કૌભાંડની તપાસ:બાળ તસ્કરીના રેકેટમાં વધુ એક દંપતી પકડાયું

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 લાખમાં ખરીદી હૈદરાબાદમાં 5 લાખમાં વેચવાનું હતું
  • અત્યાર સુધીમાં કુલ 16 આરોપીની ધરપકડ

બાળકોની તસ્કરી કરવાના આંતર રાજ્ય કૌભાંડની તપાસમાં ક્રાઇમ બ્રાંચે વધુ એક દંપતીની ધરપકડ કરી 15 જ દિવસના બાળકને બચાવી લીધંુ હતું. આ દંપતી હિંમતનગરથી 2.10 લાખમાં બાળક ખરીદીને લાવ્યું હતું અને હૈદરાબાદની મહિલાને 5 લાખમાં આ બાળક વેચવાનું હતું. ગોમતીપુરમાંથી 6 મહિના પહેલાં થયેલા બાળકના અપહરણ બાદ આ દંપતી સાથે પોલીસે આ રેકેટમાં સામેલ 16ની ધરપકડ કરી 3 બાળકને તેમના શકંજામાંથી બચાવી લીધા છે. ક્રાઈમ બ્રાંચે રવિવારે એસપી રિંગ રોડ પર આવેલા અણાસણ રેલવે ક્રોસિંગ પાસેથી બિપીન ઉર્ફે બંટી વિલાસ બાબુરાવ શિરસાઠ અને મોનિકા (થાણે)ને એક બાળક સાથે ઝડપી લીધા હતા. બંને પાસેના બાળકને જોઈને શંકા જતા પોલીસે બંનેની પૂછપરછ કરી હતી, જેમાં તે બંને હિંમતનગર પાસેથી રેશ્માભાઈ રાઠોડ નામના માણસ પાસેથી 2.10 લાખમાં આ બાળક ખરીદીને લાવ્યા હતા અને રૂ.5 લાખમાં હૈદરાબાદમાં રેહતી ઉમા બોમ્માડાને વેચવાનું હોવાનું જાણવા મળ્યું હતું. આ બાળક હૈદરાબાદ પહોંચે તે પહેલાં જ પોલીસે બાળકને બચાવી લઈ દંપતીને ઝડપી લીધું હતું.

માનવ તસ્કરીમાં 3ને 10 દિવસના રિમાન્ડ
માનવ તસ્કરીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી પકડેલા આરોપી બિપીન શિરશાઠ અને મોનિકા શ્રોતીને એડિ. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમ.વી.ચૌહાણે 10 દિવસના રિમાન્ડ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે.

બિપીન 2 વર્ષ પહેલાં મહારાષ્ટ્રમાં પકડાયો હતો

પોલીસે બિપીનની સધન પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે છેલ્લા 4થી 5 વર્ષથી બાળ તસ્કરી રેકેટ સાથે સંકળાયેલો છે. અગાઉ 2020ના ડિસેમ્બર મહિનામાં મહારાષ્ટ્ર માવલની પોલીસ સ્ટેશનમાં બાળ તસ્કરીના ગુનામાં પકડાયો હતો. ત્યારબાદ પણ તેણે આ કામ બંધ કર્યું ન હતું.

મુંબઈ-હૈદરાબાદના અન્ય 5ની સંડોવણી

બાળ તસ્કરીના આંતરરાજ્ય કૌભાંડમાં મુંબઈ-હૈદરાબાદના 4થી 5 માણસોની સંડોવણી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, જેથી ક્રાઈમ બ્રાંચની જુદી-જુદી ટીમો મુંબઈ અને હૈદરાબાદ જવા રવાના થઈ છે.

ચોકલેટ અને લોલીપોપ કોડવર્ડ રાખ્યો હતો

આ ટોળકી મોબાઈલમાં વાત કરી વખતે કે મેસેજ કરતી વખતે બાળક કે બાળકી નામના શબ્દનો પ્રયોગ કરતા ન હતા, પરંતુ બાળક હોય તો તેના માટે લોલીપોપ શબ્દ અને બાળકી હોય તો ચોલકેટ કોડવર્ડ વાપરતા હતા.

મુંબઈથી 15 દિવસ પહેલા દંપતી પકડાયું હતંુ
મુંબઈ રેલવે પોલીસે 15 દિવસ પહેલાં એક દંપતીને શંકાસ્પદ બાળક સાથે પકડ્યું હતું. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેમણે હિંમતનગરની બે વ્યક્તિએ કાલુપુર રેલવેે સ્ટેશન સામેથી આ બાળક આંધ્રપ્રદેશ મોકલવા માટે આપ્યું હતંુ.

અન્ય સમાચારો પણ છે...