પાટીદાર પર ભરોસાની ઉમેદવારી!:હાર્દિક પટેલ યંગેસ્ટ અને બાબુ જમના ઓલડેસ્ટ, બંને પટેલ! 160માંથી ટોપ-5 ઉમેદવારોમાં બધા નવા ચહેરા

અમદાવાદ20 દિવસ પહેલાલેખક: સુનિલ પાલડિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 ડિસેમ્બરે પહેલા તબક્કા અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ બાદ ભાજપે એકસાથે 160 ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે ખૂબ જ કાળજીપૂર્વક ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપે પાટીદાર પર ભરોસાની ઉમેદવારી તરીકે યુવાશક્તિ અને વડીલના અનુભવનો સમન્વય કર્યો છે, જેમાં ભાજપે સૌથી યુવાન 29 વર્ષીય હાર્દિક પટેલને ટિકિટ આપી છે, જ્યારે સૌથી વધુ ઉંમર ધરાવતા 74 વર્ષીય બાબુ પટેલને ટિકિટ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2017માં પાટીદીરોના અનામત આંદોલનને કારણે રોષનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ મુખ્યમંત્રી પણ પાટીદાર લાવવામાં આવ્યા હતા.

નવા ચહેરાઓમાં યુવાનોને સ્થાન
ગુજરાત વિધાનસભા માટે ભાજપે દ્વારા 38 જેટલા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ નવા ચહેરોમાં યુવાનોને વધુ સ્થાન આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી નો રિપીટ થિયરીનો ઉપયોગ કરી ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. 2017ની ચૂંટણીમાં જેને ટિકિટ આપવામાં આવી હતી એવા 85 જેટલાની ટિકિટ કાપી નાખવામાં આવી છે, જ્યારે 75ને રિપીટ કરવામાં આવ્યા છે.

સૌથી યુવાન ઉમેદવાર તરીકે હાર્દિક પટેલ
ભાજપ દ્વારા નવા ચહેરાઓ સાથે યુવાનોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. 29 ઉંમરના સૌથી યુવાન ઉમેદવાર તરીકે હાર્દિક પટેલને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે બીજા નંબરે 30 વર્ષીય ડો. પાયલ કુકરાણીને સ્થાન આપવામાં આવ્યું છે. 29 વર્ષથી લઈને 45 વર્ષ સુધીમાં ભાજપે 21 ઉમેદવારને ટિકિટ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાંથી ટોપ-5 યુવા તમામ નવા ચહેરા છે.

ભાજપે 45થી 60 ઉંમરના ઉમેદવારો પર કળશ ઢોળ્યો
ભાજપે 182માંથી 160 ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાંથી 91 ઉમેદવારની ઉંમર 46થી 60ની વચ્ચે છે. ભાજપે આ સાથે સિનિયર સિટિઝનોને પણ ટિકિટ આપી છે. 60થી વધુ ઉંમરના 48 ઉમેદવારનાં નામ જાહેર કર્યા છે.

ડો.પાયલ કુકરાણી.
ડો.પાયલ કુકરાણી.

સૌરાષ્ટ્રમાં મોટા ભાગના નવા ચહેરા જાહેર
ગુજરાતમાં રાજકારણની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્રમાં ભાજપે મોટા ભાગના નવા ચહેરા જાહેર કરીને તમામ સમીકરણો બદલી નાખ્યા છે, જૂના જોગીઓને ઘરે બેસાડી દીધા છે. રાજકોટમાં ચારેય સીટ પર નવા ચહેરા જાહેર કરીને ભાજપે કોઈ રિસ્ક લીધું નથી. આંતરિક જૂથવાદને ખાળવાનો મોટો પ્રયાસ કર્યો છે. જામનગરની વાત કરીએ તો રીવાબાને ટિકિટ આપી પૂનમ માડમે લોબિંગ કર્યું હતું, જેથી તેની સાંસદની સીટ પણ અકબંધ રહે. તો સૌરાષ્ટ્રમાં પક્ષપલટા કરનાર કોંગ્રેસના નેતાઓને પણ ભાજપે ટિકિટ આપી અને બેઠક સિક્યોર કરી છે, જેમાં કુંવરજીભાઈ જવાહર ચાવડા, ભગા બારડ જેવા નેતાઓને ટિકિટ આપી કોઈ જાતનું રિસ્ક લીધું નથી.

