મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતમાં, લદાખમાં સેનાનું વાહન 60 ફૂટ નીચે શ્યોક નદીમાં ખાબકતાં 7 જવાન શહીદ

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે શનિવાર છે, તારીખ 28 મે, વૈશાખ વદ-તેરસ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) રાજકોટના આટકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોસ્પિટલનું લોકાર્પણ કરશે

2) PM મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરમાં સહકાર સંમેલન યોજાશે

3) ગાંધીનગરના રામકથા મેદાનમાં રાષ્ટ્રીય મેંગો મહોત્સવનો આજે બીજો દિવસ

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) મંત્રી રૈયાણી છે રાખડીબંધ ભૂવા:રાજકોટના ગુંદામાં પરિવારના માતાજીના માંડવામાં અરવિંદ રૈયાણી ધૂણ્યા, સાંકળથી પોતાના પર કોરડા ફટકાર્યા

રાજકોટ તાલુકામાં રાજ્યમંત્રીનું ગામ ગુંદા છે ત્યાં રૈયાણી પરિવારે માતાજીનો માંડવો યોજ્યો હતો. ખાસિયત એ છે કે અરવિંદ રૈયાણી વર્ષોથી રાખડીબંધ ભૂવા તરીકે ઓળખાય છે અને આમંત્રણ પત્રિકામાં પણ મંત્રીને બદલે રાખડીબંધ ભૂવા અરવિંદ રૈયાણી તરીકે લખાયું છે. માંડવો શરૂ થયો એટલે થોડી જ વારમાં મંત્રી રૈયાણીએ ધૂણવાનું ચાલુ કર્યું હતું અને સાંકળ લઈને પોતાના પર કોરડા ફટકાર્યા હતા.

વાંચો સમાચાર વિગતે

2) પાટીલને કેજરીવાલનો જવાબ:દિલ્હી-પંજાબની જેમ ભ્રષ્ટાચાર ખતમ કરો તો લોકોને ફ્રી વીજળી આપવા બહુ રૂપિયા વધશે

સીઆર પાટીલે મફત સુવિધાઓ આપવાને લઇને કેજરીવાલની ઝાટકણી કાઢતા કેજરીવાલે ટ્વીટર પર જવાબ આપ્યો છે. કેજરીવાલે ટ્વીટ કરતા લખ્યું છે કે, પાટીલ સાહેબ, તમારા મંત્રીઓને ફ્રી વીજળી મળે તે યોગ્ય? લોકોને ફ્રી વીજળી આપું તો તકલીફ થાય છે. દિલ્હી-પંજાબની જેમ ભ્રષ્ટાચાર ખતમ કરો તો લોકોને ફ્રી વીજળી આપવા બહુ રૂપિયા વધશે.

વાંચો સમાચાર વિગતે

3) વિશ્વમાં ડંકો વગાડ્યો:સુરતમાં તૈયાર થયેલા OM નામના હીરાએ સર્જ્યો વિશ્વ રેકોર્ડ, ચીનને પછડાટ આપી વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ બન્યો

લેબગ્રોન હીરાના ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલી સુરતની ગ્રીનલેબ ડાયમંડ્સ દ્વારા અદ્યતન લેબમાં બનાવવામાં આવેલા ઓમ, નમ: અને શિવાય નામના ત્રણ લેબગ્રોન હીરાએ ચીનને પછડાટ આપી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટએ 27.27 કેરેટના વિશ્વના સહુથી મોટા માર્ક્વિઝ સ્ટેપ કટ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડ 'ઓમ'ને પ્રમાણિત કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. અગાઉનો સહુથી મોટા હીરાનો ચીનનો રેકોર્ડ બ્રેક કરી નવા કિર્તિમાન સાથે ઓમ, નમ: અને શિવાય નામના હીરાએ લેબગ્રોનના ક્ષેત્રમાં સુરતનું નામ રોશન કર્યું છે.

વાંચો સમાચાર વિગતે

4) લદાખમાં 7 જવાનનાં મોત, સેનાનું વાહન 60 ફૂટ નીચે શ્યોક નદીમાં ખાબક્યું; કુલ 26 જવાન ફોરવર્ડ પોસ્ટ જઈ રહ્યા હતા

લદાખના તુર્તક સેક્ટરમાં સેનાની ગાડી શ્યોક નદીમાં પડી ગઈ. દુર્ઘટનામાં 7 જવાન શહીદ થઈ ગયા અને કેટલાંક ઘાયલ થયા છે. ઈન્ડિયન આર્મીના નિવેદન મુજબ, 26 સૈનિકોની ટુકડી પરતાપુરથી હનીફ સબ સેક્ટરના ફોરવર્ડ પોસ્ટ જઈ રહી હતી. સવારે લગભગ 9 વાગ્યે થોઈસેથી લગભગ 25 કિલોમીટર દૂર વાહન સ્લીપ થઈ શ્યોક નદીમાં ખાબકી હતી. ઘાયલ 26 સૈનિકોને ત્યાંથી કાઢીને આર્મી ફિલ્ડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ગંભીર ઈજાને કારણે 7 સૈનિકોના મોત થઈ ગયા. લેહથી પરતાપુર માટે સેનાની સર્જિકલ ટીમ રવાના થઈ ગઈ છે. ગંભીર રીતે ઘાયલોને વાયુ સેનાની મદદથી વેસ્ટર્ન કમાનની હોસ્પિટલ લઈ જવાયા રહ્યાં છે.

