15 દિવસમાં બીજી હત્યા:અમદાવાદમાં વધુ એક સિનિયર સિટિઝનની હત્યા, સાબરમતી વિસ્તારમાં હત્યારાએ ઘરમાં ઘૂસી વૃદ્ધનું ગળું કાપ્યું, લોહીનાં ખાબોચિયાં ભરાયાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને 62 વર્ષના દેવેન્દ્ર રાવત નામના સિનિયર સિટિઝનની લાશ લોહીમાં લથપથ મળી

અમદાવાદમાં વધુ એક સિનિયર સિટિઝનની હત્યા થઈ છે. સાબરમતી વિસ્તારમાં હત્યારાએ વૃદ્ધના ઘરમાં ઘૂસી ગળે છરી મારીને ક્રૂર હત્યા કરી છે. ત્યાર બાદ ઘરમાંથી સોનાની ચેન, મોબાઈલ તેમજ બાઈક પર ગાયબ થયાં છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી છે. પંદરેક દિવસ પહેલાં પણ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે શહેરમાં વધુ એક આવી ઘટના સામે આવતાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે.

પોલીસને મળી વૃદ્ધની લોહીમાં લથપથ લાશ
સાબરમતી વિસ્તારમાં આવેલા ઠાકોર વાસમાં રહેતા 62 વર્ષના દેવેન્દ્ર રાવત નામના સિનિયર સિટિઝનની લાશ લોહીમાં લથપથ પડી હતી. કોઈ અજાણી વ્યક્તિએ દેવેન્દ્રભાઈના ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારતાં તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં સાબરમતી પોલીસની ટીમ બનાવના સ્થળે પહોંચી હતી, જ્યાં તપાસ કરતાં દેવેન્દ્રભાઈના ઘરમાંથી મોબાઈલ, સોનાની ચેન અને બાઇકની ચોરી થઈ હતી. હાલ આ બનાવમાં પોલીસે લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની શકના આધારે તપાસ શરૂ કરી છે.

તસવીર વિચલિત કરી શકે છે.
તસવીર વિચલિત કરી શકે છે.

શું હતો ઘાટલોડિયા દંપતી મર્ડર કેસ
દિવાળીના બે દિવસ પહેલાં એટલે કે 2 નવેમ્બરના રોજ અમદાવાદના ઘાટલોડિયામાં સિનિયર સિટિઝનની લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. ઘાટલોડિયાના પારસમણિ એપાર્ટમેન્ટમાં દયાનંદ સુબરાવ અને તેમનાં પત્ની વિજયાલક્ષ્મી એકલા રહેતાં હતાં. ઘરમાં વૃદ્ધ દંપતી એકલું હતું ત્યારે અજાણ્યા શખસો ઘૂસી આવ્યા હતા, જેમણે લૂંટના ઇરાદે તેમના પર હુમલો કરી દીધો હતો. જેમાં વૃદ્ધ દંપતીનાં મોત નીપજ્યાં હતાં. આ બનાવની જાણ રહી રહીને થતાં પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. જોકે પોલીસ તપાસમાં લૂંટ ન થઈ હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ મર્ડર મિસ્ટ્રીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી હતી.

દયાનંદ શાનભાગ અને વિજ્યાલક્ષ્મીની હત્યા થઈ હતી.
દયાનંદ શાનભાગ અને વિજ્યાલક્ષ્મીની હત્યા થઈ હતી.

ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા બે આરોપી મુકુટ અને ઈમને પોલીસને જણાવ્યું હતું કે, હત્યાની રાત્રે તેઓ સોસાયટીમાં ફરી રહ્યા હતા. તેમને એવું હતું કે દિવાળીના તહેવારમાં કોઈ ઘર એવું મળી જશે, જ્યાં કિંમતી સામાન હશે. તેઓ જ્યારે વૃદ્ધ દંપતીના બ્લોક પાસે પહોંચ્યા ત્યારે ઉપરના માળે અવાજ આવતો હતો. થોડીવાર રહીને તેઓ એક ઘરમાં ઘૂસીને કીમતી વસ્તુઓ શોધી રહ્યા હતા. આ દરમિયાન વૃદ્ધ દંપતીએ અવાજ કરતાં જ તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યાર બાદ ભરચક વિસ્તાર હોવાથી તેઓ ડરતાં ડરતાં ત્યાંથી ભાગી ગયા હતાં. આરોપીઓનો મુખ્ય ઉદ્દેશ લૂંટનો હતો, પણ વૃદ્ધ દંપતી બૂમો પાડશે અને તેઓ પકડાઈ જશે એવા ડરથી હત્યાને અંજામ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...