કોરોનાકાળમાં શાળા-કોલેજ ઘણા લાંબા સમય સુધી બંધ રહી હતી. સાથે લોકોના ધંધા-રોજગાર પણ ઠપ થઈ ગયા છે. ત્યારે આજે હાઈકોર્ટેમાં ફી મુદ્દે થયેલી અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં લોકડાઉનના સમયમાં લોકોને પડેલી આર્થિક હાલાકીને ધ્યાને લઈ શાળાઓની જેમ કોલેજ ફીમાં પણ ઘટાડાની માગણી કરાઈ હતી.
કોલેજ ફીમાં રાહત માટે સુનાવણી
કોરોના મહામારીના કારણે દરેક વ્યક્તિ આર્થિક રીતે પડી ભાગ્યો છે. જોકે શાળાઓમાં ફી ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આવી જ રીતે કોલેજમાં પણ ફી ઘટાડવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સોમવારે આ અરજી પણ સુનાવણી થઈ હતી. અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે, જો કોરોના મહામારીને કારણે સ્કૂલો ફી ઘટાડી શકે છે, તો કોલેજોમાં પણ ફી ઘટાડી શકાય અને સરકાર ફીના મુદ્દે સ્કૂલ અને કોલેજ માટે અલગ અલગ ધોરણો રાખી શકે નહીં.
હાઈકોર્ટે શુક્રવાર સુધીમાં જવાબ માગ્યો
આ મુદ્દે એડવોકેટ જનરલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ફી મુદ્દે બનાવાયેલી કમિટીઓએ 10 ટકા ફી ઘટાડો સૂચવ્યો છે અને રાજ્ય સરકાર આ મુદ્દે નિર્ણય લેશે. વધુ ફી ઘટાડા અંગે જો કોર્ટ ઓર્ડર કરે તો સરકાર એ મુજબ વર્તશે. હાઈકોર્ટે બંને પક્ષની રજૂઆતો સાંભળી શુક્રવાર સુધીમાં રાજ્ય સરકાર શું નિર્ણય લેવા માગે છે. તે અંગે કોર્ટને જાણ કરવામાં આવે તેવો આદેશ આપ્યો હતો.
પાછલા વર્ષે સ્કૂલ ફીમાં અપાઈ હતી રાહત
આ પહેલા પાછલા વર્ષે રાજ્યના શિક્ષણ વિભાગે સ્વનિર્ભર શાળઓએ ફીમાં 25 ટકાની રાહત આપતો પરિપત્ર જારી કર્યો હતો. સરકારના આ પરિપત્રમાં સંચાલકોની શરતનો છેદ ઉડાડી દીધો હતો. તેમાં કહેવાયું હતું કે, ટયૂશન ફીમાં 75 ટકા બાદ આપ્યા પછી વાલી શૈક્ષણિક વર્ષ 2020-21ની ફી દર મહિને હપ્તે કે એક સાથે વર્ષમાં ગમે ત્યારે ભરી શકશે. જોકે, આર્થિક સ્થિતિ ખરાબ હોય તેવા વાલી મોડી ફી ભરવા માગતા હોય તો તેમણે કારણ દર્શાવતી રજૂઆત સ્કૂલમાં કરવાની રહેશે, પણ સ્કૂલ લેઇટ ફી ચાર્જ વસૂલી શકશે નહીં અને કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરી શકશે નહીં. વાલીઓ તેમની અનુકૂળતાએ માસિક કે એક સાથે ફી ભરી શકશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.