આફ્રિકામાં ગુજરાતી પર ફાયરિંગ:કોંગોમાં આણંદના યુવકની હત્યા, માતા-પિતાને વિદેશ મોકલવા અઢી કલાકમાં પાસપોર્ટ ઇશ્યુ કરાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં પાસપોર્ટ માટેની એપોઇન્ટમેન્ટ લગભગ એક મહિના પછી મળી રહી છે. ત્યારે જ મંગળવારે બપોરના સુમારે દંપતિ હસન અલી ધાનાણી અને તેમના પત્ની રોસીનાબાનુ ધાનાણી ગુલબાઈ ટેકરા સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કચેરીમાં પહોંચ્યા હતા. આણંદથી આવેલા આ દંપતિની આંખોમાં દુનિયાભરનું દુઃખ નજરે પડતું હતું. એપોઇન્ટમેન્ટ વગર તો કચેરીમાં એન્ટ્રી પણ મળતી નથી પરંતુ તેમની વિનંતીને માન આપીને પાસપોર્ટ ઓફિસર રૈન મિશ્રાએ તેમની મુલાકાત કરી હતી.

અસામાજિક તત્વોએ યુવકની ગાડી ઉપર હુમલો કર્યો
હજુ રેન મિશ્રા તેમને પાસપોર્ટ ઓફિસ આવવાનું કારણ પૂછે ત્યારે જ પતિ-પત્ની ચોધાર આંસુએ રડી પડ્યા અને તેમણે જણાવ્યું કે, તેમનો યુવાન જ્યોત દીકરો આઝીમ આફ્રિકાના દેશ કોંગોમાં કામ કરતો હતો. ગતરોજ ઓફિસ બંધ કરીને ઘરે જતો હતો ત્યારે જ સ્થાનિક વિસ્તારના કેટલાક અસામાજિક તત્વોએ તેની ગાડી ઉપર હુમલો કર્યો અને ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતા ગંભીર રીતે ગવાયેલા આજીમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો પરંતુ 12 કલાક સુધી મૃત્યુ સામે લડનાર આખરે જિંદગી હારી ગયો.

દંપતિના પગ નીચેથી જમીન સરકી ગઈ
પુત્રના મોતના સમાચાર સાંભળતા જ ધાનાણી દંપતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમણે તાત્કાલિક કોંગો જવાની તૈયારીઓ શરૂ કરી પરંતુ તેમની પાસે પાસપોર્ટ નહોતો. કોઈએ સીધા જ પાસપોર્ટ ઓફિસ જઈને તેમની પરિસ્થિતિ અંગે રજૂઆત કરવાનું સૂચન કર્યું. એક સ્વજન સાથે હસન અલી અને રોસીનાબાનુ પાસપોર્ટ ઓફિસ પહોંચી ગયા. તેમની વાત સાંભળતાની સાથે જ પાસપોર્ટ ઓફિસર મિશ્રાએ પોતાના સ્ટાફના હરેશ માલાણી, પ્રશાંત શર્મા અને અભિષેકને કામે લગાડી દીધા હતા.

પાસપોર્ટ મળતા જ દંપતિએ કોંગોના વિઝા મેળવ્યા
કોઈપણ એપોઇન્ટમેન્ટ વગર તેમની પરિસ્થિતિને પ્રાયોરિટી આપીને પાસપોર્ટ ઓફિસ દ્વારા માત્ર અઢી કલાકમાં ધાનાણી દંપતિના પાસપોર્ટ ઈશ્યૂ થઈ ગયા અને તેમને હાથો હાથ પાસપોર્ટ આપી દેવામાં આવ્યા હતા. પાસપોર્ટ મળતા જ તેઓએ કોંગોના વિઝા મેળવી ત્યાં જવાની તૈયારી શરૂ કરી દીધી હતી. દીકરો ગુમાવનાર માવતર પાસે પાસપોર્ટ ઓફિસના સ્ટાફના આભાર માનવા માટે શબ્દો નહોતા પરંતુ તેમને મૃત દીકરાનું મોઢું જોવા પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓને લીધે મળશે.

અમારી સામાજિક જવાબદારી છે અને અને તે નિભાવી: રેન મિશ્રા
ધાનાણી પરિવારના સભ્યોએ પણ પાસપોર્ટ ઓફિસની કામગીરીને લીધે જ તેઓ તાત્કાલિક કોંગો જઈ શકશે તેમ જણાવ્યું હતું. બીજી તરફ રેન મિશ્રાએ પણ પાસપોર્ટ ઓફિસની પણ એક સામાજિક જવાબદારી છે અને તેમણે તે નિભાવી છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...