સરકાર કોરોના સામે ગંભીર:CM રૂપાણીએ કહ્યું, રાજ્યમાં ફરી લોકડાઉન નહીં; આજે સાંજે સરકારની કોર કમિટીની મહત્ત્વની બેઠકમાં ચાર શહેરમાં વીક એન્ડ કર્ફ્યૂ અને અન્ય નિયંત્રણોનો નિર્ણય

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોરોનાનું સંક્રમણ અમદાવાદ સહિતના શહેરોમાં વધતું જોવા મળ્યું છે - Divya Bhaskar
કોરોનાનું સંક્રમણ અમદાવાદ સહિતના શહેરોમાં વધતું જોવા મળ્યું છે
  • કેન્દ્રની નવી ગાઇડલાઇન્સ અને રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખી કઠોર નિર્ણય લેવામાં આવે એવી શક્યતા

ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસોની વચ્ચે અમદાવાદ સહિતનાં ચાર શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાજીમાં અગાઉ કહ્યું હતું તે મુજબ ફરી રાજ્યમાં લોકડાઉન નહીં લાદવામાં આવે તેનો પુનરોચ્ચાર કર્યો છે. ઉપરાંત કેન્દ્રની પણ નવી કોરોના ગાઈડલાઈન્સ જાહેર કરી છે, ત્યારે ગુજરાત સરકારની આજે સાંજે મળનારી કોર કમિટીની બેઠકમાં કર્ફ્યૂ-નિયંત્રણો અને કોરોના કાબૂમાં લેવા માટેના નિર્ણયો લેવામાં આવી શકે છે. એમાં પણ ચાર શહેરમાં હજુ પણ બેકાબૂ બનતી ભીડ અને કેસોના મામલે વીક એન્ડ કર્ફ્યૂ અને ભીડ કરતા વેપારધંધા પર નિયંત્રણ લાદવામાં આવે એવી શક્યતા છે.

રાજ્યમાં લોકડાઉન નહીં: મુખ્યમંત્રીની ફરી સ્પષ્ટતા
કફર્યૂ અને લોકડાઉનને લઈને CM રૂપાણીએ કરી સ્પષ્ટતા, જો પરિસ્થિતિ બગડશે તો ઉચિત નિર્ણય કરાશે, સાથે જ એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં નહીં આવે. લોકોને સારવાર મળે એ અમારી પ્રાથમિકતા છે. કોરોના મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે. જ્યારે રાજ્યનાં ચાર શહેરમાં રાત્રિ કર્ફ્યૂ રહેશે અને દિવસે કર્ફ્યૂ આવે તેવી કોઈ વિચારણા નથી.

ગયા સપ્તાહે 57 કલાકના કર્ફ્યૂ પહેલાં ખરીદી માટે મોલ આગળ લાઈનો લાગી હતી.
ગયા સપ્તાહે 57 કલાકના કર્ફ્યૂ પહેલાં ખરીદી માટે મોલ આગળ લાઈનો લાગી હતી.

હાલમાં 4 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલુ
રાજ્યભરમાં વધતા કોરોના સંક્રમણને કાબુમાં લેવા રાજય સરકાર અનેકવિધ પગલાઓ લઈ રહી છે. ગત સપ્તાહે અમદાવાદમાં 57 કલાકનો સળંગ કર્ફ્યૂ નાંખ્યો હતો અને ત્યારબાદ હાલમાં અમદાવાદ,રાજકોટ, વડોદરા, સુરતમાં રાત્રિના 9થી સવારના 6 સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે હવે મહાનગરોમાં વીક એન્ડમાં એટલે કે શનિ-રવિમાં દિવસ દરમિયાન પણ કર્ફ્યૂ નાંખવાની વિચારણા આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી કોરોના કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો, અમદાવાદ જ નહીં વડોદરા-રાજકોટ-સુરતમાં પણ શનિ-રવિમાં દિવસના કર્ફ્યૂ આવી શકે છે

વડાપ્રધાન શહેરોની ભીડથી નારાજ
રાજ્યના મહાનગરોમાં કોરોના સંક્રમણ વધતુ જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિત આઠ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી કોરોના સ્થિતિની વિગતો મેળવી આકરા શબ્દોમાં કોરોનાને કાબુમાં લેવા અંગે સુચના આપી હતી. કોરોના નિયંત્રણ કરવા માટે રાજ્ય સરકારો શું કાર્યવાહી કરી રહી છે તેની વિગત માંગી અને ચર્ચા કરી હતી. વડાપ્રધાને મહાનગરોમાં એકત્રિત થતી ભીડ પ્રત્યે સખ્ત નારાજગી વ્યક્ત કરી આ ભીડથી કોરોના સંક્રમણ વધે છે. સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય કોરોના કેસો વધી રહ્યા હોય તેની સામે આક્રમક કાર્યવાહી કરવા તમામ મુખ્યમંત્રીઓને કડક ભાષામાં સૂચના આપી હતી.

રાત્રિ સમયે પણ બજારોમાં લોકોના ટોળા ઉમટતા દેખાયા હતા
રાત્રિ સમયે પણ બજારોમાં લોકોના ટોળા ઉમટતા દેખાયા હતા

કોર કમિટીની મિટિંગમાં નિર્ણય લેવાશે
ગુજરાત સરકારે રાજ્યના ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણ ખાળવા હાલમાં રાત્રિ કર્ફ્યૂ અમલી કર્યો છે. પરંતુ સતત વધતા જતા કોરોના કેસોને ધ્યાનમાં લઈ ચાર મહાનગરોમાં શનિ-રવિ દરમિયાન સંપૂર્ણપણે દિવસનો કર્ફ્યૂ નાંખવાના મુદ્દે આજની મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે તેવું જણાવ્યું છે.

આ પણ વાંચો, સપ્તાહાંતે 4 શહેરોમાં દિવસે કર્ફ્યૂ લાદવાની હાલ વિચારણા નથી: નીતિન પટેલ

ખાણી-પીણી બજારમાં ભીડ ઉમટે છે
રાજ્યના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના સંક્રમણ વધતું જતું હોય લોકો મોટા પ્રમાણમાં ખાસ કરીને ચા-પાનના ગલ્લા અને કિટલી, ચા-નાસ્તાની લારીઓ તેમજ ખાણી-પીણી બજાર પર સતત વધતી જતી ભીડ અને આ ભીડના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાતુ ન હોવાના કારણે ચાર મહાનગરોમાં શનિ-રવિના વીક એન્ડમાં દિવસે પણ સંપૂર્ણપણે સંચારબંધી લાદવાની વિચારણા ચાલી રહી છે. આજનીની કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને મોટાભાગે આ મિટિંગમાં ચાર મહાનગરોમાં શનિ-રવિ દરમિયાન સંપૂર્ણપણે કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કરવામાં આવે તેવા નિર્દેશ સાંપડી રહ્યા છે.