોકે આ વરસાદનો છેલ્લો રાઉન્ડ ગુજરાતના ઘણા વિસ્તારો માટે આશીર્વાદરુપ બનીને આવ્યો છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છના વિસ્તારો સીઝનના 100% વરસાદને આંબી ગયા છે અથવા તો તૈયારીમાં છે. આમાં પણ રાજકોટ (122%) અને જામનગર (125%) માથે તો અતિવૃષ્ટિનું સંકટ સર્જાયું છે.
બીજી તરફ, ઉત્તર ગુજરાતના અરવલ્લી (62%), બનાસકાંઠા (70%) ઉપરાંત દક્ષિણના ડાંગ (66%) અને તાપી (69%) જિલ્લા હજી દુષ્કાળનો સામનો કરી રહ્યો છે.
સૌરાષ્ટ્રના ખેડૂતો જ કહે છે, વરસાદ! હવે ખમૈયા કરો
ગોંડલ તાલુકાના વાછરા ગામના ખેડૂત અમુલ જેતાણીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, હવે વરસાદ ખમૈયા કરે તો સારૂ છે, અમારે અહીં સિઝનનો ખૂબ જ વરસાદ પડી ગયો છે. હવે વરસાદ થશે તો ખેડૂતો માટે ખૂબ નુકસાનકારક છે. કારણ કે, હાલ મગફળીનો પાક પાકી ગયો છે. અમારા ગામમાં અમુક ખેડૂતોને મગફળી પાકી ગઇ હોવાથી ઉપાડી લીધી હતી. જોકે, ભારે વરસાદને કારણે મગફળીના પાથરા તણાય ગયા છે. હાલનો વરસાદ મગફળી, કપાસ, એરંડા સહિત તમામ પાકને નુકસાનકારક છે.
મગફળી-કપાસ-સોયાબીનનો પાક તૈયાર, હવે વરસાદથી નુકસાન
રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખેડૂત ડાયાભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે 28 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ખેતરમાં મગફળીના ઉભા પાકને નુકશાનીની ભીતિ છે. આ સાથે કપાસનો પાક સુકાઈ ગયો છે અને જીંડવાઓ ખરી જઈ રહ્યા છે. ઉપરાંત સોયાબીન અને તલના પાકને નુકશાન થયું છે. ખેડૂતોએ ઘણા ખર્ચ કરી ઘણી આશા સાથે પાકનું વાવેતર કર્યું છે ત્યારે જો પાક નિષ્ફ્ળ જશે તો ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન થાય એમ છે.
કચ્છમાં માંડ 30 ટકા પાક બચ્યો, હવે વરસાદ ના પડવો જોઈએ
કચ્છમાં અત્યાર સુધી મૌસમનો સોળ આની જેટલો વરસાદ પડી ગયો છે અને હજુ છુટા છવાયા ઝાપટા પડી રહ્યા છે. આવામાં હજુ વધુ વરસાદ પડશે તો કચ્છના ખેડૂતોને તો નુકસાન જ જવાનું છે તેવી ભીતિ કચ્છ કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ પટેલે વ્યક્ત કરી છે. તેમણે જિલ્લાની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે આ પહેલા વરસાદ બીજા રાઉન્ડમાં મોડો થવાથી પાક નિષ્ફળ ગયો છે. હાલ જે 25% થી 30% પાક બચ્યો છે તે પણ હવે વરસાદ પડવાથી નિષ્ફળ જશે. આના કારણે ખેડૂતોને નુકશાની જશે, કપાસ એરંડા સહિતના પાક હવેના વરસાદમાં બગડી જશે.