રીવાબા જાડેજા.
રીવાબા જાડેજા.

મોરબીમાં રાજકારણ ફેરવવા મંત્રીને કાપી નાખ્યા
જૂનાગઢ ભાવનગર અમરેલીમાં ભાજપે અનેક નવા ચહેરાઓને તક આપી છે. જૂના જોગીઓ નારાજ ન થાય એ માટે પહેલેથી જ તેની પાસે ચૂંટણી ન લડવાના જાણે શપથ લેવડાવી લીધા હોય અને તમામને જિતાડવાની બાંહેધરી પણ લીધી છે. સૌરાષ્ટ્રમાં ક્યાંક અંશે હજી સંઘનો દબદબો જોવા મળી રહ્યો છે સંઘના પાયા રાજકોટ સૌરાષ્ટ્રથી નખાયા હતા, શંખ સાથે કનેક્શન ધરાવતા અનેક લોકોને ભાજપે ટિકિટ આપી અને પાર્ટીથી મોટો સંઘ છે એવું મહદંશે સાબિત કરી દીધું છે. તો મોરબીમાં મોટી હોનારત થઈ એનું રાજકારણ ફેરવવા કાંતિ અમૃતિયાને ટિકિટ આપીને મંત્રી કક્ષાના કાપી નાખ્યા છે.

માલતી મહેશ્વરી.
માલતી મહેશ્વરી.

જૂના ચહેરાઓ ઘણા નારાજ થયા
સૌરાષ્ટ્રમાં અત્યારસુધી જૂના જોગીઓનો ભારે દબદબો હતો, પરંતુ હવે આ દબદબો દૂર કરી એક નવી જ ભાજપની પ્રણાલી ઊભી કરવાનો ભાજપે તખતો ગોઠવ્યો છે. સૌરાષ્ટ્ર હરહંમેશાં રાજકારણની પાઠશાળા રહી છે તો હવે સૌરાષ્ટ્રમાંથી ભાજપ નવા રાજકારણના પાઠ ભણાવશે. અત્યારસુધી વિજય રૂપાણી, વજુભાઈ જેવા જૂથ સક્રિય હતા, એના નજીકનાઓને ટિકિટ મળતી, પરંતુ સૌરાષ્ટ્રની મોટા ભાગની બેઠકોમાં ડાયરેક્ટ હાઈકમાન્ડે રસ લઈ અનેક ગણિત ફેરવી નાખ્યા છે. જોકે બેઠકો જાહેર થતાં ભાજપમાં ઘણો આંતરિક ગણગણા જ છે અને જૂના ચહેરાઓ ઘણા નારાજ પણ જોવા મળી રહ્યા છે.

હાર્દિક પટેલ.
હાર્દિક પટેલ.

દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના રિપીટ કરાયા
દક્ષિણ ગુજરાતમાં ભાજપે મોટા ભાગની સીટો પર રિપીટની થિયરીનો ઉપયોગ કર્યો છે. સુરતની 11 બેઠક જાહેર થઈ છે, જેમાં ઉધનાને બાદ કરતાં તમામ 10 બેઠક પર ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. હવે આ રિપીટ થિયરીને કારણે પાટીદાર મતવિસ્તારોમાં ભાજપને કેટલો લાભ થશે તેના પર બધાની નજર છે. વલસાડ જિલ્લાની તમામ પાંચ બેઠકો પર રિપીટ કરાયા છે. જ્યારે નવસારી જિલ્લામાં બેને રિપીટ કર્યા છે અને બે નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં બે બેઠક પર નવા ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે.

રાજેશકુમાર ઝાલા.
રાજેશકુમાર ઝાલા.

અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં મહિલાઓને ટિકિટ
ભાજપે આ વખતે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાનો પણ પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસના ભાગરૂપે જ અમદાવાદમાં ગત વખતે જ્યાં એકેય મહિલાને ટિકિટ નહોતી મળી ત્યાં આ વખતે 3 મહિલાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે રાજકોટ શહેરમાં પણ 2 મહિલાને ઉમેદવારી અપાઈ છે, જ્યારે સુરત અને વડોદરા શહેરની ટિકિટ ફાળવણીમાં એક-એક મહિલાને ટિકિટ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...