ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઝેરનું મારણ ઝેર - બરવાળા લઠ્ઠાકાંડમાં બચી ગયેલાને જીવતા રાખવા આલ્કોહોલ ચડાવવો પડ્યો!

અમદાવાદ22 દિવસ પહેલાલેખક: ઝાહીદ કુરેશી, અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
રોજીદ ગામના સ્મશાનમાં એટલી જગ્યા બચી ન હતી કે એકસાથે તમામ નવ મૃતદેહની અંતિમવિધિ કરી શકાય. - Divya Bhaskar
રોજીદ ગામના સ્મશાનમાં એટલી જગ્યા બચી ન હતી કે એકસાથે તમામ નવ મૃતદેહની અંતિમવિધિ કરી શકાય.
  • લઠ્ઠાકાંડમાં ક્રાઇમ બ્રાંચે 2ની ધરપકડ કરી

ધંધુકા, બરવાળાના રોજીદ, ચોકડી, આકરું, ઊંચડી, અણિયાળી, ચંદરવા, ખરડ, પોલારપુર, ભીમનાથ સહિતનાં 15 ગામોમાં લઠ્ઠાકાંડે વિનાશ વેર્યો છે, જેમાં સૌથી વધુ રોજીદ ગામનાં 9 લોકોનાં લઠ્ઠો પીવાથી મોત થયાં છે, જેમાં મોટા ભાગના 20થી 25 વર્ષના હતા. આ ગામના એક જ પરિવારનાં ત્રણ લોકોનાં લઠ્ઠો પીવાથી મોત થયાં છે, જ્યારે બેની હાલત ગંભીર છે. એક પછી એક મોતને પગલે સ્થિતિ એવી હતી કે, લોકો મરતા ગયા, અરથીઓ ઊપડતી રહી, પણ ડાઘુઓ એ જ રહ્યા. સ્મશાનોમાં જગ્યા ન મળતાં ખેતરો અને મેદાનોમાં અંતિમ સંસ્કાર કરવા પડ્યા.

બરવાળામાં પણ સ્થિતિ ખરાબ હતી. એક જ એમ્બ્યુલન્સમાં ચારથી પાંચ દર્દીને લઈ જવા પડ્યા હતા. સીએચસી સેન્ટર પર લઠ્ઠાકાંડના દર્દીઓ ઉપરાછાપરી આવતાં તેમને પ્રાથમિક સારવાર આપીને ભાવનગર અને અમદાવાદની હોસ્પિટલોમાં ખસેડવા પડ્યા હતા. આસપાસના તાલુકાની મળીને એકસાથે 16 એમ્બ્યુલન્સ દોડાવવી પડી હતી. હોસ્પિટલોમાં પણ લઠ્ઠાકાંડમાં બચી ગયેલાને જીવાડવા શુદ્ધ આલ્કોહોલ (ઇથેનોલ) ચઢાવવો પડ્યો હતો.

અરથી બદલાતી રહી, ડાઘુઓ એના એ જ
ધંધુકા, રાણપુર, બરવાળાના રોજીદ, ચોકડી, આકરુ, ઊંચડી, અણિયાળી, ખરડ, ચંદરવા, પોલારપુર અને ભીમનાથ સહિતનાં 14 ગામમાં લઠ્ઠાકાંડે વિનાશ વેર્યો.

નવા ફ્લેટ માટે પૈસાની જરૂર હોવાથી જયેશે 600 લિટર મિથેનોલ વેચ્યું હતું
લઠ્ઠાકાંડમાં ક્રાઈમ બ્રાંચે જયેશ ખાવડિયા અને દિનેશ રાજપૂત નામની 2 વ્યક્તિની ધરપકડ કરી છે. મિથેનોલથી લઠ્ઠાકાંડ સર્જાશે તે આરોપી જયેશ જાણતો હોવા છતાં તેણે બુટલેગર એવા પિતરાઈ ભાઈને 600 લિટર મિથેનોલ વેચ્યું હતું, જેમાંથી 460 લિટર કબજે કરાયું છે. જયેશ પીપળજમાં સમીરભાઈની એમોસ કોર્પોરેશન કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર હતો. ચાંગોદરની ફિનાર કંપનીમાંથી 2 હજાર - 5 હજાર લિટરના કેરબામાં ભરી મિથેનોલ કેમિકલ સમીરભાઈની ફેક્ટરીમાં આવતો હતો. જયેશે 4 મહિનાથી ડ્રમમાંથી થોડું થોડું મિથેનોલ કાઢી 600 લિટર ભેગું કર્યું હતું. થોડા સમય પહેલાં પીપળજમાં 9 લાખમાં એક ફલેટ ખરીદ્યો હતો, જેથી પૈસાની જરૂર હોવાથી તેણે તેનાં ફોઈ કંચનબહેન કુમારખાણિયાના પુત્ર અને બુટલેગર સંજય કુમારખાણિયાને 40 હજારમાં 600 લિટર મિથેનોલ વેચ્યું હતું. 22 જુલાઈએ સાંજે જયેશ તેના મિત્ર ગોપાલ ભરવાડની રિક્ષામાં દિનેશ સાથે સંજયને મિથેનોલ આપવા ગયો હતો.

