વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં બાપુનગરમાંથી અપક્ષમાં ઊભા રહેલા અલ્તાફ બાશીના રખિયાલમાં આવેલા જુગારના અડ્ડા પર ક્રાઈમ બ્રાંચે દરોડો પાડ્યો હતો, જેમાં 19 લોકો જુગાર રમતા પકડાયા હતા. તેમની પાસેથી રોકડ, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1.15 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે જુગાર અડ્ડાના સંચાલક અલ્તાફ બાશી અને ખુરશીદ અહેમદ નહીં પકડાયા હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી.
રખિયાલની ડો. કનુભાઈની ચાલીમાં આવેલા ખુરશીદ અહેમદ ઉર્ફે દયાવાનમાતા દોસ્તમહંમદ પઠાણના મકાનમાં અલ્તાફખાન ઉર્ફે બાશી જબ્બારખાન પઠાણનું જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચને મળી હતી, જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે સોમવારે સાંજે દરોડો પાડયો હતો. ત્રણ માળના આ મકાનના ત્રીજા માળેથી 19 માણસો જુગાર રમતા મળી આવ્યા હતા, જેમાં ફિરોઝ પઠાણ, જિતેન્દ્ર વાઘેલા, ભરત પરમાર, કનુભાઈ ગઢવી, યુનુસ શેખ, બિપીન શાહ, ઈરફાન અંસારી, ડાહ્યાભાઈ બારોટ, જિતેન્દ્રભાઈ પટેલ, મુર્તુઝાભાઈ શેખ, ફિરોઝભાઈ વોરા, ઉમેશભાઈ ચૌહાણ, સાજિદભાઈ સૈયદ, વિનોદભાઈ સોનકર, સતારભાઈ વોરા, યાસીનમિયાં શેખ, મુસ્તાક શેખ, અશ્વિનકુમાર ઠક્કર અને જગદીશ પટેલનો સમાવેશ થાય છે.
જ્યારે મકાનમાલિક ખુરશીદ પઠાણ, અલ્તાફ બાશી અને આસિફખાન પઠાણ હાજર ન હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. પકડાયેલા 19 માણસો પાસેથી રોકડા રૂ.82,340, 5 મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1.15 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તમામ આરોપીને સોંપી દીધા હતા.
અલ્તાફ બાશી પોલીસને મહિને રૂ.10 લાખનો હપતો ચૂકવતો હતો
ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ અલ્તાફ બાશીએ જુગારનો અડ્ડો શરૂ કરી દીધો હતો. અલ્તાફ બાશીના આ અડ્ડા પર ક્યારેય રખિયાલ પોલીસ, એસીપી, ડીસીપી કે સેક્ટર-2એ દરોડો પાડ્યો જ નથી. તેની પાછળનું કારણ એ છે કે, અલ્તાફ પોલીસને મહિને રૂ.10 લાખનો હપતો ચૂકવતો હોવાની ચર્ચા છે.
કેટલાક IPSનો બાતમીદાર હોવાની ચર્ચા
અલ્તાફ બાશી પર હત્યા કેસ સહિત સંખ્યાબંધ ગુના છે. હિસ્ટ્રીશીટર હોવા છતાં તેનો જુગારનો અડ્ડો ખુલ્લેઆમ ચાલતો હતો. તેની પાછળનું કારણ એ છે કે, અલ્તાફ બાશી કેટલાક સિનિયર આઈપીએસ અધિકારીઓનો બાતમીદાર છે, જેથી પોલીસ રેડ પાડતા ડરતી હોવાની ચર્ચા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.