ICAIનો પદવીદાન સમારંભ:ભારતની ઈકોનોમીને પાંચ ટ્રિલિયન ડોલરની બનાવવા નવા CAને ઉત્તમ યોગદાન આપવા અપીલ: ડો. કિરીટ સોલંકી

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચ દ્વારા જીએમડીસી કન્વેશન સેન્ટર ખાતે 2022માં લેવાયેલી સીએ ફાઈનલની પરીક્ષામાં પાસ થયેલા નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકી, આઈસીએઆઈના વાઈસ પ્રેસીડેન્ટ સીએ અનિકેત તલાટી, સેન્ટ્રલ કાઉન્સીલ મેમ્બર સીએ પુરુષોત્તમ ખંડેલવાલ, સીએ વિશાલ દોશી, અમદાવાદ બ્રાન્ચના ચેરપર્સન સીએ બીશન શાહ, સેક્રેટરી સીએ નીરવ અગ્રવાલ અને સીએ ફાઈનલની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા 1000થી વધુ સીએ તેમના વાલીઓ સાથે હાજર રહ્યા હતા.

'5 ટ્રિલીયનની ઈકોનોમી બનાવવા યોગદાન આપો'
અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે દેશના અર્થતંત્રને વેગવંતુ રાખવામાં સીએ મહત્વનો ભાગ ભજવે છે. સીએની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને પદવી એનાયત કરતાં એક પ્રોફેશનલ તરીકે ગર્વની લાગણી અનુભવી રહ્યો છું. બધાં જ પ્રોફેશનલ કોર્સમાં જો કોઈ પ્રોફેશનલ કોર્સની પરીક્ષા અઘરી લાગતી હોય તો તે સીએની પરીક્ષા છે. તેમાં ઉતીર્ણ થયા છો એટલે આપને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. તેને સાર્થક કરવા અને ભારતની ઈકોનોમીને પાંચ ટ્રિલીયન ડોલરની ઈકોનોમી બનાવવા નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ઉત્તમ યોગદાન આપવાની તેમણે અપીલ કરી હતી.

'તમારી પ્રથમ સાઈન RBI ગર્વનરની સાઈનનો અનુભવ કરાવશે'
આઈસીએઆઈના વાઈસ પ્રેસીડેન્ટ સીએ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, સીએ તરીકેની તમારી પ્રથમ સાઈન તમને આરબીઆઈના ગર્વનરે કરન્સી ઉપર કરેલી સાઈનનો અનુભવ કરાવશે. તેમણે નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને શીખ આપતાં જણાવ્યું હતું કે, આજે આપણે એક નિયમ લઈએ કે કલાયન્ટને ક્યારેય ખોટું માર્ગદર્શન કે સલાહ નહી આપીએ અને હાર્ડવર્ક સાથે ટાઈમ મેનેજમેન્ટ કરી સમાજ ઉપયોગી કાર્ય કરી ગતિશીલ રાષ્ટ્રને પાંચ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી બનાવીએ.

G20ના સફળ સંચાલનમાં સીએનો રોલ મહત્ત્વપૂર્ણ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સીએ પરીક્ષામાં ઉતીર્ણ થયેલા ગુજરાતના 1000થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જે શહેરમાંથી આવે છે ત્યાં આઈસીએઆઈના ધ્વજને ઊંચો લઈ જવા અપીલ કરી હતી. આ વર્ષે જુલાઈ 2023માં આઈસીએઆઈની સ્થાપનાના 75 વર્ષ પૂરા થશે એટલે સીએ અમૃત મહોત્સવની ઉજવણીનો ભાગ બનવા અનુરોધ તેમણે કર્યો હતો. આ વર્ષે ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે, ત્યારે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે તેના સફળ સંચાલનમાં સીએનો રોલ ખૂબ જ અગત્યનો રહેશે.

'સીએની સાઈન વડાપ્રધાનની સાઈન જેટલી જ સશક્ત'
સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે દરેક સીએની સાઈન દેશના વડાપ્રધાનની સાઈન જેટલી જ સશક્ત હોય છે. દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દો મુજબ સીએની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા તમામ નવા સીએ દેશના ચોકીદાર છે. આપણા રાષ્ટ્રને આર્થિક રીતે સધ્ધર બનાવવા અને દેશના અર્થતંત્રને વિકાસશીલ બનાવવા ક્યારેય કોઈ શોર્ટકટનો ઉપયોગ નહીં કરવાનો. વૈશ્વિક પરિસ્થિતિનો સામનો કરવા અને દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપવા આપણે હંમેશા તત્પર રહેવાનું છે.

ગુજરાતના 1000 સહિત દેશમાં 14,500 CAને પદવી એનાયત
આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચના ચેરપર્સન બિશન શાહે જણાવ્યું હતું કે, પ્રોફેશનલ કોર્સમાં સૌથી અધરી પરીક્ષા સીએ પ્રોફેશનલની હોય છે. તેમાં ઉતીર્ણ થયેલાનવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે માતૃભૂમિનું સન્માન અને સમાજ ઉપયોગી કાર્ય કરવા હંમેશા તત્પર રહેવાનું છે. ગુજરાતમાં સરકાર દ્વારા ગીફ્ટ આઈએફએસસી, સ્ટાર્ટઅપ ઈકોનોમી સિસ્ટમ અને ભારતને પાંચ ટ્રિલીયન ડોલરની ઈકોનોમી બનાવવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે ઘણી જ મોટી પ્રોફેશનલ તક છે. આજે દેશના 13 કેન્દ્રો પર સીએ પદવીદાન સમારંભ યોજાયા છે. જેમાં ગુજરાતના 1000 સહિત દેશભરમાંથી 14,500થી વધુ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને પદવી એનાયત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...