રોજીદ ગામમાં એક પરિવારનાં 3 સહિત 9નાં મોત, 2 ગંભીર
રોજીદમાં લઠ્ઠો પીવાથી સૌથી વધુ 9નાં મોત થયાં છે, જેમાં એક જ પરિવારનાં 3 છે. ગામના એક પરિવારમાં સામાજિક પ્રસંગ હોવાથી મહેમાનો આવ્યા હતા. બનાવની રાતે મહેમાનો સાથે ગામના લોકોએ દારૂ પીધો હતો. મૃતકોમાં સૌથી વધુ 20થી 25 વર્ષની વયના હતા.

આકરુમાં દફન કરેલો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
આકરુ ગામમાં દફન કરવામાં આવેલો મૃતદેહ શંકાસ્પદ જણાયો હતો. આથી પોસ્ટમોર્ટમ માટે બહાર કાઢવામાં આવ્યો હતો. આકરુ ગામમાં પણ લઠ્ઠો પીવાથી ઘણાને દાખલ કરવામાં આવ્યા હતા. જોકે પીએમ બાદ મૃતદેહ પરિવારને સોંપી દેવાયો હતો.

દારૂ ગળાયો તે ચોકડી ગામમાં એકેય મોત કે દાખલ થયું નથી
સમગ્ર પંથકમાં ચોકડી ગામ ચર્ચામાં રહ્યું હતું, કારણ કે લોકો સ્પષ્ટ માનતા હતા કે, આ જ ગામમાં દારૂ ગાળવામાં આવ્યો હતો. જોકે આ ગામનું એક પણ દાખલ થયું નથી. સરપંચે તો સ્પષ્ટ કહ્યું કે, ગામમાં દારૂ બનતો નથી. સરપંચના ‘સબ સલામત હૈ’ના દાવા બાદ અમે ગામના અન્ય લોકો સાથે વાત કરી. ગામના લોકોએ કહ્યું કે, એક સમાજના 80 ટકા લોકો દારૂના ધંધામાં જ છે. ગામના લોકોને એટલા માટે કોઈ વાંધો નથી, કારણ કે જો આ લોકો દારૂનો વ્યવસાય ન કરે તો ગામમાં ચોરી કરે, તેનાથી ગામ લોકોને દારૂ ગાળે એ વધુ સારું લાગ્યું. હાલ આ સમાજના લોકોનાં ઘરે તાળાં છે.

એમ્બ્યુલન્સને કલાકે 10 કોલ, 20 મૂકી છતાં 1માં 5 લઈ જવાયા
બરવાળાના સીએચસી સેન્ટરમાં ઉપરાછાપરી લઠ્ઠાકાંડના દર્દીઓ આવવા લાગતા પ્રાથમિક સારવાર આપી ભાવનગર, અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવાના હતા. આથી આસપાસના તાલુકામાંથી મળી કુલ 16 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. જોકે કેટલાકનાં રસ્તામાં જ મોત નીપજ્યાં હતાં.

એક પછી એક ત્રણ અરથી આવતા ડાઘુ બદલાયા નહિ
મંગળવારે સવારે મૃતકોની લાશ પીએમમાંથી આવી ત્યારે તેમની અંતિમવિધિ માટે ડાઘુઓ એક પછી એક એમ ત્રણ લોકોને અંતિમવિધિ માટે લઈને ગયા હતા, આમ ત્રણ અંતિમયાત્રા નીકળી હતી પરંતુ ડાઘુઓ બદલાયા ન હતા.

પીધેલાને પોલીસ પકડવા નહિ પણ સારવાર માટે શોધતી રહી
પોલીસ રોજીદના સરપંચ અને અગ્રણીઓને જેણે પણ દારૂ પીધો હોય તેને સારવાર માટે લઈ જવા વિનંતી કરી રહી હતી. વૈય્યા ગામના એક યુવાને જણાવ્યું કે, અમને સવારે ખબર પડી ગઈ હતી કે, દારૂમાં પ્રોબ્લેમ છે, તેથી બપોર પછી દારૂ પીવાની ટેવ ધરાવતા લોકોએ દારૂ પીધો જ ન હતો.

અન્ય સમાચારો પણ છે...