કોંગ્રેસના 43 ઉમેદવારની યાદી:ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલ સામે અમીબહેન યાજ્ઞિક, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા; કોંગ્રેસની યાદીનું એનાલિસિસ

22 દિવસ પહેલા

ગુજરાતની ચૂંટણી માટે હાલ તમામ રાજકીય પાર્ટીઓ ઉમેદવારો માટે કવાયત કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ સક્રિય બની ગઈ છે. શુક્રવારની મોડી સાંજે કોંગ્રેસે 43 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જોવાની વાત એ છે કે રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આજે કોંગ્રેસે પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે, પરંતુ હજા સુધી કોંગ્રેસનો કોઈ મોટો ચહેરો ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે આવ્યો નથી. જોકે આ મહિનાના અંતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગુજરાતમાં પ્રચાર માટે આવે અને સભા સંબોધે એવી શક્યતા છે.

અમદાવાદના ભીખુ દવેને કોરોનાકાળની કામગીરી ફળી

એલિસબ્રિજ મતવિસ્તારમાંથી કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ભીખુભાઇ દવે સામાજિક કાર્યકર છે. તેઓ કોંગ્રેસની હેલ્થ કમિટીના ચેરમેન છે. આ કમિટીએ કોરોનામાં સારું કામ કર્યું છે. તેમણે જીવના જોખમે કામ કર્યું છે. સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા હતા. કોંગ્રેસના પાયાના કાર્યકરમાં તેમની ગણના થાય છે. બ્લડ કેમ્પ, મેડિકલ કેમ્પ તથા સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલા છે. સેવા કરવા માટે સતત તત્પર રહેવાનો તેમનો સ્વભાવ છે. એને કારણે તેઓ કોંગ્રેસ જ નહીં, બલકે સ્થાનિક વિસ્તારમાં પણ લોકોના પ્રિય છે.

ધમભાઈ ઉત્તર ગુજરાતને જોડતો પાટીદાર ચહેરો
અમરાઇવાડી વિસ્તારના ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેર કરેલા ધર્મેન્દ્રભાઇ શાંતિલાલ પટેલ કોંગ્રેસ જ નહીં, બલકે સ્થાનિક વિસ્તારમાં ધમભાઇ તરીકે જ ઓળખાય છે. મતલબ કે તેમનું ઉપનામ ધમભાઈ છે. તેઓ પાટીદારનો ચહેરો છે. ઉત્તર ગુજરાતના પાટીદારો સાથે સીધા સંકળાયેલા છે. એમાં લોકપ્રિય છે. અમરાઇવાડી વિસ્તારની 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં ઝુંકાવ્યું હતું. બિલ્ડર લોબીમાંથી આવતાં ધમભાઇએ ભાજપના હરીફ ઉમેદવાર જગદીશ પટેલને બરોબરની ટક્કર આપી હતી, જેને કારણે આ ચૂંટણી રસાકસીભરી રહી હતી. ભાજપના ઉમેદવારે 48, 657 મત મેળવ્યા હતા. તેની સામે ધમભાઇએ 43,129 મતો મેળવ્યા હતા. મતલબ કે 5,528 મતોથી તેમની હાર થઇ હતી. જેથી કોંગ્રેસે તેમને રિપીટ કર્યા છે.

અમીબહેન રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ
ઘાટલોડિયા વિસ્તારમાંથી કોંગ્રેસે મહિલા ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને જાહેર કર્યા છે. હાઇકોર્ટમાં વકીલાત કરે છે. તેઓ રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ છે. શિક્ષિત અને અભ્યાસુ હોવાની સાથે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. તેમણે પ્રાદેશિક કક્ષાએ પણ કોંગ્રેસમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે. સ્થાનિક પ્રશ્નોમાં પણ તેઓ સક્રિય રહે છે. તો દસ્ક્રોઈ મતવિસ્તારના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ઉમેદી બુધાજી ઝાલા ઠાકોર સમાજના આગેવાન છે. ઠાકોર સમાજમાં સ્વીકૃત છે. તેઓ કોંગ્રેસના જૂના આગેવાન છે. દરેક કોંગ્રેસના કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવતા હોય છે.