'હવે વરસાદ પડશે તો એકલ-દોકલ માલઢોરનો ચારોય નહીં બચે'
જામનગર જિલ્લામાં વરસાદનો સૌથી વધુ ભોગ બનેલા ધુવાવ ગામના ખેડૂત ખીમજી જેરાજ જાદવે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, અત્યારે 100 ટકાથી વધુ વરસાદ પડવાથી અમારે જાનમાલને બહુ નુકસાન થયેલ છે. હવે અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે હવે ખમૈયા કરે તો સારું કારણ કે અમારી પાસે કાંઈ બચ્યું નથી. જે બચ્યું છે તે જનાવરને ડૂચા કરવા ચાલે. હવે વરસાદ ખમૈયા કરે તો સારું. જો હવે વરસાદ પડે તો કોઈ બચવાની શક્યતા નથી. ખેડૂતને બચવાની શક્યતા નથી. જ્યારે હાલ એકલદોકલ માલઢોર બચ્યું છે તેના પાસે ચારવાનો ચારો નથી તેમજ નથી કોઈ ખેતરમાં માલ રહ્યો. એટલે પ્રભુ ને પ્રાર્થના કરી કે હવે ખમૈયા કરે.
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ડુંગરવાંટ ગામના ખેડૂત ચંદ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ થઇ ગયો છે. આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને હવે વધારે વરસાદ પડે તો આ વિસ્તારમાં અતિવૃષ્ટિ જેવો માહોલ થાય, હાલ ખેડૂતોનો પાક તૈયાર થઇ ગયો છે અને ભવિષ્યમાં જો હજી વરસાદ થાય તો છોટાઉદેપુર જિલ્લામાં અતિવૃષ્ટિ થઇ જશે. હાલ કપાસ સારો છે અને ડાંગરનો પાક પણ તૈયાર થવાના આરે છે, ત્યારે વધુ વરસાદ પડે તો પાકને નુકસાન થઇ શકે છે અને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઇ શકે છે.
અરવલ્લી, ડાંગ, તાપી, બ.કાં.માં હજી વરસાદની 35% સુધીની ઘટ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભાદરવો ભરૂપૂર રહ્યો છે. આવામાં બીજી તરફ ઉત્તર ગુજરાત હજી પણ 35% સુધી ઓછા વરસાદનો સામનો કરી રહ્યું છે. કોઈના માન્યામાં ન આવે પણ ડાંગ જિલ્લામાં પણ અત્યારે વરસાદની 34% ઘટ છે. જ્યારે તાપીમાં સિઝનનો 69%, અરવલ્લીમાં 62% અને બનાસકાંઠામાં 70% વરસાદ પડ્યો છે.
સિપુ-મુકેશ્વર-દાંતીવાડા ડેમ ભરાય તો જ બ.કાં.માં પાક બચે
બનાસકાંઠાના ખેડૂત મેઘરાજભાઈએ જણાવ્યું હતું કે, જિલ્લામાં 70 ટકા જેટલો વરસાદ થયો છે જેથી ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે. પરંતુ હજુ પણ બનાસકાંઠા માં વરસાદની જરૂર છે. બનાસકાંઠાના સિપુ મુકેશ્વર અને દાંતીવાડા ડેમ હજુ ખાલી છે અને આ ડેમો છલકાય તો જ જિલ્લામાં પાક બચે. મોટાભાગના ચેકડેમ અને તળાવો પણ ખાલી છે. આગામી સિઝનમાં સિંચાઈનું પાણી મળી રહે તે માટે બનાસકાંઠા માટે વરસાદ જરૂરી છે. અમો ખેડૂતોનું માનવું છે કે હજુ કુદરતની મહેર થવી જોઈએ અને વરસાદ થવો જોઈએ.
આણંદ-ભાલપંથકમાં વરસાદે પાક ધોઈ નાખ્યા છે
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ઉંદેલ ગામના ખેડૂત ઉમંગ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં મેધો ઓળઘોળ થયો છે અને અતિ વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું છે. આને લઈ ખેડૂતોની ચિંતા વધી રહી છે. ભાલ પંથકમાં તો ઘણી જગ્યાએ ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે. અન્ય વિસ્તારોમાં વરસાદની અણનમ બેટિંગ ને લઈ મોટા નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂત પરિવારો વરસાદને રોકવા પ્રાર્થના કરી રહ્યા છે. ડાંગર અને બાજરીનવળી ગયો છે અને હવે વરસાદ પડશે તો ખેડૂતો દેવામાં ડૂબી જશે માટે વરસાદ રોકાવો જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.