કોરોનાને કારણે ગુજરાત બોર્ડ અને CBSE બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, પરંતુ ધોરણ 12ની પરીક્ષા લેવા ગુજરાત બોર્ડ મક્કમ હતું અને પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે, જ્યારે CBSE બોર્ડ દ્વારા પણ આ અઠવાડિયામાં પરીક્ષા અંગે નિર્ણય કરવામાં આવશે. ત્યારે ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો છે અને એના વિરોધમાં સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવીને કેમ્પેન શરૂ કરી દીધું છે, જેમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે. વિદ્યાર્થીઓ આગામી સમયમાં બેનર લઈને સરકારી કચેરી સામે વિરોધ કરવા પણ તૈયારી બતાવી રહ્યા છે.
સરકારના નિર્ણય સામે વિદ્યાર્થીઓમાં રોષ
છેલ્લા દોઢ વર્ષથી શિક્ષણ ઓનલાઈન ચાલી રહ્યું છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓને આખું વર્ષ ઓનલાઈન ભણાવવામાં આવ્યા હતા અને હવે ઓફલાઈન પરીક્ષાની તારીખ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં જૂની પદ્ધતિ મુજબ 3 કલાક જ પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે સરકારના નિર્ણય સામે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે અને તેમણે ઓફલાઈન પરીક્ષા ના યોજાય એ માટે ડિજિટલ આંદોલન શરૂ કર્યું છે.
ઓફલાઇન પરીક્ષાનો વિરોધ કરવા 8 ગ્રુપ બનાવ્યાં
પાર્શિલ ગાંધી અને યશ્વી શાહ નામના વિદ્યાર્થીઓ ધોરણ 12માં અભ્યાસ કરે છે. તેમણે અન્ય 5 વિદ્યાર્થી સાથે મળીને વ્હોટ્સએપમાં ગ્રુપ બનાવ્યું છે, જેમાં તેણે સરકાર દ્વારા યોજવામાં આવનારી ઓફલાઇન પરીક્ષાનો વિરોધ કર્યો છે. અલગ-અલગ 8 ગ્રુપ બનાવવામાં આવ્યાં છે, જેમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે. વિદ્યાર્થીઓનો દ્વારા આ ગ્રુપમાં પરીક્ષામુદ્દે ચર્ચા કરવામાં આવે છે. ઓફલાઈન પરીક્ષાના ગેરફાયદા અને એને કારણે થનારા નુક્સાન અંગે પણ ચર્ચા કરવામાં આવે છે.
સ્ટડી ઓનલાઈન થઈ, હવે ઓફલાઈન પરીક્ષા યોજાય એ અયોગ્ય છે
યશ્વી શાહ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે સરકારના ઓફલાઈન પરીક્ષાના નિર્ણય સામે અમે 7 એડમિન સાથે મળીને વ્હોટ્સએપ પર ગ્રુપ બનાવ્યું છે, જેમાં 2000 વિદ્યાર્થી અમારી સાથે જોડાયા છે. 3કલાકની ઓફલાઈન પરીક્ષામુદ્દે અમારો વિરોધ છે. ઓનલાઈન ભણાવવામાં આવ્યું ત્યારે ઓફલાઈન પરીક્ષા યોજાય એ અયોગ્ય છે, માટે સરકાર દ્વારા 3કલાકની પરીક્ષાની જગ્યાએ અન્ય વિકલ્પ આપવામાં આવે.
પરિવારના સભ્યોને કોરોના થયો એ દરમિયાન ભણવાનું છૂટી ગયું
દીપ ખારા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઓફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જૂની પદ્ધતિથી જ પરીક્ષા લેવામાં આવી રહી છે. મારા પરિવારમાં મને કોરોના થયો, પરિવારના સભ્યોને કોરોના થયો એ દરમિયાન ભણવાનું છૂટી ગયું. કોરોનાને કારણે ભણવામાં ધ્યાન રહેતું નથી, એમાં પણ ઓનલાઈન ભણાવવામાં આવે છે. 3 કલાકની પરીક્ષામાં માસ્ક પહેરીને બેસવું પણ મુશ્કેલ છે, માટે ઓફલાઈનની જગ્યાએ અન્ય વિકલ્પથી પરીક્ષા લેવામાં આવે.
સ્કૂલોમાં પ્રીલિમનરી પરીક્ષા પણ ઓનલાઇન લેવામાં આવી
પ્રશીલ ગાંધી નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે સમગ્ર વર્ષ દરમિયાન ઓનલાઈન ભણાવવામાં આવ્યું છે, સ્કૂલોમાં પ્રીલિમનરી પરીક્ષા પણ ઓનલાઇન લેવામાં આવી છે. ઓનલાઈન અભ્યાસમાં ક્વેરી પણ આવી છે. ઓનલાઈન અભ્યાસ હોવાને કારણે 30 ટકા જેટલું જ શીખી શક્યા છીએ. પૂરું વર્ષ ઓનલાઈન ભણ્યા તો પરીક્ષા ઓફલાઈન શા માટે આપીએ?અમને રાઈટિંગની પ્રેક્ટિસ નથી, શિક્ષક સાથે યોગ્ય કોમ્યુનિકેશન નથી થયું. અમારો વિરોધ પરીક્ષાનો નથી, પરંતુ ઓફલાઈન પરીક્ષાનો છે, જે માટે અમે બેનર બનાવ્યાં છે, જે સરકારી કચેરી સામે લઈને પરવાનગી સાથે વિરોધ કરીશું. અમારી સાથે 2000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને બીજા પણ જોડાશે.
ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓ સરકાર સામે આંદોલન કરશે
એક તરફ, આખા વર્ષ દરમિયાન ઓનલાઈન ભણવામાં આવ્યું અને બીજી તરફ પરીક્ષા ઓફલાઈન લેવામાં આવે છે, જેનો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. સરકારની કેટલીક બેઠક પણ ઓનલાઈન યોજાય છે તો વિદ્યાર્થીઓની પરીક્ષા શા માટે યોજાય? કેટલાક વિદ્યાર્થીઓને હજુ કોરોનાનો ડર છે. વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર પણ અસર પડી રહી છે, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા સામે વિરોધ કરવા તૈયાર છે. નાની ઉમરમાં 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ સરકાર સામે આંદોલન કરશે તો એનું કારણ જ સરકાર જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.