છેલ્લા 10 દિવસથી શહેરમાં કફ, તાવ, ગળાનું ઈન્ફેક્શન, શરીરનો દુખાવો વગેરે જેવા ચિહ્નો સાથે લોકો બીમારી પડી રહ્યા છે. આ સ્થિતિમાં બીમાર વ્યક્તિએ એન્ટિબાયોકિટ દવા લેવાનું ટાળવું જોઈએ તેમ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યું છે. IMAના ડૉક્ટરોએ કહ્યું કે, આ કેસ વધવા પાછળ H3N2 ઈન્ફ્લુએન્ઝા વાઈરસ જવાબદાર છે.
આ વાઈરસનો ચેપ લાગ્યો હોય તેને ત્રણ દિવસમાં તાવ મટી જતો હોય છે જ્યારે કફ ત્રણ અઠવાડિયા બાદ મટે છે. દર વર્ષે ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન આ વાઈરસની સામાન્ય અસર જોવા મળતી જ હોય છે. ખાસ કરીને 15 વર્ષ કરતા નાની ઉંમર અને 50 વર્ષ કરતા મોટી ઉંમરના લોકોમાં આ વાઈરસનો ઝડપથી ચેપ લાગતો હોય છે. આવા દર્દીઓને એન્ટિબાયોટિક દવા આપવાના બદલે ચિહ્નો આધારિત દવા આપી સારવાર કરવી જોઈએ.
એન્ટિબાયોટિકનો દુરુપયોગ થાય છે
એન્ટિબાયોટિક દવાઓનો મોટાભાગે મિસયુઝ થઈ રહ્યો છે. 70 ટકા ડાયરિયાના કેસમાં એન્ટિબાયોટિક દવાની કોઈ જરૂર હોતી નથી તેમ છતાં ડૉક્ટર્સ તેને પ્રિસ્ક્રાઈબ કરતા હોય છે. તે અટકવું જરૂરી છે. ઝડપી સાજા થવા માટે લોકો એન્ટિબાયોટિક દવા તરફ વળ્યા છે, પણ આ દવા લેવામાં મોટું જોખમ રહેલું છે. કારણ કે, ખરેખર જ્યારે શરીરમાં મોટી બીમારી લાગુ થઈ હોય ત્યારે એન્ટિબાયોટિક દવાની અસર થતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.