શનિવારે એસજીએસટી ડિપાર્ટમેન્ટે એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચના સયુક્ત ઓપરેશનમાં રાજ્યમાં 205 જગ્યાએ દરોડા પાડ્યા હતા. જેમાં વધુ 85 વેપારીઓની પૂછપરછ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જે પેઢીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે તે જ પેઢીઓના ત્યાં અગાઉ એસજીએસટી ડિપાર્ટમેન્ટે તપાસ કરી હતી.
એસજીએસટીએ છેલ્લા 2 દિવસમાં જે 205 પેઢીઓ પર દરોડા પાડ્યા છે તે જ પેઢીઓ ઉપર ચાલુ વર્ષે પણ તપાસ કરવામાં આવી હતી. અમદાવાદની એસજીએસટીની ઓફિસમાં રવિવારે પણ ચોથા અને પાંચમાં માળે મીટિંગનો દોર ચાલુ રહ્યો હતો અને અધિકારીઓ હાજર રહ્યાં હતા. કેટલાક અધિકારીઓ ચૂંટણીલક્ષી તાલીમમાં ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
જ્યારે બાકીના અધિકારીઓ દરોડાની કામગીરીમાં બીજા દિવસે વ્યસ્ત રહ્યાં હતા. બીજા દિવસે પણ 115 પેઢીઓમાં તપાસની કામગીરી ચાલુ રહી હતી અને તેઓને ત્યાંથી હવાલાના વ્યવહારો મળ્યા હતા. આ પેઢીઓના 90 લોકોની શનિવારે પૂછપરછ હાથ ધરાઈ હતી જ્યારે રવિવારે બીજા 85 લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જો આ કૌભાંડની તટસ્થ તપાસ અન્ય એજન્સી દ્વારા કરવામાં આવે તો તેમાં સામેલ લોકોને બહાર લાવી શકાય તેવી માગ થઇ રહી છે.
કરોડોના વ્યવહારો મળવાની આશંકા
તપાસ દરમિયાન અધિકારીઓને મળેલા વ્યવહારોનો ડિજિટલ ડેટા લેવાની કામગીરી બીજા દિવસે ચાલી રહી છે. મળેલા ડેટાના પૃથ્થકરણ કરવામાં આવે તો તેમાં કરોડો રૂપિયાના વ્યવહારો મળે તેવી શકયતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.