મહત્વની જાહેરાત:ખેડૂતને 60 ટકાથી વધારે નુકસાન હશે તો હેક્ટરદીઠ 25 હજારની સહાય, રાજ્ય સરકારે કિસાન સહાય યોજના જાહેર કરી

ગાંધીનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ યોજનામાં દુકાળ, અતિવૃષ્ટિ અને માવઠાંને આવરી લેવામાં આવ્યા
  • 33થી 60 ટકા સુધી નુકસાન થયું હશે તો હેક્ટર દીઠ 20 હજાર રૂપિયા ચૂકવાશે

રાજ્ય સરકાર દ્વારા આજે ખેડૂતલક્ષી મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કિસાન સહાય યોજના જાહેર કરી છે. આ યોજનાનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને મળશે. યોજના ખરીફ પાક પૂરતી હશે અને જે 4 હેક્ટર સુધી લાગુ પડશે. આ યોજનામાં દુકાળ, અતિવૃષ્ટિ અને માવઠાંને આવરી લેવામાં આવ્યો છે. 33 ટકાથી 60 ટકા સુધીનું નુકસાન થયું હશે તો હેક્ટર દીઠ 20 હજાર રૂપિયા અને 60 ટકાથી વધુ નુકસાન હશે તો 25 હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે.

યોજનાના સહાયના ધોરણો
>> ખરીફ ઋતુમાં થયેલા પાક નુકસાન 33 % થી 60 % માટે રૂ. 20 હજાર પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.
>> ખરીફ ઋતુમાં થયેલા પાક નુકસાન 60 % થી વધુ નુકશાન માટે રૂ. 25 હજાર પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.

આ યોજનાની અન્ય અગત્યની જોગવાઈઓ
>> આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસડીઆરએફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે.
>> ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા માટે લેન્ડ રેકોર્ડ સાથે તથા સી.એમ. ડેશબોર્ડ સાથે જોડાણ ધરાવતું PORTAL તૈયાર કરાવવાનું રહેશે.
>> લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઈ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
>> મંજુર થયેલ સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે.
>> લાભાર્થી ખેડુતોનાં પ્રશ્નો નાં ઉકેલ માટે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમની વ્યવસ્થા ખાસ ઉભી કરવામાં આવશે.
>> ગ્રામ કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર ઓન લાઇન અરજી કરવા માટે ખેડૂતોને અરજી કરવામાં સહાયરૂપ થવા ઇ ગ્રામ સેન્ટરના VLE ને એક સફળ અરજી દીઠ રૂ.8 નું મહેનતાણું ચુકવાશે.
>> ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

યોજના હેઠળ આવરી લેવામાં આવેલા જોખમો
અનાવૃષ્ટિ (દુષ્કાળ)

જે તાલુકામાં ચાલુ સિઝનનો 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય અથવા રાજ્યમાં ચોમાસું શરૂ થાય ત્યાંથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (28 દિવસ) વરસાદ પડ્યો ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકસાન થયો હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ)નું જોખમ ગણવામાં આવશે.

અતિવૃષ્ટિ
તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે 48 કલાકમાં 35 ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં 48 કલાકમાં 25 ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલો હોય અને ખેતીના વાવેતર કરેલા ઊભા પાકમાં થયેલ નુકસાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે.

કમોસમી વરસાદ (માવઠું)
15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ 48 કલાકમાં 50mmથી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું)નું જોખમ ગણવામાં આવશે.

56 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને આ યોજનાનો સીધો લાભ મળશેઃ મંત્રી જયેશ રાદડિયા
કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે. પાકવીમા પદ્ધતિમાં ઘણી મુશ્કેલીઓનો સામનો ખેડૂતોએ કરવો પડતો હતો. 56 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને આ યોજનાનો સીધો લાભ મળશે.