તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યાયની માંગ:કોરોનાકાળમાં ઇન્શ્યોરન્સ કંપનીઓની મનમાની સામે ફરિયાદો વધી, અમુક કિસ્સામાં ક્લેમના માત્ર 10 ટકા રકમ પાસ કરાય છે

અમદાવાદ8 દિવસ પહેલા
ગ્રાહક કોર્ટની ફાઈલ તસવીર
  • ઇન્શ્યોરન્સ ક્લેમમાં રકમ ન મળતા કન્ઝ્યુમર કોર્ટમાં લોકો નો ધસારો વધ્યો
  • સરકારના આદેશથી વધારે ચાર્જ વસૂલાતા અને દર્દીએ ઘરે સારવાર લીધી હોવાથી ક્લેમ પાસ થતો નથી.

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારી ચાલી રહી છે. કોરોનાની પહેલી અને બીજી લહેર ખુબ જ ભયાવહ સાબિત થઈ છે. રાજ્યની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, અને સારવાર માટેના ઇન્જેક્શન પણ ખૂટી પડ્યા હતા. જોકે આ મહામારીમાં ઘણા લોકોએ પોતાના સ્વજનોના જીવ ગુમાવ્યા છે. કેટલાક લોકોએ ઘરનો મોભી તો કેટલાક બાળકો એ પોતાના માતાપિતાને પણ ગુમાવ્યા છે. આવી પરિસ્થિતિમાં તેઓના સ્વજનોના જીવ ગુમાવ્યા બાદ પણ તેઓને હેરાન કરવામાં લોકો કસર નથી મુકતા. હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈને આવેલા દર્દીઓને પણ ઘણી સમસ્યાઓ થઈ રહી છે કોરોનામાં હોસ્પિટલ બાદ હવે ઈન્શ્યોરન્સ કંપનીઓએ લોકોને ધક્કે લગાડી દીધા છે.

ઇન્શ્યોરન્સ કંપનીઓ અમુક કિસ્સામાં 10 ટકા ક્લેઇમ પાસ કરે છે
કેટલાક લોકોના ક્લેમ પાસ નથી થતા તો કેટલાક લોકોને માત્ર ક્લેમની 10 ટકા જ રકમ પાસ કરવામાં આવે છે. જેથી લોકોને પોતાના ઇન્સ્યોરન્સનો કલેમ મેળવવા હવે કોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા છે. લોકડાઉન બાદ લોકો એ અનેક ફરિયાદો ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ કરી છે. લોકો ઇન્સ્યોરન્સ કંપની સામે કેસ કરવા માટે વકીલો સાથે સલાહ લેવા પણ મોટી સંખ્યામાં આવે છે.

સિનિયર એડવોકેટ પ્રવીણ પટેલની તસવીર
સિનિયર એડવોકેટ પ્રવીણ પટેલની તસવીર

લોકોને આગળ આવીને ફરિયાદ કરવા અપીલ
સિનિયર એડવોકેટ પ્રવીણ પટેલે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોરોના બાદ ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ અનેક ફરિયાદો આવી રહી છે. લોકો પોતાના હકનું વળતર મેળવવા માટે કોર્ટના દ્વારે આવે છે. પરંતુ આ મહામારી તેઓની આર્થિક પરિસ્થિતિ ઓછી હોવાથી તેઓ ઘણીવાર કેસ પણ કરતા નથી. જોકે આ કેસોમાં મોટાભાગે હોસ્પિટલે સરકારના નિયમો કરતા વધુ ચાર્જ વસુલે છે એટ્લે અને અમુક કિસ્સામાં દર્દીને હોમાઇસોલેશનમાં હોય તેવા કિસ્સામાં ક્લેમ પાસ નથી કરતા. મારી અપીલ છે કે કોઈની જોડે આવો બનાવ બને તો તેઓ એ સલાહ લઈને કોર્ટમાં લડવું જોઈએ.

હાઇકોર્ટને નક્કી કરેલા ચાર્જ કરતા વધુ ચાર્જ હોસ્પિટલોએ વસૂલ્યા
મહામારી ને ધ્યાનમાં રાખી ને હાઇકોર્ટ માં સુઓમોટો દાખલ કરવામાં આવી અને તેમાં રાજ્યની તમામ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે વસુલ કરવામાં આવતા ચાર્જ પર નિયંત્રણ લાદવામાં આવ્યો. જેમાં કેટેગરી પ્રમાણે અમુક રકમ સુધી જ ચાર્જ વસૂલવા માટે એક આદેશ જાહેર કર્યો. કોર્પોરેશને પણ એ અંગેનું સર્ક્યુલર બહાર પાડ્યું હતું. છતાં કેટલીક હોસ્પિટલમાં તે રકમ કરતા વધારે ચાર્જ વસૂલે છે. જ્યારે કોઈ વ્યક્તિ બીલનો ઇન્સ્યોરન્સ કંપનીમાં ક્લેમ કરે છે ત્યારે તેને આ બીલ મુજબ નહીં પરંતુ તેને હાઈકોર્ટેના આદેશ મુજબ નક્કી કરાયેલ ચાર્જીસ મુજબ વળતર ચૂકવાય એટલે આમાં તો એ વ્યક્તિને બંને તરફથી છેતરપિંડી થઈ રહી હોય એમ લાગી રહ્યું છે. કન્ઝ્યુમર કોર્ટમાં છેલ્લા 11 મહિનામાં કોરોનાને લગતા 800થી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...