વીમા કંપનીએ એક સરખા નામ અને અટક ધરાવતા વ્યક્તિને ખરાઇ કર્યા વગર વીમાની રકમ ચૂકવી દેતા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. ગ્રાહક કોર્ટે વીમા કંપનીના કર્મચારીની બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરીને મૂળ ફરિયાદીના વીમાના 7 લાખ વળતર 7.5 ટકા સાથે ચૂકવી દેવા આદેશ કર્યો છે. કોર્ટે ફરિયાદીને માનસિક ત્રાસ માટે અલગથી 2 લાખ ચૂકવી દેવા આદેશ કર્યો છે.
દેવાનંદ ત્રિવેદી નામના ખાનગી કંપનીમાં નોકરી કરતા આધેડે વર્ષ 2014માં પોતાની અને પત્ની સુધાબેનની વીમા પોલિસી લીધી હતી. પોલિસી માટે દર 6 મહિને રેગ્યુલર પ્રિમિયમની રકમ ચેકથી ભરતા હતા. જૂન-2015માં દેવાનંદ ત્રિવેદીનું અવસાન થતા તેમના સુધાબેને વીમા કંપની પાસે વીમાની રકમ મેળવવા અરજી કરી હતી. વીમા કંપનીએ 2016 સુધી કોઇ જવાબ નહીં આપતા સુધાબેને તપાસ કરાવી હતી. વીમા કંપનીએ એવો જવાબ અપાયો હતો કે, તેમને વીમાની રકમ ચૂકવી દેવાઈ છે. જેથી સુધાબેને ગ્રાહક કોર્ટમાં અરજી કરી હતી.
ગ્રાહક કોર્ટે વીમા કંપની પાસે વીમાની રકમ ચૂકવી હોવાના દસ્તાવેજી પુરાવા માગ્યા હતા. વીમા કંપનીએ દેવાનંદ ત્રિવેદી નામના વ્યકિતના પરિવારજનના નામે ચૂકવેલા ચેકની નકલ અને બેન્કની વિગતો રજૂ કરી હતી. આ વિગતો તપાસતા સુધાબેને તેમની બેન્ક ડિટેઇલ નહીં હોવાની દલીલ કરી હતી. તેમનું બેન્ક ખાતું બીજી બેન્કમાં હોવાનું અને જે રકમ જમા કરી તે બીજા કોઈ વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાં થઇ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. વીમા કંપનીની બેદરકારી અને ફરીથી વળતર નહીં ચૂકવવાના વલણને લઇને કોર્ટે નારાજગી દર્શાવી હતી. ખરાઇ કર્યા વગર 7 લાખની રકમ ભળતા નામે ચૂકવવા સામે કોર્ટે વીમા કંપનીને બીજા 7 લાખ સુધાબેનના એકાઉન્ટમાં જમા કરાવવા આદેશ કર્યો છે.
ઓટો નેમ સર્ચિંગ સોફ્ટવેરને લીધે ભૂલ થઈ હતી
વીમા કંપનીએ બચાવમાં દલીલ કરી હતી કે, તેમના ઓટો નેમ સર્ચિંગ સોફ્ટવેરના આધારે વળતર જમા કરાવ્યંુ હતું. ગ્રાહક કોર્ટે ચુકાદામાં એવું અવલોકન કર્યુ કે, મધ્યમ વર્ગના લોકો માટે વીમો બહુ મહત્ત્વનો બની રહે છે. આખી જિંદગી તે ખેંચાઇને વૃદ્ધાવસ્થા માટે એક ખાતરી દાયક સિકયોરિટી ઉભી કરે છે. પોતાના હકના નાણાં માગવા લોકોને 3 વર્ષ કોર્ટમાં ખર્ચો કરવો પડે છે, જે અવસ્થા માટે નાણાં ભેગા કર્યા હોય તેમાં માનસિક ત્રાસ ભોગવવો પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.