અમદાવાદ શહેરમાં ભાજપના કાઉન્સિલરો અને સંગઠન વચ્ચે આંતરિક લડાઈ તેમજ અસંતોષ હવે ધીરે ધીરે વધી રહ્યો છે. નવા ચૂંટાયેલા કાઉન્સિલરો શિસ્તબદ્ધ ગણાવતી ભાજપ પાર્ટીના કાર્યકર્તા હોય તેમ હજી વર્તન કરતા નથી. શહેર ભાજપમાં આંતરિક વિખવાદ અને અસંતોષને ઠારવા હવે મ્યુનિસિપલ ભાજપ પક્ષના નેતા અને શહેર મહામંત્રીઓ પ્રયાસ કરી રહ્યા છે. શહેરના સરદારનગર વોર્ડ અને ગોતા વોર્ડના કાઉન્સિલરો, વોર્ડ અને મહામંત્રીને મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટે બોલાવી તેઓને કડક શબ્દોમાં સૂચના આપી હતી. પ્રજાના પ્રતિનિધિ છે અને તેઓનું વર્તન વાણી કેવું હોવું જોઈએ તેમજ સાથે મળી કામ કરવા સમજાવ્યા હતા.
સરદારનગરમાં કાઉન્સિલર અને સંબંધી વચ્ચે જાહેરમાં ઝઘડો
શહેરમાં નવા ચૂંટાયેલા ભાજપના કાઉન્સિલરોના વાણી, વર્તન અને સાથે મળીને કામ ન કરવાનો આંતરીક વિખવાદ હવે ધીરેધીરે સામે આવી રહ્યો છે. સરદારનગર વોર્ડમાં થોડા દિવસ પહેલા યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાજપના મહિલા કાઉન્સિલર અને તેમના જ કૌટુંબિક સગા એવા મહિલા જેઓ પૂર્વ ડેપ્યુટી મેયરના સંબંધી થાય છે તેઓ વચ્ચે જાહેરમાં બોલચાલી થઈ હતી. બંને વચ્ચે ઉગ્ર બોલચાલી થયાનો વિવાદ હજી શાંત થયો નથી. સરદારનગર વોર્ડ પ્રમુખ દ્વારા પણ બોલાવી તેઓને જાહેરમાં શિસ્ત જાળવવા સૂચના અપાઈ હતી. સરદારનગર વોર્ડમાં જ આવતા નાના ચિલોડા વિસ્તારમાં તાજેતરમાં ભાજપના નવા શહેર સંગઠનમાં મોરચાઓમાં કોઈને સ્થાન ન આપતાં અસંતોષ ફેલાયો છે. બે દિવસ પહેલા પાટીદાર નેતાએ ત્યાં મીટીંગ કરી હતી જેની ભાજપના નેતાઓને જાણ થઈ હતી.
કાઉન્સિલરે CMની અનાવરણ કરેલી તકતીનું ઉદ્ધાટન કર્યું
ગોતા વોર્ડમાં પણ ભાજપના નવા ચૂંટાયેલા મહિલા કાઉન્સિલર આરતીબેન ચાવડાએ રવિવારે વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તકતીનું અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમ બાદ તેઓ ત્યાં ફોટો પડાવવા ગયા હતા. તેઓએ મુખ્યમંત્રીએ કરેલા અનાવરણની તકતીનો પડદો ફરીથી બંધ કરી અને દોરી ખેંચી પોતે અનાવરણ કર્યું હોય એવા ફોટો પડાવ્યા હતા. જેનો Divya Bhaskarમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવતા તેની શહેર ભાજપ અમે મ્યુનિસિપલ ભાજપ પક્ષના નેતા દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી. તેઓએ ગોતા વોર્ડના ચારેય કાઉન્સિલરોને બોલાવ્યા હતા અને જાહેર કાર્યક્રમમાં આ રીતે શિસ્ત જાળવવા તેમજ જાહેર કાર્યક્રમમાં આ રીતે વર્તન ન કરવા સૂચના આપી હતી.
ભાજપે કોર્પોરેટરોને જાહેરમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે વર્તવા સમજાવ્યા
સરદારનગર વોર્ડમાં પણ આંતરીક વિખવાદ અને અસંતોષ અંગે ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપ પક્ષના નેતા સુધી આવતાં તેઓએ ચારેય કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ અને મહામંત્રીને બોલાવ્યા હતા અને કડક શબ્દોમાં સૂચના આપી હતી કે પ્રજાના પ્રતિનિધિ તરીકે જાહેરમાં આ રીતે ઝઘડા યોગ્ય નથી. ભાજપ પક્ષની છબી આનાથી ખરડાય છે જેથી લોકો સાથે યોગ્ય વર્તન અને પ્રજાની વચ્ચે રહી કામ કરવા સૂચના આપી હતી.
કોરોના વોરિયર્સના સ્થાને માનીતાને સન્માનિત કરાતા સંગઠનમાં અસંતોષ
સરદારનગર અને કુબેરનગરમાં રવિવારે કોરોના વોરીયર્સના સન્માનનો કાર્યક્રમ હતો. જેમાં ખરેખર કામ કર્યું છે તેવા પક્ષના કાર્યકરોના સન્માન અને સન્માનની પત્ર જગ્યાએ સ્થાનિક ધારાસભ્યો અને કોર્પોરેટરોએ પોતાના માનીતા લોકોના સન્માન કર્યા હતા. જેને લઇ ભાજપના કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે અને તેની ફરિયાદ હવે શહેર પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ સુધી કરવામાં આવશે. ઠક્કરબાપાનગરમાં પણ આજ રીતે સાચા કોરોનાં વોરિયર્સ તરીકે જેઓએ કામ કર્યું છે તેની જગ્યાએ અન્ય લોકોને સન્માન આપતા રોષ ફેલાયો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.