વાંચો સમાચાર વિગતે

5) ક્રૂઝ શિપ ડ્રગ્સકાંડ, બહુચર્ચિત ડ્રગ્સ કેસમાં NCBએ શાહરુખના દીકરા આર્યન ખાનને ક્લીન ચિટ આપી, કહ્યું-‘તેની પાસેથી કોઈ ડ્રગ નહોતું મળ્યું’

ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં સૌથી વધુ ગાજેલા ક્રૂઝ શિપ ડ્રગ્સકાંડમાં હવે ‘નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો’ (NCB)એ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ક્લીન ચિટ આપી દીધી છે. NCB શુક્રવારે મુંબઈની કોર્ટમાં 6 હજાર પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. એમાં આર્યન ખાન સહિત 6 વ્યક્તિને કોઇપણ જાતના પુરાવાના અભાવે ક્લીન ચિટ અપાઈ છે. યાને કે તેમનું નામ આ ચાર્જશીટમાંથી કાઢી નાખવામાં આવ્યું છે, જ્યારે અન્ય 14 આરોપીઓનાં નામ સામેલ કરવામાં આવ્યાં છે. કોર્ટમાં આ ચાર્જશીટ રજૂ કરવા માટે NCB વતી DDG સંજય સિંહ દિલ્હીથી મુંબઈ પહોંચ્યા છે.

વાંચો સમાચાર વિગતે

6) ડ્રોન ફેસ્ટિવલમાં PM મોદીએ કહ્યું- અગાઉની સરકારોએ ટેક્નિકને ગરીબીવિરોધી ગણાવી હતી; હવે એ જ તેમના હક અપાવી રહી છે

દિલ્હીના પ્રગતિ મેદાનમાં દેશના સૌથી મોટા ડ્રોન મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ડ્રોન મહોત્સવ 2022નું ઉદઘાટન કર્યું હતું. આ દરમિયાન PMએ કહ્યું- અગાઉની સરકારોએ ટેક્નિકને સમસ્યાનો એક ભાગ ગણયો હતો, એને ગરીબવિરોધી સાબિત કરવાની કોશિશ કરી હતી. આ કારણથી જ 2014 પહેલાં ગવર્નન્સમાં ટેક્નોલોજીના ઉપયોગને લઈને ઉદાસીનતા રહી છે. એનું સૌથી વધુ નુકસાન ગરીબ, વંચિત, મિડલ ક્લાસને થયું. મેં કેદારનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર ડ્રોનથી નજર રાખી હતી. હવે આ જ ટેક્નિકથી લાખો ખેડૂતોને મદદ મળશે.

વાંચો સમાચાર વિગતે

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) કોંગ્રેસે ગુજરાત ટાઈટન્સને શુભેચ્છા આપતા પોસ્ટરમાં 'સરદાર પટેલ સ્ટેડિયમ'નો ઉલ્લેખ કર્યો, વિવાદ થતાં પોસ્ટર હટાવાયા

2) કોરોનાનું સંક્ર્મણ ઘટતા અઢી વર્ષ બાદ ટ્રેનમાં મળશે જનરલ ટિકિટ, રાજકોટમાં 1લી જૂનથી પ્રારંભ

3) એડવાન્સ ટેક્સ વસૂલવા કવાયત:રાજકોટ મનપા શનિ-રવિએ પણ વેરો સ્વીકારશે, ત્રણેય ઝોનની કચેરી ધમધમશે

4) દેશમાં 31 મે સુધીમાં ચોમાસું આવી જશે, કેરળથી ચોમાસું 100 કિમી દૂર, આ વખતે ધમાકેદાર એન્ટ્રી થવાની શક્યતા ઓછી

5) ચારધામમાં અત્યાર સુધીમાં 91 શ્રદ્ધાળુઓના મોત, ગીકાલે 16 લોકોએ જીવ છોડ્યો

6) કચ્છની અભિનેત્રીનું કાન્સ ફેસ્ટિવલમાં ગુજરાતી સાડી પહેરીને રેડ કાર્પેટ પર વોક

7) યશ રાજે કરણી સેના સામે નમતું જોખ્યું, અક્ષયની ફિલ્મનું નામ બદલીને 'સમ્રાટ પૃથ્વીરાજ' કરાયું

8) એશિયા કપમાં ઈન્ડોનેશિયાને 16-0થી હરાવ્યું, પાકિસ્તાનને પછાડીને ટીમ ઈન્ડિયા સુપર-4માં ક્વોલિફાઈ થઈ

આજનો ઈતિહાસ
વર્ષ 1964માં આજના દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનું અવસાન થયું હતું.

અને આજનો સુવિચાર
સૌથી ઝડપી એ જ ચાલે છે જે એકલા ચાલે છે, પરંતુ દૂર સુધી એ જ જાય છે જે સૌને સાથે લઈને ચાલે છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...