રસી માટે હોબાળો:અમદાવાદના ખોખરામાં વેક્સિન માટે ધક્કા ખવડાવતા નાગરિકોનો હોબાળો, ઓળખીતાને ટોકન આપી રસી અપાતી હોવાનો આક્ષેપ

અમદાવાદ6 મહિનો પહેલા
વેક્સિન લેવા આવેલા લોકોની તસવ�
  • ખોખરામાં અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિન માટે ધક્કા ખવડાવતા નાગરિકોએ હોબાળો કર્યો.
  • રોજના 100થી ઓછા લોકોને ટોકન આપી બોલાવી પહેલીવાર આવતા લોકોને ધક્કા ખવડાવાય છે.

ગુજરાત સહિત દેશભરમાં 1લી મેથી 18થી 44 વયજૂથના લોકોને રસી આપવાની શરૂઆત કરાઈ છે. જોકે અમદાવાદ સહિત રાજ્યભરમાં રસીનો જથ્થો ઓછા પ્રમાણમાં આવી રહ્યો છે. પરિણામે આજે સવારે રસીકરણનો પ્રારંભ થવા સાથે જ ખોખરા અર્બન હેલ્થ સેન્ટરમાં મિસમેનેજમેન્ટના કારણે હોબાળો થયો હતો. રસી લેવા આવેલા લોકોએ સેન્ટર દ્વારા ઓળખીતા લોકોને ટોકન આપીને રસી અપાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

​​​​​​રસીકરણ માટે ધક્કા ખવડાવતા નાગરિકોનો હોબાળો
ખોખરા સેન્ટરમાં રાબેતા મુજબ રસીકરણની સાથે 18 થી 44 વર્ષના યુવાઓને પણ રસીકરણની ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન રોજ સવારે સાડા આઠ કલાકે ટોકન આપીને નાગરિકોને બોલાવવામાં આવતા હોય છે. જોકે મર્યાદિત સંખ્યામાં 100થી નીચે ટોકન આપીને પહેલીવાર આવતા લોકોને પાછા મોકલી દેવાતા હોવાથી નાગરિકોએ હોબાળો કર્યો હતો. સાથે જ કેટલાક નાગરિકોએ આક્ષેપ કર્યો હતો કે સેન્ટર દ્વારા પોતાના ઓળખીતા લોકોને જ ટોકન આપીને પહેલા રસી આપી દેવાય છે, અને તેમને રસીકરણ માટે ધક્કા ખવડાવવામાં આવે છે. આથી આજે સવારે મોટી સંખ્યામાં રોષે ભરાયેલા નાગરિકોએ અર્બન સેન્ટરમાં હોબાળો કર્યો હતો. સાથે જ તેમણે અર્બન હેલ્થ સેન્ટર સાથે સંકળાયેલો સ્ટાફ ઉધ્ધતાઈ પૂર્વકનું વર્તન કરતો હોવાની ફરિયાદ કરી હતી.

ખોખરા વેક્સિનેશન સેન્ટરની બહારની તસવીર
ખોખરા વેક્સિનેશન સેન્ટરની બહારની તસવીર

1લી મેથી 18+ના લોકોને વેક્સિન આપવાનું શરૂ
નોંધનીય છે કે 1લી મેથી 18થી 44 વયજૂથના લોકોને રસીનો પ્રારંભ થવા સાથે લગભગ તમામ કેન્દ્રો પર રસી ખૂટી પડતાં મ્યુનિ.એ મહત્ત્વનો નિર્ણય લઇ હવે 45 વર્ષથી વધુ વયની વ્યક્તિઓને રસી આપવાનું સ્થગિત કર્યું હતું. પૂરતો વેક્સિનનો જથ્થો મળે પછી 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. મ્યુનિ.એ જાહેરાત કરી હતી કે શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તેમજ મ્યુનિ. સંચાલિત હોસ્પિટલ અને કોમ્યુનિટી હોલ ખાતે હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર તેમજ 45 ‌વર્ષથી વધારે ઉંમરના લોકોને રસીકરણ મુલત્વી રાખવામાં આવ્યું છે. જોકે 18થી 44 વર્ષના લોકો www.cowin.gov.in પર અથવા આરોગ્ય સેતુ એપ પર રજિસ્ટ્રેશન કરાવી ટાઇમ સ્લોટ મેળવી શકશે અને તે મુજબ તેમને રસી આપવામાં આવશે.

વાડજના રસીકેન્દ્ર પર હોબાળો
વાડજ શાળામાં ચાલતા રસીકરણના કાર્યક્રમમાં યોગ્ય સમયમાં રસી પહોંચી ન હતી. લોકો સવારે 9 વાગે રસી લેવા માટે લાઈનમાં ગોઠવાઈ ગયા હતા પરંતુ સવારે 10.45 સુધી રસીનો સ્ટોક ન આવતા લોકોએ હોબાળો કર્યો હતો તો કેટલાક રસી મુકાવ્યા વગર પાછા ગયા હતા. આ ઉપરાંત અન્ય કેટલાક કેન્દ્રો પર પણ રસી ખૂટી હોવાના બનાવો સામે આવ્યા હતા. જોકે આજે એકંદરે અન્ય કેન્દ્ર પર ભારે હંગામો થયો ન હતો.

રજિસ્ટ્રેશન વગરનાને રસીથી વિવાદ
45 વર્ષથી ઉપરની વ્યક્તિ, હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર રજિસ્ટ્રેશન સિવાય જ કોઇપણ વેક્સિનેશન સેન્ટર પર પહોંચી જાય છે. તેમને વેક્સિન આપવાને કારણે ટાઇમ લઇને આવેલા નાગરીકોને ધક્કો પડી રહ્યો છે.