કોંગ્રેસની દક્ષિણ ગુજરાતમાં ખરાબ હાલત તો નહીં જ થાય એવાં એંધાણ
દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરની જે બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. એમાં એક વાત સ્પષ્ટ દેખાય છે કે મારા તારાને બાદ કરતાં જે પ્રોપર ઇલેક્શન લડી શકે તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સુરતમાં ઓલપાડ બેઠક પરથી દર્શન નાયક હોઈ વરાછા બેઠક પરથી પ્રફુલ તોગડિયા હોય, કતારગામ બેઠક પરથી કલ્પેશ વરૉિયા ખૂબ જ યુવા નેતા છે અને કોર્પોરેશન દરમિયાન તેમના સાથી પેનલના કોર્પોરેટરો કરતાં તેમને ખૂબ સારા મત મળ્યા હતા. દર્શન નાયક પણ લડાયક મિજાજી ધરાવે છે અને પ્રફુલ તોગડિયાનું નામ ખૂબ જ જાણીતું હોવાને કારણે કમસે કમ કોંગ્રેસની હાલત ખરાબ ન થાય એ પ્રકારની સ્થિતિ હાલ દેખાઈ રહી છે. સુરત પશ્ચિમ બેઠક પરથી સંજય પટવાને રડાવવામાં આવી રહ્યા છે. જે સીટ જીતવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ અન્ય કોઈ ઉમેદવારને લડાક કરતાં એક સિનિયરને વધારે મેદાનમાં જૈન કોમ્યુનિટીના હોવાને કારણે ઉતારવામાં આવ્યા છે.

આદિવાસી પટ્ટા સહિતના વિસ્તારોમાં મહિલા ઉમેદવારોને સ્થાન
મહુવામાં હેમાંગી પટેલને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા, પરંતુ કોંગ્રેસમાં કાયમ વહાલા દવલાની નીતિને કારણે જે લડાયક અને સારી રીતે ચૂંટણી લડી શકે એવાં નામો આવતાં ન હતાં, પરંતુ આ વખતે અભ્યાસ કર્યા બાદ ટિકિટ ફાળવવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. ડાંગ, કપરાડા મહુવા જેવા આદિવાસી વિસ્તારોની અંદર કોંગ્રેસ દ્વારા આ વખતે સેન્સ લીધા બાદ યોગ્ય ઉમેદવારોને ટિકિટ આપ્યો હોવાનું દેખાઈ રહ્યો છે. પારડી, બારડોલી, મહુવા બેઠકો પર ત્રણ મહિલાને ઉતારવામાં આવે છે. મહુવા બેઠક માટે હેમાંગીબેન પટેલને ખૂબ જ મજબૂત કોંગ્રેસના લીડર માનવામાં આવે છે, જે પરિણામ લાવી શકે છે. ગતિ વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક ઉપરથી તુષાર ચૌધરી હારી ગયા હતા, પરંતુ એવી જ વાત સ્પષ્ટ હતી કે જો હેમાંગી પટેલની ટિકિટ આપવામાં આવ્યું હોત તો એ બેઠક પણ જીતી શકાય તેમ હતી. કપરાડામાં વસંત પટેલ એ કોંગ્રેસના જૂના કાર્યકર્તા છે અને તેઓ આ વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે અને રાજકીય રીતે પણ ખૂબ જ સક્રિય છે.

કેટલાક વિસ્તારના ઉમેદવારોએ દોઢેક મહિનાથી કામગીરી શરૂ કરી દીધી
કોંગ્રેસ દ્વારા સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાંથી જે પહેલી યાદી બહાર પાડે છે તે તમામ ઉમેદવારોની પસંદગી યોગ્ય રીતે કરવામાં આવ્યો હોય એવું ફલિત થઈ રહ્યું છે. કોંગ્રેસ માત્ર લડવા ખાતર ચૂંટણી લડતી હોય એવું આ ઉમેદવારોનાં નામની જાહેરાત બાદ લાગતું નથી. જે-તે ઉમેદવારે પોતાના વિસ્તારમાં છેલ્લા એક-દોઢ મહિનાથી કામ શરૂ કરી દીધું હતું. મોટા ભાગના ઉમેદવારો જ્યારે સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન સુરત પહોંચ્યા હતા, ત્યારે પણ તેમની અંદર અંદર ચર્ચા બાદ જે-જે વ્યક્તિને ટિકિટ મળી શકે તે જ વ્યક્તિઓને ટિકિટ આપવામાં આવી હોવાની પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે. એક વાત સ્પષ્ટ છે કે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસે જે પ્રકારના ઉમેદવારો પસંદ કર્યા છે, એ જોતાં ચૂંટણીમાં ભલે અત્યારસુધીમાં કોંગ્રેસ ચર્ચામાં નહીં રહેવું, પરંતુ હવે પ્રચારથી લઈને પરિણામ આવે ત્યાં સુધી ચોક્કસ જ સૌકોઈની નજર તેમના પર રહેશે.

બે વાર જીતેલા મોઢવાડિયાને પાંચમી વખત ટિકિટ
અર્જુન મોઢવાડિયાને પોરબંદરથી ટિકિટ આપવામાં આવી છે. 1997થી કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા છે. વર્ષ 2002થી આજ દિવસ સુધી સુધીમાં 5મી વખત તેમને ટિકિટ આપવામાં આવી છે, જેમાંથી બે વખત તેઓ વર્ષ 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. જ્યારે વર્ષ 2012 અને 2017ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને વર્ષ 2004થી 2007 સુધી વિપક્ષનેતા પણ રહી ચૂક્યા છે.

