તાઉ-તે નામનું વાવાઝોડું ઝડપભેર ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યા પ્રમાણે વાવાઝોડું હાલ વેરાવળથી 620 કિ.મી. દૂર છે. જે ગુજરાતના દરિયા કિનારે 17 તારીખે પહોંચશે અને 18મીએ સવારે પોરબંદરથી લઇને ભાવનગરના મહુવા સુધીના વિસ્તારને ક્રોસ કરશે અને વાવાઝોડાની ગતિ 160 કિ.મી. પ્રતિ કલાક કે તેથી વધારે રહી શકે છે. જોકે તાઉ-તેના સંકટના પગલે રાજ્યના ઘણા જિલ્લાઓમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ વાવાઝોડાને લઈ DivyBhaskar પળેપળની LIVE અપડેટ આપી રહ્યું છે.
મુખ્યમંત્રી રૂપાણીએ નાગરિકોને આ બે દિવસ દરમ્યાન પોતાના ઘરથી બહાર નહીં નીકળવા પણ અનુરોધ કરતા કહ્યું કે, નાગરિકો પોતપોતાના ઘરમાં રહે, માત્રને માત્ર ફરજ પર હોય એવા લોકો જ ઘરની બહાર નીકળે. બાકીના લોકો ઘરમાં જ રહી અને પોતાની સલામતી જાળવે એ જરૂરી છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ
સુરત શહેર અને જિલ્લામાં બફારા બાદ વરસાદ શરૂ થયો હતો. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અમીછાટણા થતા ઠંડક પ્રસરી ગઇ હતી. દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ગામોમાં પણ પૂરપાટ ઝડપે પવન ફૂંકાતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ભારે પવન સાથે વરસાદના કારણે માંડવીમાં પતરાં ઉડી ગયા હતા. જ્યારે સુવાલી દરિયાકિનારે દુકાનોના શેડ તૂટી ગયા હતા.
અમદાવાદ ફાયરબ્રિગેડ એન્ડ ઇમરજન્સીની ટીમ સ્ટેન્ડ ટુ રખાઈ
વાવઝોડુ ત્રાટકવાની અગમચેતીના ભાગરૂપે અમદાવાદ ફાયરબ્રિગેડ એન્ડ ઇમરજન્સીની ટીમ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી દ્વારા જ્યારે પણ ફાયર વિભાગની મદદની જરૂર પડશે તો તાત્કાલિક ટીમો રવાના કરવામાં આવશે. ફાયરબ્રિગેડના તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામા આવી છે. જરૂર પડ્યે અમદાવાદ ફાયરબ્રિગેડ તાત્કાલિક મદદે પહોંચવા તમામ રીતે તૈયાર છે.
વડોદરામાં ભારે પવન સાથે વરસાદ
વડોદરામાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. જેને પગલે વડોદરા જિલ્લા તંત્ર સજ્જ થઇ ગયું છે. વડોદરા જિલ્લા કલેક્ટરે તંત્રના તમામ વિભાગો સાથે કરી ઓનલાઇન બેઠક કરીને સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં વડોદરા જિલ્લા કક્ષાએ તથા તમામ તાલુકા નિયંત્રણ કક્ષો સતત ચાલુ રાખવા અને કોવિડ હોસ્પિટલોનો વીજ પુરવઠો જળવાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા અને બેક અપની સુવિધા રાખવાની સૂચના આપી હતી.
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ
અમદાવાદ શહેરમાં રવિવારે બપોર બાદ ઘણા વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ સાબરમતી, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, સરખેજ તથા વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં છાંટા પડ્યા હતા. વરસાદી છાંટા પડતા દિવસભરના ઉકળાટ બાદ અમદાવાદીઓએ થોડી રાહત અનુભવી હતી. શહેરમાં તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે હજુ 20 મે સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાદ દ્વારા કરવામાં આવી છે.
ક્યાં ક્યાં વરસાદની આગાહી?
તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે 16થી 20 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી સાઉથ ગુજરાત, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ તથા દક્ષિણ પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 18મી તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરામાં પાટણ, મહેસાણા, અરાવલી, મહિગાસર, સાબરકાંઠા, બનાસકાંઠા, મોરબી તથા કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. આ પાંચ દિવસ વરસાદ દરમિયાન વીજળીના ચમકારા પણ થશે અને સપાટી પર પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક આસપાસ રહેશે.
ભારે પવનની ચેતવણી
હવામાન વિભાગ મુજબ, દરિયામાં વાવાઝોડાના પગલે પવનની ઝડપ 135-145 કિમી પ્રતિ કલાકથી 160 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી છે અને તે 16મી તારીખે મદ્ય રાત્રિએ 170 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જેના કારણે 18મી તારીખે વહેલી સવારે ગુજરાતના દરિયાકાંઠે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં સુસવાટા સાથે 170 કિમી પ્રતિ કલાકની તીવ્ર ગતિથી પવન ફૂંકાઈ શકે છે. આવી જ રીતે ભરુચ, આણંદ, સાઉથ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી જિલ્લામાં પણ સૂસવાટા સાથે ભારે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે જાહેરાત કરી છે.
જિલ્લામાં મંત્રીઓને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના
સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવાઝોડાની આગાહીના પગલે સરકાર દ્વારા NDRFની ટીમોની ફાળવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લામાં મંત્રીઓને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. જેમાં મંત્રીઓ વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી તમામ રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરશે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા તેમજ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ અને સ્થળાંતરની જરૂરિયાત જણાય તો તે અને ફૂડ પેકેટ સહિતની તૈયારીઓ અંગે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.
રાજ્યના અનેક જિલ્લાના ગામોમાં એલર્ટ
વાવાઝોડાના પગલે રાજ્યમાં કચ્છના 123, વલસાડના 84, સુરતના 39, ભરૂચના 30 અને ચરોતરના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કાંઠા વિસ્તારમાં ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવાને લઇને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.