તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત વિધાનસભામાં કાયદો પસાર કરીને બનાવાયેલી બહુચર્ચિત ફી રેગ્યુલેટરી કમિટી (સ્કૂલ્સ) અમદાવાદ ઝોનના ચેરમેન તરીકે હાઇકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ કે. એ. પૂજની નિમણૂક ગેરકાયદે હોવાનું બહાર આવ્યું છે. દિવ્ય ભાસ્કરને મળેલી માહિતી મુજબ, આ કમિટીના ચેરમેન કે સભ્યની ઉંમર 65 વર્ષથી વધુ ન હોવી જોઇએ, જ્યારે જસ્ટિસ પૂજની હાલની ઉંમર 71 વર્ષને પાર કરી ગઈ છે.
ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ્ડ સ્કૂલ્સ (રેગ્યુલેશન ઓફ ફીસ) એક્ટ, 2017ના ચેપ્ટર-2માં કમિટીની નિમણૂક બાબતે ચેરપર્સન અને સભ્યોની ઉંમર બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે ચેરમેન અને સભ્યોની ઉંમર 65 વર્ષથી વધુ ન હોવી જોઇએ અને તેમની નિમણૂક ત્રણ વર્ષે થવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, 2017માં ફી નિયમન કાયદો પસાર થયા પછી જસ્ટિસ કે. એ. પૂજની અમદાવાદ ઝોનનાં ચેરમેન તરીકે બે વખત નિમણૂક થઇ છે. ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટ મુજબ તેમની જન્મતારીખ 2 મે, 1949 છે. જેથી તેમની પ્રથમ નિમણૂક 2017માં થઇ ત્યારે પણ તેઓ 67 વર્ષ પાર કરી ગયા હતાં. સપ્ટેમ્બર 2020માં તેમની પ્રથમ ટર્મ પૂરી થયા બાદ બીજી વખત તેમને નિમણૂક અપાઇ હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલનાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા છે. જેઓ સરકારમાં કાયદા મંત્રીનો હવાલો પણ સંભાળી રહ્યા છે.
અમદાવાદ ઝોનના 10 જિલ્લાની ફી ચેરમેન દ્વારા નક્કી થાય છે
કાયદા મુજબ ગુજરાતમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો માટેની ફી રેગ્યુલટરી કમિટી (FRC)ઓ વિવિધ ચાર ઝોનમાં બનાવાઇ છે. જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ઝોનનો સમાવેશ થાય છે. જસ્ટિસ પૂજ અમદાવાદ ઝોનનાં ચેરમેન છે. અમદાવાદ ઝોનની કમિટીમાં 10 જિલ્લાનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદ શહેર, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ (રુરલ), ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, બોટાદ અને કચ્છનો સમાવેશ થાય છે.
પ્રતિષ્ઠિત સ્કૂલોનું ફી નિર્ધારણ
અમદાવાદ ઝોન દ્વારા પ્રતિષ્ઠિત સ્કૂલોની ફીનું નિર્ધારણ થયું છે. પ્રતિષ્ઠિત સ્કૂલોએ ગેરકાયદે ઉઘરાવેલી ફી આ કમિટીએ પરત કરાવી છે. ત્યારે પ્રશ્ન એ છે કે જો જસ્ટિસ પૂજની નિમણૂક કાયદા મુજબ ન હોય તો તેમના નિર્ણયની કાયદેસરતા કેટલી?
પૂજની વિવિધ નિમણૂકો
જસ્ટિસ પૂજનાં અનુભવને કારણે અત્યાર સુધી ઘણા કેસમાં નિમણૂક થઈ છે. જેમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલનાં આગનો મામલો, પાટીદાર આંદોલન તપાસ પંચમાં, રાજકોટમાં ઉદય કોવિડ હોસ્પિટલ મામલે તેમની નિમણૂક થઇ હતી.
FRCની સાઇટ બંધ
દિવ્ય ભાસ્કરે થોડા દિવસ પહેલાં જ સ્કૂલ ફી નિર્ધારણ સમિતિની વેબસાઇટ Frcgujarat.orgમાંથી ગુજરાત સરકાર ગેઝેટમાં 12 એપ્રિલ, 2017નાં રોજ પ્રકાશિત કાયદાની કોપી મેળવી હતી. જોકે હાલમાં આ વેબસાઇટ બંધ છે.
એકાદ દિવસમાં ઉકેલ આવી જશે
શિક્ષણ અને કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ મુદ્દે પ્રક્રિયા ચાલુ છે અને એકાદ દિવસમાં ઉકેલ આવી જશે.
હું કોઇ પણ કોમેન્ટ નહીં આપી શકું
પ્રાઇમરી-સેકન્ડરી એજ્યુકેશનના સેક્રેટરી ડૉ. વિનોદ રાવે જણાવ્યું હતું કે, આ બાબતે વિભાગમાં ઇન્ટર્નલ ડિસ્કશન ચાલી રહ્યું છે અને લીગલ રેફરન્સ લેવાઇ રહ્યો છે. જેથી હું કોઇ પણ કોમેન્ટ નહીં આપી શકું.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.