રાજકોટ ગ્રામ્યમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરને ટિકિટ આપી
સુરેશ બથવાર રાજકોટ ગ્રામ્યના ઉમેદવાર છે. જેમને અભ્યાસ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે. જેઓ પીજીવીસીએલમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. જોકે રાજકારણમાં પાછલી વિધાનસભાની ચૂંટણીમાં દાવેદારી કરતા પીજીવીસીએલની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. જોકે તેમને પાછલી વખતે પાર્ટીએ ટિકિટ આપી ન હતી અને બાદમાં રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 11માંથી ચૂંટણી લડ્યા હતા. જોકે એમાં તેમની હાર થવા પામી હતી. ત્યારે હવે રાજકોટ ગ્રામ્ય બેઠક પર અનુસૂચિત જાતિનું પ્રભુત્વ હોવાથી તેમને આ વખતે ટિકિટ આપવામાં આવી છે. તેઓ કોલેજ કાળથી NSUI સાથે તેમજ યુવક કોંગ્રેસ સાથે જોડાયેલ છે. 1999થી આજ દિવસ સુધી તેઓ કોંગ્રેસના કર્તવ્ય નિષ્ઠ કાર્યકર રહ્યા છે. દશ વર્ષ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે.

રાજકોટ દક્ષિણ પર 10 પાસ પાટીદાર ચહેરાને સ્થાન
હિતેશ વોરા રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર છે. તેઓ પાટીદાર સમાજનો ચહેરો છે. વર્ષ 1995થી કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા છે. ધોરણ 10 સુધી અભ્યાસ કરેલો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. જ્યારે યુવાવસ્થામાં તેઓ યૂથ કોંગ્રેસના રાજકોટ જિલ્લાના મહામંત્રી તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. કોટડાસાંગાણી તાલુકા પંચાયતમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેઓ રહી ચૂક્યા છે. જ્યારે કોટડાસાંગાણી માર્કેટ યાર્ડના 3 વખત ડિરેક્ટર રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે લેઉવા પાટીદાર સમાજની અલગ અલગ ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થામાં ટ્રસ્ટી રહી ચૂક્યા છે.

ઘરવાપસી બાદ ભોળાભાઈને જસદણ બેઠક ફરી તક અપાઈ
ભોળાભાઇ ગોહિલ જસદણ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ભોળાભાઇ ગોહિલ વર્ષ 2012માં આ જ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા. એ બાદ ભાજપમાં જોડાયા હતા, પરંતુ કુંવરજીભાઇના ભાજપ પ્રવેશ બાદ તરત તેમણે કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી. આ બેઠક પર 35% કોળી મતદારોનું પ્રભુત્વ હોવાથી કોંગ્રેસે વિસ્તારની સમસ્યા અને ભૌગોલિક સ્થિતિથી વાકેફ ભોળાભાઈને ટિકિટ આપવાનું નક્કી કરતાં રાજકોટની હાઈપ્રોફાઈલ બેઠકમાંથી એક એવી જસદણ બેઠક પર હવે જો કુંવરજીભાઇને રિપીટ કરવામાં આવે તો કાંટે કી ટકર જરૂર જોવા મળી શકે તેમ છે.

કોમન મેન કનુ કળસરિયાને કોંગ્રેસ મહુવાથી ઉતાર્યા
જામનગરમાં બિપેન્દ્રસિંહ જાડેજાને પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીની ટિકિટ મળી છે. તેઓ જામનગરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે અને ક્ષત્રિય હોવાથી આ બેઠક પર ક્ષત્રિયનું પ્રભુત્વ વધુ છે. સામે ભાજપ પણ કોઈ ક્ષત્રિય મેદાનમાં ઉતારશે એ વાત નક્કી. ભાવનગરના મહુવામાં કનુ કળસરિયા એક કોમન મેન તરીકે વ્યક્તિત્વ ધરાવે છે અને એક સમયે તેમણે ભાજપ સામે બાથ ભીડી હતી. જેમને ટિકિટ આપવામાં આવી છે. કનુભાઈ કળસરિયા સારું પ્રભુત્વ ધરાવે છે. ભાજપમાં બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કેશુભાઈ તેમના ઘરે જતા હતા. પછી ભાજપ સામે મોરચો માંડ્યો હતો. માણાવદરમાં અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી છે. તો અંજાર અને ગાંધીધામમાં રમેશ ડાંગર અને ભરત સોલંકીને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરતાં ભાજપ દર વખતે ફાવી જાય છે. હવે તેઓ કોઈ સીટ ઉપર લિસ્ટ નહીં લે અને જો કોઈનું નામ નક્કી થયું હશે તો પણ તેઓ આમાંથી અનેક નામ સાંભળીને નામો ફેરવી તોડશે.

