કોરોનાની બીજી લહેરમાં સરકારે 25 ટકા ફી માફી આપી હતી અને પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા શૈક્ષણિક વર્ષ 2021 - 22માં પણ 25 ટકા ફી માફીની મૌખિક જાહેરાત કરી હતી, પરંતુ તેનો લાભ વાલીઓને મળ્યો નહીં. હવે સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે તો સરકારે વાલીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ એવી વાલી મંડળે માંગ કરી હતી. હવે વાલીમંડળે આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી છે. આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.
વાલી મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો હતો
એક સપ્તાહ પહેલાં જ ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાને કારણે બાળકોનો અભ્યાસ સંપૂર્ણ પૂરો ન થતા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સરકારે જાહેર કર્યું છે ત્યારે બાળકો સ્કૂલોમાં ભણ્યા નથી અને મોટા ભાગે સ્કૂલે ગયા નથી. ગુજરાત સરકારે 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી ત્યારે માસ પ્રમોશનની જેમ 25 ટકા ફી માફી આપવી જોઈએ. ગુજરાતમાં સ્કૂલો 9 મહિના સંપૂર્ણ બંધ રહી હતી અને સ્કૂલોને કોઈ પણ પ્રકારના ખર્ચ થયા નથી. જેથી માસ પ્રમોશનની જેમ ફી માફીનો અમલ પણ સરકાર કરાવે.શિક્ષણમંત્રી આ અંગે પગલાં નહીં લે તો વાલીમંડળ હાઈકોર્ટમાં જશે. ત્યારે હવે વાલીમંડળે હાઈકોર્ટમાં અરજી કરી છે.
ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી
વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઇ વર્ષ 2022-23માં લેવાયેલી વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગબઢતી આપવા અંગેના તા.21/09/2019ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ પૂરતો મુલતવી રાખવામાં આવશે.આ નિર્ણયને કારણે ધોરણ 1થી 8ના વિધાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે.પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્વિતીય સત્રાંત(વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઇ હોવાથી પરીક્ષાના પરિણામની અસર વિદ્યાર્થીઓની વર્ગબઢતી પર લાગૂ કરવાની રહેશે નહીં.
અંદાજે 12.50 લાખ વિદ્યાર્થીને ચાલુ શૈક્ષણિક વર્ષમાં નાપાસ નહીં થાય
રાજ્યભરના ધોરણ-5 અને 8ના અંદાજે 12.50 લાખ વિદ્યાર્થીને ચાલુ શૈક્ષણિક વર્ષમાં નાપાસ કરવામાં આવશે નહીં. આથી ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીઓને પાસ કે નાપાસ કરવાના શિક્ષણ વિભાગના ગત વર્ષ-2020ના આદેશની અમલવારી થઇ શકશે નહીં. આથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં વાર્ષિક પરિણામ તૈયાર કરતી વખતે ગત વર્ષ-2020ના આદેશની અમલવારી કરવી કે નહી તેની મૂંઝવણ દૂર થઇ છે. રાજ્યભરના ધોરણ-1થી 8ના કુલ-5125905 વિદ્યાર્થીઓમાંથી જેને વાર્ષિક પરીક્ષા આપી હશે તેવા વિદ્યાર્થીઓને નાપાસ કરાશે નહી. જોકે ધોરણ-1થી 8ના 51.25 લાખ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા શનિવારે પૂર્ણ થતાં ઉનાળું વેકેશનનો પ્રારંભ થયો છે.
પ્રથમ પરીક્ષા નહીં લેવાઈ હોવાથી તેના 40 ગુણ ગણતરીમાં નહીં લેવાય
રાજ્યની પ્રાથમિક શાળામાં ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે કે નહી તેમ પૂછતા રાજ્યના શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું છે કે કોરોનાના કારણે શૈક્ષણિક વર્ષના છથી સાત માસ બંધ રહ્યા હોવાથી ચાલુ વર્ષે ધોરણ-5 અને 8ના વિદ્યાર્થીઓના નાપાસ કરાશે નહીં. કોરોનાની મહામારીને કારણે પ્રથમ શૈક્ષણિક સત્રમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું હતું. આથી વાર્ષિક પરિણામ તૈયાર કરવામાં 200ને બદલે માત્ર 160 ગુણમાંથી મૂલ્યાંકન કરીને પરિણામ તૈયાર કરવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. કેમ કે પ્રથમ શૈક્ષણિક સત્રમાં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવામાં આવી નહી હોવાથી તેના 40 ગુણ ગણતરીમાં લેવાના રહેશે નહી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.