વડોદરાની ચાર બેઠક પરના ઉમેદવાર જાહેર
વડોદરાની સયાજીગંજ બેઠક અમી રાવતને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. અમી રાવત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર અને વિપક્ષના નેતા છે. તેઓ શહેરમાં ભાજપની લહેર વચ્ચે પણ કોર્પોરેશનમાં ચૂંટણી આવ્યા છે. અમી રાવતના પતિ નરેન્દ્ર રાવત પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. અકોટા બેઠક પરથી ઋત્વિજ જોશીને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. ઋત્વિજ જોશી વડોદરા શહેર કોંગ્રેસપ્રમુખ અને યુવા નેતા છે. તેઓ છેલ્લા દોઢ દાયકા કરતાં વધુ સમયથી સક્રિય રાજકાણ ક્ષેત્રે કોંગ્રેસ સાથે જોડાયેલા છે તેમજ એમ.એસ. યુનિવર્સિટીમાં કોંગ્રેસની ભગિની સંસ્થા NSUIના પ્રેસિડેન્ટ તરીકે પણ હતા. રાવપુરા બેઠક પર કોંગ્રેસ સંજય પટેલ (SP)ને ઉમેદવાર બનાવ્યા છે. જેઓ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. જ્યારે માંજલપુર બેઠક કોંગ્રેસના ઉમેદવાર ડૉ. તસ્વીન સિંગ લોકો માટે નવું નામ છે.

કૉંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી, પ્રથમ યાદીમાં 43 ઉમેદવારનાં નામ જાહેર

 • ડીસાથી સંજય રબારી
 • અંજારમાં રમેશ ડાંગર
 • ગાંધીધામથી ભરત સોલંકી
 • ખેરાલુથી મુકેશ દેસાઈ
 • કડીમાં પ્રવીણ પરમાર
 • હિંમતનગરમાં કમલેશ પટેલ
 • ઈડરમાં રમેશ સોલંકી
 • ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલ
 • ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિક
 • એલિસબ્રિજથી ભીખુ દવે
 • અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલ
 • દસ્ક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલા
 • રાજકોટ દક્ષિણથી હિતેશ વોરા
 • રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવાર
 • જસદણથી ભોળાભાઈ ગોહિલ
 • જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજા
 • પોરબંદરથી અર્જુન મોઢવાડિયા
 • કુતિયાણાથી નાથા ઓડેદરા
 • માણાવદરથી અરવિંદ લાડાણી
 • મહુવાથી કનુ કળસરિયા
 • નડિયાદથી ધ્રુવલ પટેલ
 • મોરવાહડફથી સ્નેહલતા ખાંટ
 • ફતેપુરાથી રઘુ મારચ
 • ઝાલોદથી મિતેશ ગરાસિયા
 • લીમખેડાથી રમેશ ગુંડિયા
 • સંખેડાથી ભીલ ધીરુભાઈ
 • સયાજીગંજથી અમીબેન રાવત

2017માં કોંગ્રેસને 77 બેઠક મળી હતી
ગુજરાત કોંગ્રેસમાં ઘણાં વર્ષોથી કેટલાક ચોક્કસ નેતાઓ કબજેદાર હોય એવી છાપ કાર્યકરો અને મતદારોમાં હતી, જેને કારણે પણ કોંગ્રેસના મતદારો ડાઇવર્ટ થઈ રહ્યા હતા. એટલું જ નહીં, 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલન, ઠાકોર સમાજના આંદોલન અને દલિત સમાજના આંદોલનને કારણે નારાજ મતદારોએ ભાજપને માંડ માંડ 99 બેઠક બેઠકો આપી નજીવી બહુમતીથી સત્તા સોંપી હતી, જ્યારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો સૌરાષ્ટ્રની 54 બેઠકના સંભવિત ઉમેદવારની યાદી લગભગ તૈયાર થઈ ગઈ છે. કોંગ્રેસના ગણિત પર નજર કરીએ તો વર્ષ 2017માં કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં 54 બેઠક પૈકી 33 બેઠક જીત્યુ હતું. આ 33 પૈકી 10 ધારસભ્યે પાંચ વર્ષમાં પક્ષપલટો કરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હાલ કોંગ્રેસ પાસે કચ્છ સૌરાષ્ટ્ર ઝોનમાં 23 ધારાસભ્ય છે. આ તમામને રિપીટ કરવાનું કોંગ્રેસનું આયોજન છે. જોકે કોંગ્રેસ આ નામોની જાહેરાત ક્યારે કરશે એની રાહ જોવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...